ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી ભારતીય સમુદાય તથા તેમના 'ખાસ મિત્ર' વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હોળીના તહેવારની શુભેચ્છા પાઠવી છે.
વડાપ્રધાન મોરિસને હોળી નિમિત્તે તેમના સંદેશમાં ભારતના કોરોનાવાઇરસની મહામારી સામે લડવાના પ્રયત્નો તથા ક્વોડ સભ્ય તરીકે કરેલા કાર્યોને બિરદાવ્યા હતા.
હાઇલાઇટ્સ
- વડાપ્રધાન સ્કોટ મોરિસને ભારતીય સમુદાયને હોળીની શુભકામના પાઠવી
- તેમણે ભારત દ્વારા કોરોનાવાઇરસની મહામારી સામેની લડતના પ્રયત્નોને બિરદાવ્યા
- વિરોધ પક્ષના નેતા એન્થની એલ્બાનિસીએ પણ ઓસ્ટ્રેલિયા સ્થિત હિન્દુ - ભારતીય સમુદાયને હોળીના તહેવારની શુભેચ્છા પાઠવી
તેમણે સોશિયલ મીડિયા પર મૂકેલા સંદેશમાં જણાવ્યું હતું કે, ભારત ક્વોડ સભ્ય તરીકે તથા વિશ્વના અન્ય દેશોમાં કોરોનાવાઇરસની રસી ઉપલબ્ધ કરાવીને એક ઉમદા કાર્ય કરી રહ્યું છે.
વડાપ્રધાન મોરિસને જણાવ્યું હતું કે ગયા વર્ષે કોરોનાવાઇરસની મહામારીના કારણે હોળીના તહેવારની ઉજવણીને અસર પહોંચી હતી. પરંતુ, આ વર્ષે આપણે ભવિષ્યને વધુ આત્મવિશ્વાસની સાથે જોઇ શકીએ છીએ.
તેમણે ઉમેર્યું હતું કે, ઓસ્ટ્રેલિયા હવે કોરોનાવાઇરસની રસી માટે અન્ય દેશો પર આધારિત નથી. પરંતુ ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં પ્રવર્તી રહેલી પરિસ્થિતીથી ઓસ્ટ્રેલિયા અવગત છે.
ઓસ્ટ્રેલિયા અન્ય દેશો સાથે એકજૂટ થઇને આ પરિસ્થિતીનો સામનો કરવા તૈયાર છે. અને, અખંડિતતા દર્શાવીને જ આપણે જીતી શકીશું.
હું તમામને હોળીના તહેવારની શુભકામના પાઠવું છું, તેમ મોરિસને જણાવ્યું હતું.
વિરોધ પક્ષના નેતા એન્થની એલ્બાનિસીની હોળીની શુભકામના
ઓસ્ટ્રેલિયન લેબર પક્ષના નેતા એન્થની એલ્બાનિસીએ ઓસ્ટ્રેલિયન ભારતીય સમુદાયને હોળીની શુભકામના પાઠવી છે.
તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, તહેવાર દ્વારા આપણે હર્ષોલ્લાસ કરી શકીએ છીએ અને તેથી જ ઓસ્ટ્રેલિયાના હિન્દુ, સાઉથ - એશિયન સંસ્કૃતિ ધરાવતા તથા રંગોના તહેવારની ઉજવણી કરતા તમામ લોકોને હું હોળીની શુભેચ્છા પાઠવું છું.
કમલા હેરિસ - અમેરિકાના ઉપપ્રમુખ
અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરિસે પણ હોળીની શુભકામના પાઠવી છે. તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, હોળીનો તહેવાર ભેદભાવ ભૂલીને એકજૂટતા દર્શાવવાનું પ્રતિક છે.