ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદ હાલમાં ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે અને તેમણે ગુરુવારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન સાથે પેરામેટાના જ્યુબિલી પાર્ક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે ભારતીય મૂળના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત કહ્યા હતા.
સ્કોટ મોરિસનને ગાંધીજીની "હિન્દ સ્વરાજ" પુસ્તકની ભેટ
ભારતીય રાષ્ટ્રપતિ કોવિંદે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન તથા સિટી ઓફ પેરામેટાના મેયર એન્ડ્ર્યુ વિલ્સનને મહાત્મા ગાંધી દ્વારા લખવામાં આવેલું હિન્દ સ્વરાજ પુસ્તક ભેટ તરીકે આપ્યું હતું.
મહાત્મા ગાંધીએ હિન્દ સ્વરાજ પુસ્તક જહાજમાં લંડનથી સાઉથ આફ્રિકા જતી વખતે લખ્યું હતું. આ પુસ્તક ગુજરાતી ભાષામાં લખાયું હતું. જેનું વિશ્વની ઘણી ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યું છે.
અગાઉ, રાષ્ટ્રપતિ કોવિંદ તથા વડાપ્રધાન સ્કોટ મોરિસને ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચે વેપાર સંબંધો વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી.
જુલાઇ 2018માં ભારત દ્વારા An India Economic Strategy to 2035: Navigating from Potential to Delivery પર તૈયાર કરવામાં આવેલા રીપોર્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયા સાથેના વેપાર સંબંધોને એક નવી દિશામાં આગળ લઇ જવા માટે કેટલાક પ્રસ્તાવ રજૂ કર્યા હતા જેમાં ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે હકારાત્મક વલણ અપનાવ્યું હતું.
વડાપ્રધાન સ્કોટ મોરિસને રાષ્ટ્રપતિ કોવિંદ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, "રીપોર્ટમાં ભારત સાથે ભવિષ્યમાં થનારા વેપાર અંગેની કેટલીક નીતિઓ દર્શાવવામાં આવી છે."
"અત્યારે ભારત દુનિયાનું સૌથી ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર છે અને આગામી 20 વર્ષમાં ઓસ્ટ્રેલિયાને વેપાર કરવાની વધુ તક આપી રહ્યું છે."
ટ્રેડ, ટુરિઝમ તથા ઇન્વેસ્ટમેન્ટ મંત્રી સાઇમન બર્મિંગહામે જણાવ્યું હતું કે, "અમે ભારતના 10 રાજ્યો અને મુખ્ય 10 ક્ષેત્રોમાં વેપાર વધારવાના પ્રયત્નો કરીશું."
વિદેશી બાબતોના મંત્રી મારીસ પાયને જણાવ્યું હતું કે, "ભારત તથા ઓસ્ટ્રેલિયા બંને દેશો એકબીજાના ઉદ્યોગો માટે યોગ્ય નીતિઓ તથા વધુ સરળતાથી વેપાર થઇ શકે તે દિશામાં કાર્ય કરવા માટે કટિબદ્ધ છે."
"ભારત 2030 સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે અને તે વૈશ્વિક વૃદ્ધિમાં પણ ભાગ ભજવશે."
આગામી 12 મહિનામાં આ નિર્ણયો લેવાશે
- એર સર્વિસ સમજૂતી હેઠળ ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચે સીધી ફ્લાઇટ્સ વધારાશે
- દ્વીપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવા માટે ઓસ્ટ્રેડ તથા ઇવેન્ટ્સ ઇન્ડિયા વચ્ચે એમઓયુ (MOU)
- કૃષી વિષયક કંપનીઓ અને સર્વિસને નવી તક મળી રહે તો માટે ઓસ્ટ્રેલિયા - ઇન્ડિયા ફૂડ પાર્ટનરશીપ.
- ઉર્જા સંગ્રહ, મરીન વિજ્ઞાન જેવા વિષયોમાં વધુ સંશોધન કરવા માટે ઓસ્ટ્રેલિયા - ઇન્ડિયા સ્ટ્રેટેજીક રીસર્ચ ફંડ હેઠળ 5 લાખ ઓસ્ટ્રેલિયન ડોલર સુધીની ગ્રાન્ટ.
- ઓસ્ટ્રેલિયા - ઇન્ડિયા માઇનિંગ પાર્ટનરશિપ હેઠળ ઓસ્ટ્રેલિયાની કંપનીઓનું ભારતના ઉત્તર - પૂર્વી રાજ્યો સાથેનું જોડાણ.
AFR ઇન્ડિયા બિઝનેસ સમિટ ખાતે સંસાધન તથા નોધર્ન ઓસ્ટ્રેલિયાના મંત્રી મેથ્યુ કાનાવાને જણાવ્યું હતું કે, "જીયોસાયન્સ ઓસ્ટ્રેલિયા જીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા સાથે પોતાની કુશળતા વહેંચીને પેટાળમાં રહેલા ખનીજો શોધવામાં ભારતને મદદ કરી રહ્યું છે."
"આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયા - ભારત માઇનિંગ પાર્ટનરશીપ હેઠળ બંને દેશ ઝારખંડમાં આવેલી ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ ખાતે ટ્રેનિંગ તથા ભારતીય ખનીજ ક્ષેત્રને આધુનિક બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે."
"ગયા વર્ષે ભારતે 160 મિલિયન ટન થર્મલ કોલસાની આયાત કરી હતી પરંતુ તેમાંથી માત્ર 3 મિલિયન ટન કોલસો જ ઓસ્ટ્રેલિયાથી નિકાસ થયો હતો. તેથી જ, ઓસ્ટ્રેલિયા પાસે પોતાની નિકાસ વધારવાની તક રહેલી છે." તેમ કાનાવાને જણાવ્યું હતું.
Share


