ન્યુ સાઉથ વેલ્સ રાજ્ય ઓસ્ટ્રેલિયાનું પ્રથમ રાજ્ય બનશે જ્યાં વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરનાર ચાલકની ઓળખ માટે કેમેરા વાપરવામાં આવશે. આ માટે ન્યુ સાઉથ વેલ્સ રાજ્યના માર્ગ સલામતી કાયદામાં આ અંગે સંશોધન કરી પ્રાવધાન કરવામાં આવી રહ્યું છે.
વાહન ચલાવતા સમયે મોબાઈલ ફોનના ઉપયોગના કારણે ખોરવાતી માર્ગ સલામતીને "પ્રેક્ટિકલ અને ટેક્નોલોજીના મદદથી " સ્થપિત કરવાનો આ પ્રયાસ માનવામાં આવે છે.
રાજ્યના માર્ગ, સમુદ્રી અને માલ મંત્રી મેલિન્ડા પાવીનું કહેવું છે કે આ સુધાર વર્ષ 2021 સુધી ન્યુ સાઉથ વેલ્સ રાજ્યના માર્ગ સુરક્ષાના ધ્યેયને પામવા માટે ખુબ મહત્વનો છે.
"ઓસ્ટ્રેલિયામાં માર્ગ સલામતી વિધેયક દ્વારા કાનૂન લાગુ કરનાર ન્યુ સાઉથ વેલ્સ પ્રથમ રાજ્ય છે, જે સરકારની માર્ગ સલામતી ક્ષેત્રે ટેક્નોલોજીના ઉપયોગ અને સામાજિક બદલાવ સાથેની પ્રતિબદ્ધતા દર્શાવે છે."
તેઓએ એમ પણ ઉમેર્યું કે, "માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુની પાછળ ડ્રગના સેવન બાદ વાહન ચલાવવું એક પ્રમુખ કારણ તરીકે જાણવા મળ્યું છે, આ સાથે આલ્કોહોલનું સેવન, ઝડપથી વાહન ચલાવવું, થાક અને મોબાઈલ ફોનનો ઉપયોગ પણ કારણભૂત પરિબળો છે."
સરકારની માર્ગ સુરક્ષાની વેબસાઈટ પ્રમાણે, " વર્ષ 2012 થી 2017 દરમિયાન મોબાઈલ ફોનના ઉપયોગના કારણે થયેલ અકસ્માતોની સંખ્યા 184 છે જયારે આ અકસ્માતોમાં 7 લોકોના મૃત્યુ થયા હતા અને 105 જેટલા લોકોને ઇજા થઇ હતી."
તજજ્ઞનું મંતવ્ય:
માર્ગ સુરક્ષા તજજ્ઞ રોનક શાહનું કહેવું છે કે, "આ સુધારાથી કોઈ આશ્ચર્ય ન થવું જોઈએ, હાલના સમયમાં માર્ગ અકસ્માતોમાં મોબાઈલ ફોનના ઉપયોગના કારણે વિચલિત થવાથી વધારો થયો છે."
ન્યુ સાઉથ વેલ્સ રાજ્યના વર્તમાન નિયમો પ્રમાણે લર્નર, P1 અને P2 લાયસન્સ ધારકો કોઈપણ સંજોગોમાં વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ નથી કરી શકતા.
શ્રી શાહનું કહેવું છે કે, " મોબાઈલ ફોનથી ધારીએ તે કરતા વધુ વિચલિત થઇ જવાય છે. વાહન ચલાવતા સમયે ક્ષણિક ચૂક મોટી દુર્ઘટના સર્જે છે. ચાલક અને અન્યોના જીવને જોખમમાં મૂકે છે"
આ પગલાંનું સ્વાગત કરતા શ્રી શાહ જણાવે છે કે, " આ હજુ ખુબ શરૂઆતની વાત છે, પણ આવી ટેક્નોલોજીના કારણે લોકો ગેરકાયદેસર મોબાઈલનો ઉપયોગ કરતા પહેલા બે વખત વિચારશે અને વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળશે "
દંડ :
રાજ્યની વર્તમાન જોગવાઈઓ પ્રમાણે :
P1 લાયસન્સ ધારક - મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા બદલ 4 ડીમેરિટ પોઈન્ટ્સ અને 3 મહિના સુધી લાયસન્સ રદ્દ થઇ શકે છે
P2 લાયસન્સ ધારક - મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા બદલ સજા થયા બાદ 3 ડીમેરિટ પોંઇટ્સ જ બચે છે.
પૂર્ણ લાયસન્સ ધરાવતી વ્યક્તિ - હેન્ડ ફ્રી નો ઉપયોગ કરી શકે છે. ખોળામાં કે કાન અને ખભ્ભા વચ્ચે ફોન રાખનારને 4 ડીમેરિટ પોઈન્ટ્સ મળે છે.
સલામતી માટે ટિપ્સ:
- બ્લ્યુ ટુથનો ઉપયોગ કરવો
- વાહન પાર્ક કરી ફોન ઉપાડવો - અરજન્ટ પરિસ્થિતિમાં વાહન સાઈડમાં પાર્ક કરી ફોનનો ઉપયોગ કરવો
- વાહન ચલાવતા સમયે શક્ય હોય તો ફોન સાયલન્ટ પર મુકવો
- આપના કોલ વોઇસ મેઈલમાં મોકલવા
આ કાનૂની સુધાર 1 જુલાઈ 2018 થી અમલમાં આવશે