કોરોનાવાઇરસના કારણે લાગુ કરવામાં આવેલા સરહદીય પ્રતિબંધો અંતર્ગત ઓસ્ટ્રેલિયાના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડન્ટ્સના નજીકના પરિવારજનો જ ઓસ્ટ્રેલિયા પ્રવાસ કરી શકે છે. જોકે, તે યાદીમાં માતા-પિતાનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
નજીકના પરિવારજનોની યાદીમાં માતા-પિતાનો સમાવેશ કરવાની માંગ હેઠળ ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
આ અંગે ફેસબુક પર 'Parents are Immediate Family' ના નામથી એક પેજ પણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લગભગ 4000 જેટલા સભ્યો જોડાયા છે.
શાંતિપૂર્ણ પ્રદર્શન અગાઉ હરજોત સિંઘે SBS Punjabi ને જણાવ્યું હતું કે, તેઓ ઘણા લાંબા સમયથી તેમના પિતાને મળી શક્યા નથી. જે ખરેખર નિરાશાજનક છે. તેથી જ અમે સરકારને ઓસ્ટ્રેલિયાના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડન્ટ્સના વિદેશમાં જન્મેલા માતા-પિતાને નજીકના પરિવારજનોની યાદીમાં સામેલ કરવાની માંગ કરી રહ્યા છીએ.

Protest to include parents as immediate family members held in various Australian cities. Source: Valeria Greenfield
માંગના ભાગરૂપે બ્રિસબેન, સિડની, મેલ્બર્ન, એડિલેડ તથા પર્થમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવશે, તેમ હરજોત સિંઘે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2020માં લગભગ 12,000 જેટલા લોકોએ માતા-પિતાને નજીકના પરિવારજનોની યાદીમાં સામેલ કરવા માટે શરૂ થયેલી પિટીશનમાં હસ્તાક્ષર કર્યા હતા.
ગ્રૂપના અન્ય એક સભ્ય વેલેરીયા ગ્રીનફિલ્ડે જણાવ્યું હતું કે, સરકાર વેપાર - ઉદ્યોગો તથા રમતગમત સાથે સંકળાયેલા લોકોને ઓસ્ટ્રેલિયામાં પ્રવેશની પરવાનગી આપે છે પરંતુ દેશના નાગરિકોના માતા-પિતા ઓસ્ટ્રેલિયા આવી શકતા નથી તે ખરેખર નિરાશાજનક છે.

Source: Valeria Greenfield
SBS Gujarati સાથેની વાતચીતમાં મેલ્બર્ન સ્થિત ભાવિક પટેલે જણાવ્યું હતું કે, મોટાભાગના માઇગ્રન્ટ્સને કોરોનાવાઇરસની વર્તમાન પરિસ્થિતીમાં માતા-પિતાના સાથની જરૂર છે. પરંતુ, આંતરરાષ્ટ્રીય સરહદો બંધ હોવાથી તેઓ ઓસ્ટ્રેલિયા આવી શકે તેમ નથી. અને, તેમની ગેરહાજરીના કારણે ઘણા પરિવારજનો માનસિક તાણનો સામનો કરી રહ્યા છે.
તેમણે માતા-પિતાને પરિવારના નજીકના સભ્યની યાદીમાં સામેલ કરવાની માંગ કરી હતી.

Source: Valeria Greenfield
ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં શાંતિપૂર્ણ પ્રદર્શન થયા
શાંતિપૂર્ણ પ્રદર્શનના આયોજક વેલેરીયા ગ્રીનફિલ્ડે SBS Gujarati ને જણાવ્યું હતું કે, કોરોનાવાઇરસના નિયંત્રણોને ધ્યાનમાં રાખીને મર્યાદિત સંખ્યામાં શાંતિપૂર્ણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં માતા-પિતાને નજીકના પરિવારજનોની યાદીમાં સમાવવા માટે શરૂ કરવામાં આવેલી પિટીશન EN1860 ને સંસંદમાં મંજૂરી આપવાની માંગ કરવામાં આવી હતી.
રવિવારે બ્રિસબેનના કિંગ જ્યોર્જ સ્ક્વેયર, મેલ્બર્નના ફિટ્ઝરોય ગાર્ડન્સ, એડિલેડના પાર્લામેન્ટ હાઉસ, સિડનીના પેરામેટા પાર્ક તથા પર્થના ગવર્મેન્ટ હાઉસ ખાતે લગભગ 200 જેટલા પરિવારો ભેગા થઇને પ્રદર્શનમાં જોડાયા હતા, તેમ વેલેરીયાએ SBS Gujarati ને જણાવ્યું હતું.