ઓસ્ટ્રેલિયાના મેલ્બર્ન શહેરમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાનું શુક્રવારે વડાપ્રધાન સ્કોટ મોરિસન દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું.
મેલ્બર્નના રોવિલ ખાતે ઓસ્ટ્રેલિયા - ઇન્ડિયન કમ્યુનિટી ચેરીટેબલ ટ્રસ્ટ (AICCT) સંસ્થાના પરિસરમાં આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
શુક્રવારે યોજાયેલા કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન, યુવા બાબતો તથા શિક્ષણ મંત્રી એલન ટજ ઉપસ્થિત રહ્યા હતા.
વિક્ટોરીયામાં મહાત્મા ગાંધીની પ્રથમ પ્રતિમા

Prime Minister Scott Morrison and Minister of Education and Youth Alan Tudge attended the unveiled ceremony of Mahatma Gandhi's statue. Source: SBS
ઓસ્ટ્રેલિયાના વિક્ટોરીયા રાજ્યમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાનું પ્રથમ વખત અનાવરણ થયું છે. અગાઉ સિડની, બ્રિસબેન, કેનબેરામાં મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
તાજેતરમાં પર્થમાં ભારતીય સમુદાય માટેના હોલમાં પણ મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
વિક્ટોરીયા ખાતેની મહાત્મા ગાંધીની પ્રતિમા માટે ભારતીય કોન્સ્યુલેટ તથા ભારત સરકાર તરફથી ફંડ આપવામાં આવ્યું હતું.
વડાપ્રધાન મોરિસને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કર્યા
વડાપ્રધાન મોરિસને પ્રતિમાનું અનાવરણ કરતા પ્રસંગે ઓસ્ટ્રેલિયા તથા ભારત વચ્ચેની મૈત્રીનો ઉલ્લેખ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કર્યા હતા.
તેમણે માતા-પિતાને નજીકના પરિવારજનોની યાદીમાં સમાવેશ કર્યા બાદ ભારતીય વિદ્યાર્થીઓ પણ નજીકના ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા આવી શકે તે વિશે આશા વ્યક્ત કરી હતી.

Prime Minister Scott Morrison unveiled Mahatma Gandhi's statue at the Australian Indian Community Charitable Trust's premises at Rowville in Melbourne. Source: SBS
વડાપ્રધાને આગામી દિવાળીએ રોવિલ ખાતેની ભારતીય સંસ્થામાં હાજરી આપી ઉજવણીમાં સહભાગી થવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.