ક્વિન્સલેન્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદના પગલે પૂર આવ્યું છે અને રાજ્યમાં ખરાબ હવામાન અને પૂરના કારણે મૃત્યુઆંક સાત થયો છે.
રાજ્યના હવામાન વિભાગે સોમવારે પણ દક્ષિણ - પૂર્વ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ વણસી શકે તેવી ચેતવણી આપી છે.
ક્વિન્સલેન્ડમાં ભારે વરસાદ અને પૂરના પગલે સોમવારે 13 સ્થાનિક સરકારી વિસ્તારોની 1000 જેટલી શાળાઓને બંધ કરવાની ફરજ પડી હતી.
આ ઉપરાંત, સરકારે રહેવાસીઓને ઘરેથી જ કાર્ય કરવા તથા જરૂરી ન હોય તેવી મુસાફરી ટાળવા માટે અનુરોધ કર્યો હતો.
બ્રિસબેન સહિત રાજ્યના દક્ષિણ - પૂર્વીય વિસ્તારોમાં સોમવારે હવામાન વધુ ખરાબ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ક્વિન્સલેન્ડમાં ભારે પૂરના કારણે અત્યાર સુધીમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે બ્રિસબેન રીવરની નજીકના હજારો ઘરોને ભારે નુકસાન થયું છે.
પ્રીમિયર અનાસ્તાશિયા પેલાશયે પૂરની ગંભીર પરિસ્થિતિના કારણે જોખમ વધતા રાજ્યના રહેવાસીઓને ઘરે જ રહેવા વિનંતી કરી છે.
રાજ્યના હવામાન વિભાગે, લોગન, સનીબેન્ક હિલ્સ, બેનલિહ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અગાઉ ગોલ્ડ કોસ્ટ, રેડલેન્ડ સિટી અને બ્રિસબેન સિટી કાઉન્સિલના વિસ્તારોમાં ચેતવણી જાહેર કરવામાં આવી હતી.
બ્યૂરો ઓફ મિટીયોરોલોજીએ સધર્ન ગોલ્ડ કોસ્ટ તથા આસપાસ વિસ્તારોમાં આગામી કેટલાક કલાકો સુધી ભારે વરસાદની આગાહી કરી છે.
પૂરના અસરગ્રસ્તો માટે પેકેજની જાહેરાત
ક્વિન્સલેન્ડના પૂરના અસરગ્રસ્તો માટે સરકાર દ્વારા ડિઝાસ્ટર રીકવરી પેમેન્ટની જાહેરાત કરવામાં આવી છે. વયસ્ક દીઠ 1000 ડોલર તથા બાળકોને 400 ડોલર આપવામાં આવશે. ખરાબ હવામાન તથા પૂરના કારણે ઘરને નુકસાન થયું હોય તેવા રહેવાસીઓને આ પેમેન્ટનો લાભ મળશે.
ન્યૂ સાઉથ વેલ્સમાં પૂરની ચેતવણી
ક્વિન્સલેન્ડ બાદ હવે ન્યૂ સાઉથ વેલ્સના અમુક વિસ્તારોમાં પણ ભારે વરસાદ તથા પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા સોમવારે સવારે 2 વાગ્યે લિસ્મોરમાંથી સેંકડો રહેવાસીઓને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા.
લિસ્મોરમાં નદીના પાણીનું સ્તર સોમવાર સાંજ સુધીમાં 14 મીટર થાય તેવી હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી હતી. જે વર્ષ 1880માં રેકોર્ડ 13 મીટરના સ્તરથી એક મીટર વધુ રહેશે.
સ્ટેટ ઇમર્જન્સી સર્વિસે મંગળવારથી સોમવાર સુધીમાં 70 રેસ્ક્યુ કર્યા હોવાની પ્રીમિયરે જાણકારી આપી હતી.
ન્યૂ સાઉથ વેલ્સમાં પૂરના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. શુક્રવારે સેન્ટ્રલ કોસ્ટ ખાતે એક પુરુષની કાર પૂરના પાણીમાં તણાઇ જતા તેનું મૃત્યુ થયું હતું.
રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા તોમ્બોલ્ગીન, લિસ્મોર, ગ્રાફ્ટન, કૌટ્સ ક્રોસિંગ, યોગલ, કેસિનો તથા કોરાકી વિસ્તારોમાં રવિવારથી સોમવાર સુધીમાં પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે.