ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે શ્રેણી સમાપ્ત થયા બાદ આજથી બંને દેશ વચ્ચે 3 મેચની ટી20 શ્રેણીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.
શુક્રવારે કેનબેરાના માનુકા ઓવલ મેદાન પર બંને ટીમો ટકરાશે ત્યારે ફરીથી એક હાઇસ્કોરીંગ મુકાબલો જોવા મળી શકે છે.
વન-ડે શ્રેણીમાં વિજય મેળવનારી ઓસ્ટ્રેલિયન ટીમ ટી20 શ્રેણીમાં પણ પોતાનું ઉમદા પ્રદર્શન જાળવી રાખવા માટે આતુર હશે. બીજી તરફ ભારતીય ટીમ પણ ત્રીજી વન-ડે મેચ જીતીને શ્રેષ્ઠ ફોર્મમાં છે.
બંને ટીમની નજર શ્રેણીની પ્રથમ મેચ જીતીને શ્રેણીમાં લીડ મેળવવા પર રહેશે.
ઓસ્ટ્રેલિયન ટીમને ઓપનર ડેવિડ વોર્નરની ખોટ પડશે. બીજી વન-ડે મેચમાં ફિલ્ડીંગ કરતી વખતે વોર્નર ઇજાગ્રસ્ત થતા તે ટી20 શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે.
ભારતીય ટીમના તમામ ખેલાડીઓ તાજેતરમાં જ દુબઇમાં આઇપીએલ ટૂર્નામેન્ટમાં રમીને આવ્યા હોવાથી તેમને ટી20 ફોર્મેટની યોગ્ય પ્રેક્ટિસ મળી ગઇ છે. ઓપનર કે.એલ. રાહુલ અને શીખર ધવન ટીમને એક મજબૂત શરૂઆત અપાવી શકે છે.
જ્યારે મિડલ ઓર્ડરમાં હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાએ ત્રીજી મેચમાં ભારત માટે વિજયી પ્રદર્શન કર્યું હતું. તેઓ ટી20 શ્રેણીમાં પણ આ ફોર્મ જાળવી રાખવા આતુર રહેશે.
ઓસ્ટ્રેલિયન ટીમ ઇન્ડિજીનીસ કીટ પહેરશે
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ સમગ્ર ટી20 શ્રેણીમાં ઇન્ડિજીનીસ સમુદાયને માન આપવા માટે ઇન્ડિજીનીસ કીટ પહેરીને મેદાનમાં ઊતરશે.
છેલ્લી 5 મેચમાં બંને ટીમનું પ્રદર્શન
- ઓસ્ટ્રેલિયા - અંતિમ 5 મેચમાંથી 3 મેચમાં વિજય 2 મેચમાં પરાજય
- ભારત - અંતિમ 5 મેચમાં વિજય, (2 મેચમાં ટાઇ ત્યાર બાદ સુપર ઓવરમાં વિજય)
પિચ અને હવામાન
વન-ડે શ્રેણીની જેમ ટી20માં પણ હાઇસ્કોરીંગ મેચ જોવા મળી શકે છે. માનુકા ઓવલ પર રમાતી બિગબેશ ટી20 મેચમાં સરેરાશ 8.56 પ્રતિ ઓવરથી રન નોંધાય છે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ગયા વર્ષે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 151 રનનો લક્ષ્યાંક પાર કરીને મેચ જીતી લીધી હતી.
શુક્રવારે કેનબેરાનું હવામાન સ્વચ્છ રહે તેવી સંભાવના છે.
આંકડા
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટી20 મેચમાં બંને ટીમોએ અનુક્રમે 11 અને 8 મેચ જીતી છે. જોકે, ઓસ્ટ્રેલિયાએ ભારતમાં રમાયેલી અંતિમ શ્રેણીમાં 2-0થી વિજય પ્રાપ્ત કર્યો હતો.
- જાન્યુઆરી 2019થી ટી20 શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની બેટિંગ એવરેજ સૌથી વધુ રહી છે.
સંભવિત ટીમ -
ઓસ્ટ્રેલિયા - એરોન ફિન્ચ, મેથ્યુ વેડ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મોઇસિસ હેનરિક્સ, એલેક્સ કેરી, એસ્ટન એગર, સીન એબટ્ટ, એન્ડ્ર્યુ ટાઇ - મિચેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા, જોશ હેઝલવૂડ.
ભારત - શિખર ધવન, કે.એલ. રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, દીપક ચાહર, ટી.નટરાજન, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ - કુલદીપ યાદવ.
Share


