આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પર્વ વિજયાદશમી ફક્ત ભારતમાં જ નહીં પરંતુ ભારત બહાર પણ પારંપરિક રીતે ઉજવાય છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ તથા યુનાઇટેડ કિંગડમમાં વસતા ભારતીય સમાજના લોકો તેની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે.
ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ ભાગમાં આવેલા પર્થ શહેરમાં આ વખતે સૌ પ્રથમવાર સાર્વજનિક રીતે દશેરાની ઉજવણી કરાઇ રહી છે. પરંપરાગત રીતે ઉજવવામાં આવતા આ ઉત્સવમાં અબાલ વૃદ્ધ દરેકમાં ચપળતા કેળવાય તેવી રમતો, યોગા,પ્રતીક શસ્ત્ર પૂજા, લેઝીમ, લાઠીદાવ, જુડો-કરાટેની મિશ્રણરૂપ સ્વબચાવની રીતની પણ પ્રસ્તુત કરાશે.

સમાજનમાં વસુધૈવ કુટુંબકમની તથા ટીમવર્કની ભાવના કેળવાય તે ઉદ્દેશ્ય સાથે દશેરાની સામૂહિક ઉજવણી કરાઇ રહી છે. દામજીભાઇ કોરિયાએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, નાના બાળકોમાં વસુધૈવ કુટુમ્બકમની ભાવના તથા પરદેશમાં સ્થાનિક કાયદા - કાનૂનની મર્યાદામાં રહીને પણ આપણા બાળકોને આપણી સંસ્કૃતિ - ઉજવણીની જાણકારી મળે તેવો પણ આ સામૂહિક ઉજવણીને હેતૂ છે.
પર્થના ડાયનેલા વિસ્તારમાં આવેલા જિમ સાચેટ હોલમાં ૨૭ ઓક્ટોબરના રોજ સાંજે 4 થી 6 દરમિયાન આ ઉત્સવ ઉજવાશે. પર્થમાં હિન્દૂ સ્વયં સેવક સંઘને 10 વર્ષ પુરા થયાની ઉજવણીના ભાગરૂપે આ આયોજન કરાયું છે.

ભારતની ૬૦૦ જેટલી પ્રાચીન રમતોમાંથી પ્રતીક રૂપે કેટલીક રમતો અહીં કાર્યક્રમમાં દર્શાવાશે જે તન અને મનનો સમન્વય કરીને માનસિક અને શારીરિક વિકાસ કરે છે. ચેઇન લોક, હાથીની સૂંઢ, મંડળ ક્રિકેટ, લંગડી જેવી અનેક રમતોથી મગજ અને શરીરનું સમતુલન જળવાય તથા ભાઈચારો વધે તેવી ભાવના સાથે આ રમતોનું કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, આ તમામ રમતો એવી છે કે તેને કોઈ પણ સાધન વગર તેને રમી શકાય છે. વળી, આવી રમતો માત્ર ચાર થી પાંચ મિનિટમાં પણ રમાય એવી હોય છે અને નાના બાળકથી લઇને વૃદ્ધ પણ આસાનીથી આ રમત રમીને ચપળતા કેળવે છે.

ઉલ્લેખનીય છે કે, પૌરાણિક માન્યતા અનુસાર ત્રેતા યુગમાં રામચંદ્રજીએ આ દિવસે રાવણનો વધ કર્યો હતો અને માતાજીએ મહિસાસુરનો વધ કર્યો હતો તથા પાંડવોએ 12 વર્ષના વનવાસ બાદ એક વર્ષના અજ્ઞાતવાસ પછી ગાંડીવધારી અર્જુને શમીના વૃક્ષ પરથી પોતાનું ગાંડીવ ધનુષ ઉતારી તેની પૂજા આ દિવસે કરી હતી. એના પ્રતીક રૂપે દશેરોના દિવસે શાસ્ત્રોની પૂજા પણ કરાય છે.
ભારત દેશમાં તો આ દિવસે વાહનની પૂજા અને નવા વાહનની ખરીદી થાય છે. જ્યારે, ગુજરાતમાં તો આ દિવસે ફાફડા -જલેબી ખાવાનો રીવાજ છે અને કરોડો રૂપિયાના ફાફડા જલેબી ખવાય છે.
ઓસ્ટ્રેલિયા સહિતના અન્ય દેશોમાં વસતાં ભારતીયોમાં પણ આ દિવસે ફાફડા - જલેબી ખાવાની પરંપરા શરૂ થઇ છે. ઘણા લોકો ઉપલબ્ધ હોય ત્યાં બજારમાંથી લાવી ને અથવા ઘરે બનાવી ને અહીં પણ ફાફડા જલેબીની જ્યાફત માણે છે.

