મંગળવારે રાત્રે ન્યૂ સાઉથ વેલ્સ પોલીસને ગૂમ થયેલા ભારતીય મૂળના ડેન્ટિસ્ટ પ્રિતી રેડ્ડીનો મૃતદેહ સિડનીના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાંથી એક સ્યૂટકેસમાંથી મળ્યો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રિતીના શરીર પર ચપ્પાના ઘા કરવામાં આવ્યા હતા અને શંકાસ્પદ વ્યક્તિનું પણ મૃત્યુ થયું હતું.
ઉલ્લેખનીય છે કે પ્રિતી રેડ્ડી સિડનીના સેન્ટ લેનર્ડ્સ વિસ્તારમાં કામ અર્થે ગયા હતા અને ત્યાર બાદ ઘરે પરત ન આવતા તેમના પરિવારજનોએ 3જી માર્ચે રવિવારે તેમની ગૂમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસને મળતી માહિતી પ્રમાણે, પ્રિતીએ છેલ્લે રવિવારે સવારે 11 વાગ્યાની આસપાસ પોતાના પરિવાર સાથે વાત કરી હતી.
પ્રારંભિક માહિતી પ્રમાણે તેમણે વહેલી સવારે 2.15 વાગ્યે સિડનીની જ્યોર્જ સ્ટ્રીટ પાસે કિંગ સ્ટ્રીટ પર આવેલી એક રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ એકલા જ માર્કેટ સ્ટ્રીટ તરફ ગયા હતા.
સિડની સિટી પોલીસ એરિયા કમાન્ડે સ્ટ્રાઇક ફોર્સ કાર્લવૂડની મદદથી તપાસ પ્રારંભ કરી હતી અને પ્રિતીની કાર મંગળવારે રાત્રે 9.30 કલાકે સ્ટ્રાચન સ્ટ્રીટ, કિંગ્સફોર્ડ પાસેથી મળી આવી હતી.

Source: Supplied
કારની શોધખોળ કરતી વખતે પ્રિતીનો મૃતદેહ એક સ્યૂટકેસમાંથી મળી આવ્યો હતો અને તેમના શરીર પર ઘણી વખત ચપ્પાના ઘા કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને ત્યાર બાદ વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પ્રિતી માર્કેટ સ્ટ્રીટ પર આવેલી એક હોટલમાં પોતાના પરિચીત સાથે રહ્યા હતા.

The scene of the crash near Willow Tree on Monday night Source: Facebook/Fire and Rescue NSW Station
પૂર્વ પુરુષમિત્ર પર શંકા
પ્રિતી રેડ્ડીના રહસ્યમય મૃત્યુ પાછળ તેના પૂર્વ પુરુષમિત્ર પર શંકા સેવાઇ રહી છે. અગાઉ બુધવારે પત્રકારો સાથેની વાતચીતમાં પોલીસે જણાવ્યું હતું કે તેમણે પ્રિતીના પૂર્વ પુરુષ મિત્ર સાથે આ ઘટના અંગે પૂછપરછ કરી હતી. જોકે, તેનું સોમવારે ન્યૂ ઇંગ્લેન્ડ હાઇ-વે પર સોમવારે રાત્રે 10 વાગ્યે એક ટ્રક સાથે થયેલી અથડામણમાં મૃત્યુ થયું હતું.
ભારતીય સમુદાયમાં શોકની લાગણી
જ્યારથી પ્રિતી રેડ્ડીના ગુમ થયાના સમાચારો પ્રકાશમાં આવ્યા હતા ત્યારથી જ ભારતીય સમુદાયના લોકોએ સોશિયલ મીડિયાની મદદથી તેમને શોધવાનું અભિયાન હાથ ધર્યું હતું. તેમના પરિવારજનો દ્વારા ફેસબુક પેજ પણ બનાવીને સમાજના લોકોની મદદ લેવામાં આવી હતી.
પરંતુ, મંગળવારે રાત્રે તેમનો મૃતદેહ મળતા ભારતીય સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.
સિડનીના પશ્ચિમ વિસ્તાર વેસ્ટમીડમાં આવેલી ચીલ્ડ્રન્સ હોસ્પિટલમાં કાર્યરત ડો.દીપક રાયે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ એક આઘાતજનક સમાચાર છે, હું તેમને નેપીયન હોસ્પિટલના સમયથી ઓળખું છું. પ્રિતીના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.
લિબરલ ન્યૂ સાઉથ વેલ્સ લેજીસ્લેટીવ કાઉન્સિલના ઉમેદવાર પલ્લવી સિન્હાએ શોક વ્યક્ત કરતા લખ્યું હતું કે, ડો.પ્રિતી રેડ્ડીના પરિવાર તથા મિત્રો પ્રત્યે મારી સંવેદના, પ્રિતીના મૃત્યુનું ઘણું દુ:ખ પહોંચ્યું છે.
સિડનીમાં રહેતા રાજેશ કુમારે લખ્યું હતું કે, આ ખરેખર હ્દયદ્રાવક સમાચાર છે. તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના.
જે કોઇ પણ વ્યક્તિને આ ઘટના સાથે જોડાયેલી માહિતી મળે તો તેઓ સ્ટ્રાઇક ફોર્સ કાર્લવૂડ (Strike Force Carlwood) નો Crime Stoppers: 1800 333 000 or https://nsw.crimestoppers.com.au. પર સંપર્ક કરી શકે છે. તમામ પ્રકારની માહિતી ગુપ્ત રખાશે.
Share

