ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને તાજેતરમાં તેમના વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન પર્થમાં ભારતીય સમુદાયની મુલાકાત લીધી હતી.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય સમુદાય સાથે તેમણે ઇનાલૂમાં બોલીવૂડ રેસ્ટોરન્ટ ખાતે સવારની ચાની મજા માણી હતી.
હાઇલાઇટ્સ
- વડાપ્રધાન સ્કોટ મોરસને પર્થ સ્થિત ભારતીય સમુદાયની મુલાકાત લીધી
- ભારતીય સમુદાયે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ની લડત સામે આપેલા યોગદાનને બિરદાવ્યું
- ભારતની અન્ય દેશોને રસી ઉપલબ્ધ કરાવવાના નિર્ણયની વડાપ્રધાન મોરિસને પ્રશંસા કરી
વડાપ્રધાન સ્કોટ મોરિસને ભારતીય સમુદાયને તેમના સંબોધનમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ગાઢ મિત્ર હોવાનું જણાવ્યું હતું. તેમણે ભારત, અમેરિકા, જાપાન સાથે ક્વોડ સમિટમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના યોગદાનને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું.
આ ઉપરાંત, તેમણે ઉમેર્યું હતું કે, ઓસ્ટ્રેલિયા એક બહુસાંસ્કૃતિક દેશ છે અને તેમાં ભારતીય સમુદાયનો ફાળો સૌથી મહત્વપૂર્ણ છે.
હાલમાં ભારત કોરોનાવાઇરસ સામે લડી રહ્યું છે. અને તે ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય સમુદાય માટે ચિંતાની બાબત છે. જોકે, ઓસ્ટ્રેલિયા કોરોનાવાઇરસ સામે વિજય મેળવવા તરફ વધી રહ્યું છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા રાજ્યમાં જે પ્રકારે કોરોનાવાઇરસ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી છે તેનો શ્રેય વડાપ્રધાને બહુસાંસ્કૃતિક સમુદાયને આપ્યો હતો.

Prime Minister Scott Morrison visited Indian community in Perth. Source: Supplied by Prime Minister Scott Morrison/Facebook
વડાપ્રધાન મોરિસને કોરોનાવાઇરસની મહામારીના સમયમાં ભારતીય સમુદાયે રાજ્યમાં આપેલા યોગદાન અને સહયોગને બિરદાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, કોરોનાવાઇરસ સામેની આ લડતમાં સમાજના દરેક વ્યક્તિએ તેનું અમૂલ્ય યોગદાન આપીને જાહેર ઉજવણીઓ અને તહેવાર દરમિયાન મેળાવડાથી દૂર રહીને પણ સમાજની સુરક્ષાને પ્રાધાન્ય આપ્યું હતું જે પ્રશંસનીય છે.
વડાપ્રધાન મોરિસને ભારતની પ્રશંસા કરી
વડાપ્રધાન સ્કોટ મોરિસને ભારતમાં કોરોનાવાઇરસની વર્તમાન પરિસ્થિતી સામે ચિંતા વ્યક્ત કરી હતી અને આ મહામારીના સમયમાં પણ ભારત અન્ય દેશોને કોવિડ-19ની રસી પૂરી પાડી રહ્યું છે તે બદલ ભારતીય મૂલ્યો અને જુસ્સાની પ્રશંસા કરી હતી.
ભારત માટે આ ખૂબ જ કઠિન સમય છે પરંતુ તેઓ આ પડકારનો સામનો કરવાની સાથે - સાથે અન્ય દેશોને પણ મદદરૂપ બની રહ્યું છે. જરૂરિયાત ધરાવતા દેશોમાં ભારત રસીનો જથ્થો પૂરો પાડીને ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિનો પરિચય કરાવી રહ્યું છે. ભારત મહામારી સામે વિજય મેળવે તેવી વડાપ્રધાને શુભેચ્છા વ્યક્ત કરી હતી.

