ઓસ્ટ્રેલિયન એરલાઇન્સ કંપની ક્વોન્ટાસ કોરોનાવાઇરસની રસી લેનારા દેશના રહેવાસીઓને ફ્લાઇટ્સની ટિકીટમાં ડિસ્કાઉન્ટ તથા અન્ય ઇનામો આપવા અંગે વિચારી રહી છે.
દેશના રહેવાસીઓને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવા ક્વોન્ટાસ આ યોજના અમલમાં મૂકે તેવી શક્યતા છે.
કંપનીના સીઇઓ એલન જોયસે આ અંગેની વિસ્તૃત યોજના જુલાઇ મહિનામાં પ્રસ્તુત કરવા અંગે જણાવ્યું છે.
તેમણે પોતાના નિવદેનમાં જણાવ્યું હતું કે, રસી લેનારા લોકોને અમે ફ્લાઇટની ટિકીટમાં ડિસ્કાઉન્ટ આપીશું. મુસાફરોને 1000 ક્વોન્ટાસ પોઇન્ટ્સ, ફ્લાઇટ વાઉચર, ક્રેડીટ્સ તથા 10 મોટા ઇનામ આપવાનો કંપનીએ નિર્ણય લીધો છે.
જેમાં ચાર વ્યક્તિના પરિવારને સમગ્ર વર્ષ ક્વોન્ટાસ તથા જેટસ્ટાર ફ્લાઇટ્સમાં અમર્યાદિત મુસાફરીની તક મળશે.
તેમણે ઉમેર્યું હતું કે હોસ્પિટાલિટી કંપની એકોર પણ મુસાફરી દરમિયાન રહેવાની સુવિધાની યોજના અમલમાં મુકશે.

Qantas Group Chief Executive Officer Alan Joyce. Source: AAP
ક્વોન્ટાસ હાલમાં આ કાર્યક્રમ અમલમાં મૂકવા પર કાર્ય કરી રહી છે. જોયસે જણાવ્યું હતું કે જે લોકોએ કોરોનાવાઇરસની રસી લઇ લીધી છે તે તથા આ વર્ષના અંત સુધીમાં રસી લેનારા લોકોને યોજનાનો લાભ મળશે.
વિશ્વના અન્ય દેશોમાં પણ રસી માટે પ્રોત્સાહિત કરવા વિવિધ યોજના અમલમાં મૂકાઇ
- અમેરિકાના ઓહાયોમાં કોરોનાવાઇરસની રસી લેનારા વયસ્ક લોકોને 1 મિલીયન અમેરિકન ડોલર (1.29 મિલીયન ઓસ્ટ્રેલિયન ડોલર)ની લોટરીમાં ભાગ લેવાની તક મળશે.
- આ ઉપરાંત, કેલિફોર્નિયા રાજ્યમાં રસી લેનારા લોકો 116.5 મિલીયનની ઇનામી રકમ ધરાવતી લોટરીમાં ભાગ લઇ શકશે. 10 લોકોને 15મી જૂનના રોજ થનારા ડ્રોમાં 1.5 મિલીયન ડોલર જીતવાની તક મળશે.
- સર્બિયામાં પણ રસીનો ડોઝ લેનારા લોકોને 40 ડોલરનું વાઉચર આપવાનો નિર્ણય લેવાયો છે.
- બેઇજિંગમાં પણ રસી લેનારા લોકોને દુકાનદારોએ શાકભાજી, આઇસ્ક્રીમ જેવા પ્રલોભનો આપ્યા છે.