ક્વિન્સલેન્ડમાં સામુદાયિક સંક્રમણથી ટ્રક ડ્રાઇવરમાં કોવિડ-19નો એક કેસ નોંધાયો છે જ્યારે, અન્ય એક પરિવારને હોટલ ક્વોરન્ટાઇનમાં મૂકવામાં આવ્યો છે.
પ્રીમિયર અનાસ્તાસિયા પલાશયે જણાવ્યું હતું કે વિન્દારુમાં રહેતા ટ્રક ડ્રાઇવરમાં ચેપનું નિદાન થયું છે. ગુરુવારે સવારે 6.30 સુધીના 24 કલાકમાં 10,433 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
તે પુરુષ હાલમાં ન્યૂ સાઉથ વેલ્સમાં છે. તેણે 28મી ઓગસ્ટ અને 1લી સપ્ટેમ્બર વચ્ચે લોગન અને ગોલ્ડ કોસ્ટ વચ્ચે સમુદાયમાં અવરજવર કરી હતી.
કોવિડ-19નું જોખમ ધરાવતા સ્થળોની યાદી

List of exposure sites in Queensland. Source: Queensland Government
પ્રીમિયરે ઉમેર્યું હતું કે તેણે આ ઉપરાંત ક્વિન્સલેન્ડમાં અન્ય કયા સ્થળોની મુલાકાત લીધી હતી તે જાણવા તેનો સંપર્ક કરવામાં આવ્યો છે.
બીજી તરફ, ગોલ્ડ કોસ્ટ ખાતેની એક શાળાને બંધ કરવામાં આવી છે.
આ અંગે પ્રીમિયરે જણાવ્યું હતું કે શાળાના વિદ્યાર્થીએ તેમના પરિવારે મેલ્બર્નની મુલાકાત લીધી હોવાની સહવિદ્યાર્થીઓને માહિતી આપી હતી ત્યાર બાદ શાળાને બંધ કરવામાં આવી છે.
આરોગ્ય મંત્રી વેટ્ટે ડી'એથે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગે ગોલ્ડ કોસ્ટમાં રહેતા પરિવારને 14 દિવસના ફરજિયાત હોટલ ક્વોરન્ટાઇન હેઠળ મૂક્યો છે.
પ્રીમિયરે તે પરિવારને આરોગ્ય અધિકારીઓને સહયોગ આપવા માટે જણાવ્યું હતું.
આરોગ્ય મંત્રી વેટ્ટે ડી'એથે ઉમેર્યું હતું કે તે પરિવારે તાજેતરમાં મેલ્બર્નની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ અંદરના રસ્તાથી ગોલ્ડ કોસ્ટ પરત ફર્યો હતો.
તેઓ કોવિડ ટેસ્ટ કરાવવા તૈયાર ન હોવાનું તથા મેલ્બર્નમાં તેમણે ક્યા સ્થળોની મુલાકાત લીધી હતી તે અંગે આરોગ્ય અધિકારીઓને માહિતી ન આપી રહ્યા હોવાનું આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું.
પરિવારના કેટલાક સભ્યો બિમાર હોવાથી તેમને કોવિડ-19નો ચેપ લાગ્યો હોવાની શક્યતા નકારી ન શકાય તેમ મંત્રીએ ઉમેર્યું હતું.