રોન મેને ચાર દાયકાના એના વાડ બાંધવાના વેપારમાંથી સિડનીની પશ્ચિમે મુખ્યમથક ધરાવતી એક મલ્ટિ-મિલિયન ડોલર કંપની સ્થાપી છે. પણ એની આ સફળતા એને પડેલી અડચણો ઢાંકી શકતી નથી.
શરૂઆત થઇ 1990માં એણે બનાવેલી વાડની એક ડિઝાઇન સાથે. રોન જાણતો હતો કે દરેક વાડની સારી અને નરસી બે બાજુ હોય છે અને બધાને સારી બાજુ જ જોઈએ, એટલે એણે સ્ટીલની વાડ બનાવવાનું નક્કી કર્યું, જેની બંને બાજુ સમાન દેખાય. આ ડિઝાઇન 1994માં એણે રજીસ્ટર કરાવી, જેના મુજબ 16 વર્ષ સુધી કોઈ આના જેવી ડિઝાઇન ના બનાવી શકે. આમ ગ્રેમલાઇન ફેન્સિંગે બે વર્ષમાં ત્યારે BHP સ્ટીલ તરીકે ઓળખાતા બ્લુસ્કોપ નામના સપ્લાયર સાથે ઉત્પાદન શરુ કરી દીધું.
પણ 2002માં તો બ્લુસ્કોપે એના જેવી જ વાડની ડિઝાઇન બહાર પડી દીધી ! રોને એમની ડિઝાઇન પોતાના જેવી જ હોવાનું કહ્યું હતું, જે એમને સ્વીકાર્યું નહોતું. ત્યારથી ગ્રેમ એંજીનિયરિંગનું 2002નું વાર્ષિક ટર્ન-ઓવર 35 મિલિયન ડોલરથી ત્રણ વર્ષમાં ઘટીને 20 મિલિયન ડોલરે પહોંચી ગયું. છેક 2011માં રોને કોર્ટમાં જવાનું નક્કી કર્યું. ત્રણ વર્ષમાં નિર્ણય એની તરફેણમાં આવ્યો.
એના વકીલ જોફ્રી રોબેરસનનું કહેવું છે કે એને પોતાની ડિઝાઇન રેજિસ્ટર કરાવી એ સૌથી સારું પગલું સાબિત થયું.
પણ રોનની લડાઈ હજી પૂરી નથી થઇ. 800,000 ડોલર ફી પાછળ ખર્ચાઈ ગયા છે અને બ્લુસ્કોપ તરફથી નુકસાનની ભરપાઈ થઇ નથી.
SBS દ્વારા આ અંગે પૂછતાં બ્લુસ્કોપે કાંઈ ટિપ્પણી કરવાની ના પડી હતી.
આ તરફ રોનનું વેપાર વિસ્તરણનું આયોજન સ્થગિત થઇ ગયું છે. એ હવે બ્લુસ્કોપને છોડીને તાઇવાનથી સ્ટીલ ખરીદે છે. આમ, બધી બાજુથી ગુમાવવાનું થયું ઓસ્ટ્રેલિયાના વેપાર-ધંધાએ..
Share

