ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય એરલાઇન કંપની ક્વોન્ટાસે ભારતના વધુ એક શહેર સાથે સીધી ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
ઓસ્ટ્રેલિયાના સિડનીથી ભારતના બેંગલુરુ (બેંગલોર) સાથે આ સેવા શરૂ કરવામાં આવશે.
હાઇલાઇટ્સ
- ક્વોન્ટાસ ઓસ્ટ્રેલિયાના સિડનીથી ભારતના બેંગલુંરુ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરશે.
- અઠવાડિયામાં ચાર વખતની આ સેવાનો પ્રારંભ 14મી સપ્ટેમ્બરથી થશે.
- ક્વોન્ટાસે ભારતીય એરલાઇન કંપની ઇન્ડીગો સાથે કરાર કર્યો. જે અંતર્ગત, મુસાફરો ભારતના 50 શહેરો સાથે વન-સ્ટોપ સેવા મેળવી શકશે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 14મી સપ્ટેમ્બરથી બેંગલુંરુ સાથેની સીધી ફ્લાઇટ સેવાનો પ્રારંભ થશે.
જેમાં એરબસ A330 એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવશે.
ભારતના દક્ષિણ રાજ્ય સાથે પ્રથમ ફ્લાઇટ
ક્વોન્ટાસે જણાવ્યું હતું કે સિડનીથી દિલ્હીની નોન-સ્ટોપ ફ્લાઇટ બાદ હવે ભારતના દક્ષિણ રાજ્યોને જોડતી વધુ એક ફ્લાઇટ શરૂ કરવામાં આવશે.
સિડનીથી બેંગલુંરુની નોનસ્ટોપ ફ્લાઇટ ભારતના દક્ષિણ રાજ્ય સાથેની પ્રથમ ફ્લાઇટ બની રહેશે.
સિડનીથી બેંગલુંરુ વચ્ચેની મુસાફરીમાં વર્તમાનમાં જેટલો સમય લાગે છે સીધી ફ્લાઇટ શરૂ થયા બાદ તેમાં 3 કલાકનો ઘટાડો નોંધાશે.
મળતી માહિતી પ્રમાણે, હાલમાં કંપની અઠવાડિયામાં 4 વખત - શનિવાર, રવિવાર, બુધવાર તથા શુક્રવારે સિડની - બેંગલુંરુ વચ્ચે સીધી સેવા આપશે.

Source: SBS
ક્વોન્ટાસે નિવેદનમાં જણાવ્યું હતું કે, બેંગલુરુની 13 મિલિયનની વસ્તી ઓસ્ટ્રેલિયામાં મોટો સમુદાય ધરાવે છે.
બંને તરફ વેપાર તથા સામાજીક કાર્યો માટે મુસાફરી કરવાનું પ્રમાણ ઘણું ઊંચુ છે. અને સીધી ફ્લાઇટ શરૂ થયા બાદ મુસાફરોને તેનો લાભ મળી રહેશે.
ક્વોન્ટાસ અગાઉથી મેલ્બર્ન તથા દિલ્હી વચ્ચે અઠવાડિયામાં 5 ફ્લાઇટ્સની સેવા આપી રહી છે. અને હવે, ભારતના દક્ષિણ રાજ્યોને પણ સીધી સેવાનો લાભ મળી રહે તે માટે બેંગલુંરુ સાથેની ફ્લાઇટ શરૂ કરવામાં આવશે.
ભારતીય એરલાઇન કંપની ઇન્ડીગો સાથે ક્વોન્ટાસનો કરાર
ક્વોન્ટાસે ભારતની સૌથી મોટી ડોમેસ્ટીક એરલાઇન કંપની ઇન્ડીગો સાથે કરાર કર્યો છે. જે અંતર્ગત, મુસાફરો ભારતના 50 શહેરો સાથે વન-સ્ટોપ સેવા મેળવી શકશે.
મુસાફરો ક્વોન્ટાસની બેંગલુરુ, દિલ્હી કે સિંગાપોરની ફ્લાઇટમાંથી ઇન્ડીગોની સેવા મારફતે ભારતના વિવિધ શહેરોમાં મુસાફરી કરી શકશે.
ક્વોન્ટાસના મુસાફરો ઇન્ડીગો એરલાઇનમાં મુસાફરી કરશે તેમને સમગ્ર પ્રવાસ દરમિયાન એકસરખા વજનનો સામાન લઇ જવાની સુવિધા આપવામાં આવશે.
તથા, તેમને ભોજન અને પીણાં પણ પીરસવામાં આવશે.