SKIP TO MAIN CONTENT

રાજ્યસભાના ઇતિહાસમાં લડાયેલી અત્યાર સુધીની સૌથી રસાકસીભરી ચૂંટણી

ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગયેલ ચૂંટણીમાં પાંચ કલ્લાક મતદાન ચાલ્યું તો પરિણામનું સસ્પેન્સ સાત કલ્લાકથી પણ વધારે લાબું ચાલ્યું.

Rajya Sabha elections in Gujarat
Source: Twitter

3 min read

Published

Updated

By Hiren Mehta, Nital Desai


Skip to article content

રાજ્યસભાના ઇતિહાસમાં લડાયેલી અત્યાર સુધીની સૌથી રસાકસીભરી ચૂંટણીમાં ગુજરાતમાંથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલનો વિજય થયો છે. ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ બંનેએ આ ચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ બનાવી દીધો હતો. આ ચૂંટણીની ખાસિયત એ રહી કે એનું મતદાન પાંચ કલાક ચાલ્યું , પણ એના પરિણામનું સસ્પેન્સ સાત કલ્લાકથી પણ વધારે લાબું ચાલ્યું અને મંગળવારે મોડી રાત બાદ છેક પોણા બે વાગ્યે ગાંધીનગરમાં આ રિઝલ્ટની જાહેરાત કરવામાં આવી હતી.

એ જાહેરાત મુજબ, ધાર્યા પ્રમાણે જ ભાજપના પ્રમુખ અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની તો વિજેતા બન્યા જ હતા, પણ ગુજરાતની ત્રીજી બેઠક માટે જે કટોકટ લડત જામી હતી એમાં સોનિયા ગાંધીના રાજકીય સચિવ એહમદ પટેલનો વિજય થયો હતો.

એહમદભાઈ સામે ભાજપે બળવાખોર કોંગ્રેસી નેતા બાળકૃષ્ણ રાજપૂતને ઉભા રાખ્યા હતા, પણ એમના ફાળે ગયેલા બે મત અવૈધ એટલે અમાન્ય જાહેર થતા રાજપૂત મતગણતરીના પહેલા રાઉન્ડમાં જ એહમદ પટેલ સામે બાકાત થઇ ગયા હતા.

કોંગ્રેસના બે ધારાસભ્ય રાઘવજી પટેલ અને ભોળાભાઈ ગોહિલે પક્ષની સૂચનાથી વિપરીત, ભાજપના ઉમેદવારની તરફેણમાં વોટ આપ્યા હતા. આવું ક્રોસ વોટિંગ તો ઔર કેટલાક વિધાસભ્યોએ પણ કર્યું હતું , પરંતુ આ બે ધારાસભ્યોએ તેમના મત આપેલા બેલેટ પેપર ભાજપના ઉમેદવારોને દેખાડ્યા હતા. પોલિંગ બૂથમાંના વિડિઓ કેમેરામાં આ દ્રશ્ય ઝડપાયું હતું જેના આધારે કોંગ્રેસે નવી દિલ્લીમાં ઇલેકશન કમિશન સામે ફરિયાદ નોંધાવી હતી.

ચૂંટણી પંચે આ વિડિઓ  રેકોર્ડિંગ જોઈ એવો ચુકાદો આપ્યો હતો કે બે કોંગ્રેસી ધારાસભ્યોએ ચૂંટણીને લગતા નિયમનો ભંગ કર્યો છે. એ કારણસર એમના મત અમાન્ય ઘોષિત કરવામાં આવ્યા હતા.

Delegations Of BJP And Congress Leaders Meet Election Commission Over Gujarat Rajya Sabha Election
Senior Congress leaders Randeep Surjewala, Rajeev Shukla and RPN Singh at election commission on August 8, 2017 in New Delhi, India. Source: Hindustan Times, Getty Images

 Image by Hindustan Times via Getty images

પંચની આ જાહેરાત પછી મંગળવારે રાત્રે સાડા અગિયાર વાગ્યે ગાંધીનગર સ્થિત વિધાનભવનમાં મતગણતરી શરૂ થઇ હતી, જે છેક મધરાત બાદ પોણા બે વાગ્યે પુરી થઇ હતી. આ ચૂંટણીમાં ભાજપ પ્રમુખ અમિત શાહને 46, સ્મૃતિ ઈરાનીને 45 તો એહમદ પટેલને 44 મત મળ્યા હતા. ભાજપના પરાજિત ઉમદેવાર બાળકૃષ્ણ રાજપૂત 39 મત મેળવી શક્યા હતા.

રાજ્યસભાની ચૂંટણીમાં સામાન્ય રીતે ફક્ત સંબંધિત રાજ્યના વિધાનસભ્યોને જ મતદાનનો અધિકાર હોય છે એટલે સામાન્ય માણસોને એ વિષે ખાસ કશી ખબર હોતી નથી કે ચૂંટણીમાં કોઈ ઉત્તેજના પણ હોતી નથી. જો કે આ વખતે રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠક માટેની ચૂંટણીને ભાજપ અને કોંગ્રેસે ચડસાચડસીનો મોટો જંગ બનાવી દીધો હતો અને એ કારણે છેલ્લા કેટલાય દિવસોથી લોકોને મોઢે પણ આ ચૂંટણી વિષે ચર્ચા સંભળાતી હતી.

બાકી હતું તે, મતદાનના થોડા દિવસ પહેલા મૂળ ભાજપી પણ બે દાયકાથી કોંગ્રેસમાં રહેલા શંકરસિંહ વાઘેલાએ પક્ષ સામે બળવો પોકાર્યો હતો અને એમના પગલે છ કોંગ્રેસી ધારાસભ્યોએ પક્ષ છોડી જતા કોંગ્રેસમાં મોટા પાયે બગવતની શક્યતા ઉભી થઇ હતી. આ સ્થિત ટાળવા કોંગ્રેસે એના 44 ધારાસભ્યોને દસ દિવસ માટે બેંગ્લોર મોકલી દીધા હતા. એ પછી પણ કોંગ્રેસે ભાજપ પર અખૂટ પૈસાની તાકાતથી પોતાનાં વિધાનસભ્યોને ફોડવાના પ્રયાસ કરવાનો આક્ષેપ મુક્યો હતો.

ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠક છે. આવતા નવેમ્બર-ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભા માટે ચૂંટણી યોજાવાની છે, જેમાં ભાજપે 150 બેઠક જીતવાનું ટાર્ગેટ રાખ્યું છે. મંગળવારે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં અતિ વિકટ વિજય મેળવ્યા પછી કોંગ્રેસે ભાજપને એ લક્ષ્યથી દૂર રાખી શકે છે કે નહિ એ જોવાનું રહેશે.


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now