ઓસ્ટ્રેલિયાથી બહાર વેકેશન માણીને સ્વદેશ પરત ફરી રહેલા ઓસ્ટ્રેલિયન્સે એરપોર્ટ પર તપાસ અને અન્ય કાર્યવાહી માટે વધુ સમય આપવો પડી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, ઓસ્ટ્રેલિયન એરપોર્ટ પર ઇન્ડોનેશિયા, બાલીથી આવતી ફ્લાઇટના પેસેન્જર્સની વધુ ચકાસણી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે આફ્રિકન સ્વાઇન ફિવરના ભયના કારણે ઓસ્ટ્રેલિયા ઊતરાણ કરતી ફ્લાઇટ્સના પેસેન્જર્સ તથા તેમના સામાનની વધુ ચકાસણી કરવામાં આવી રહી છે.
આ અંગે ઓસ્ટ્રેલિયન સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર દ્વારા બહાર પાડવામાં આવેલી એક યાદી પ્રમાણે, જે ઓસ્ટ્રેલિયન્સ બાલી અથવા વિદેશમાં અન્ય કોઇ સ્થળે પ્રવાસમાં ગયા હોય અને તેઓ ઓસ્ટ્રેલિયા પરત ફરી રહ્યા હોય તો તેમણે ઓસ્ટ્રેલિયન એરપોર્ટ પર તેમની તથા સામાનની ચકાસણી માટે વધુ સમય આપવો પડી શકે છે.

Source: AAP
અગાઉ નોર્થ સુમાત્રામાં આફ્રિકન સ્વાઇન ફિવર તથા ઇન્ડોનેશિયાના અન્ય સ્થળો ઉપરાંત વિયેતનામ, કમ્બોડીયા અને અન્ય સ્થળોએ પણ ફિવરના કારણે બાયોડાયવર્સિટી વિભાગ હાઇ એલર્ટ પર છે.
ઓસ્ટ્રેલિયા લવાતી વસ્તુઓ જાહેર કરો
એગ્રિકલ્ચર ડીપાર્ટમેન્ટના બાયોડાયવર્સિટી હેડ લિન ઓ’કોનેલે યાદીમાં જણાવ્યું હતું કે આફ્રિકન સ્વાઇન ફિવરના કારણે ઓસ્ટ્રેલિયાની 5.2 બિલિયન ડોલરના પોર્ક ઉદ્યોગ પર ખતરો પેદા થયો છે.
તેથી જ આ વિસ્તારોમાંથી આવતા પ્રવાસીઓને વધુ સાવચેતી રાખવા માટે ચેતવવામાં આવી રહ્યા છે.
વર્તમાન સમયમાં મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયાથી પ્રવાસીઓ વિદેશ જાય છે. પ્રવાસીઓએ ઓસ્ટ્રેલિયા પરત ફરતી વખતે તેઓ પોતાની સાથે કઇ ચીજવસ્તુઓ લાવી રહ્યા છે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
રીજનલ વિસ્તાર કે ફાર્મની મુલાકાત લેનારા નાગરિકોએ પોતાની સાથે લાવવામાં આવતી વસ્તુઓનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે તેમ ઓ’કોનેલે ઉમેર્યું હતું.
એરપોર્ટ પર પ્રતિબંધિત વસ્તુઓ પકડાવવા બદલ જંગી દંડનો સામનો કરવો પડી શકે છે.

Source: AAP
130 બાયોડાવર્સિટી ઓફિસરની નિમણૂક
વર્તમાન ધસારાને પહોંચી વળવા માટે દેશના વિવિધ શહેરો જેમ કે કેઇન્સ, સિડની, મેલ્બર્ન, પર્થ, એડિલેડ, બ્રિસબેન તથા ડાર્વિનના એરપોર્ટ પર 130 જેટલા ફ્રન્ટલાઇન બાયોડાયવર્સિટી ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત, બાલીથી ઓસ્ટ્રેલિયા પરત ફરનારા પેસેન્જર્સની ડીટેક્ટર ડોગ્સ, હાઇ- ટેક થ્રી ડાયમેન્સનલ એક્સ-રે મશીન દ્વારા તપાસ કરવામાં આવશે અને તેમને પોતાની સાથે લાવવામાં આવતી તમામ ચીજવસ્તુઓનો ઉલ્લેખ કરવા જણાવાયું છે.