સમગ્ર વિશ્વમાં લગભગ 2 બિલિયન લોકો રમઝાન મહિનામાં ઉપવાસ કરી રહ્યા છે.
વર્ષ 2021ની વસ્તી ગણતરી પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં લગભગ 800,000 લોકો ઇસ્લામ ધર્મ પાળે છે.
ઇસ્લામિક કેલેન્ડર મુજબ, રમઝાન નવમાં ક્રમનો મહિનો છે. આ મહિના દરમિયાન, મુસ્લિમ ધર્મ પાળતા લોકો પ્રભાતથી સૂર્યાસ્ત સુધી પ્રવાહી કે અન્ન ગ્રહણ કરતા નથી.
તે લૂનાર કેલેન્ડર પર આધારીત છે. દર વર્ષે રમઝાન મહિનો 10 દિવસ આગળ આવે છે.
વર્ષ 2023માં તે 22મી માર્ચથી શરૂ થયો અને 21મી એપ્રિલ સુધી રહેશે.
રમઝાન મહિનાને ધાર્મિક પ્રવૃત્તિ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને તે મહિના દરમિયાન ઉપવાસ કરવાનું મહત્વ રહેલું છે.
તેથી જ, મુસ્લિમ લોકો રમઝાન મહિના દરમિયાન ઉપવાસ કરતાં હોવાના કારણે સૂર્યાસ્ત સુધી ભોજન કરતાં નથી.

ઉપવાસ કેવી રીતે કરવામાં આવે છે
રમઝાન મહિના દરમિયાન સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કોઇ પણ પ્રકારનો ખોરાક કે પ્રવાહી ગ્રહણ કરવામાં આવતું નથી. પાણી પણ નહીં.
ઉપવાસ વખતે સ્મોકિંગ પણ કરવામાં આવતું નથી.
સૂર્યાસ્ત બાદ કરવામાં આવતા ભોજનને ઇફ્તાર કહેવાય છે. સામાન્ય રીતે મુસ્લિમ લોકો ઇફ્તારમાં ખજૂર અને પાણી ગ્રહણ કરે છે.
ત્યાર બાદ અન્ય આહાર લેવામાં આવે છે.
મુસ્લિમ લોકો સૂર્યોદય થાય તે અગાઉ ઉઠીને આહાર ગ્રહણ કરે છે અને ત્યાર બાદ તેમનો ઉપવાસ ફરીથી શરૂ થાય છે. તેને અરેબિક ભાષામાં શુહુર અને ઉર્દુમાં શેહરી કહેવાય છે.

ઉપવાસ કેમ કરવામાં આવે છે
રમઝાન દરમિયાન લાંબા સમય સુધી ઉપવાસ કરવો એ પડકારજનક બની શકે છે કારણ કે કોઇ પણ પ્રકારનું ભોજન કે પાણી પી શકાતું નથી.
આ વખતે રમઝાન મહિનાના પ્રથમ 10 દિવસ કેટલાક રાજ્યોમાં ડે-લાઇટ સેવિંગ્સ ટાઇમઝોન દરમિયાન આવી રહ્યા છે. મતલબ કે, ઉપવાસ રાખતા મુસ્લિમ બિરાદરોને ઉપવાસ સમાપ્ત કરવા વધુ લાંબા સમય સુધી રાહ જોવી પડે તેવી લાગણી થઇ શકે છે. ડે-લાઇટ સેવિંગ્સ 2જી એપ્રિલના રોજ સમાપ્ત થઇ રહ્યું છે.
ત્યાર બાદથી ઉપવાસનો સમય 10 કલાક જેટલો રહેશે.
રમઝાન મહિના દરમિયાન મુસ્લિમ લોકો વધુ આધ્યાત્મિક પ્રવૃત્તિ કરે છે. ઘણા લોકો ખરાબ આદતોથી દૂર રહે છે અને કુરાનનું પઠન કરે છે.
ઘણા લોકો રાત્રે મસ્જિદમાં પ્રાર્થના કરે છે અને તેમના ધર્મ વિશે જ્ઞાન મેળવે છે.
મહિનાના અંતે મુસ્લિમ લોકો સંપત્તિનો અમુક ભાગ દાન કરે છે. તેને ઝકાત કહેવામાં આવે છે. ઇસ્લામ ધર્મમાં તેનું મહત્વ રહેલું છે.
રમઝાન મહિનાના અંતિમ 10 દિવસ દરમિયાન એકી સંખ્યાના દિવસોમાં લાયલાતુલ-કાદર કરવામાં આવે છે. રાત્રિ દરમિયાન કરવામાં આવતી પ્રાર્થનાનું મુસ્લિમ બિરાદરોમાં અનોખું મહત્વ છે.
ઉપવાસ રાખતી વ્યક્તિ સામે આહાર લઇ શકાય?
જરૂર, ઉપવાસ રાખતી વ્યક્તિ સામે રહીને ખોરાક લઇ શકાય છે. મુસ્લિમ લોકો સૂર્યાસ્ત બાદ તેમનો ઉપવાસ છોડશે અને ભોજન લેશે.
બધા જ લોકોએ ઉપવાસ કરવો જરૂરી છે?
ના, બધાએ ઉપવાસ કરવો જરૂરી નથી. બાળકો તથા વૃદ્ધ લોકો તેમાંથી બાકાત છે. આ ઉપરાંત, ગર્ભવતી, મુસાફરી કરતા કે બિમાર લોકોએ ઉપવાસ કરવો જરૂરી નથી.
જો મુસ્લિમ વ્યક્તિ ઉપવાસના કેટલાક દિવસ ચૂકી જાય અને ત્યાર બાદ તેઓ ઉપવાસ કરવા તૈયાર હોય તો તેમને આગામી રમઝાન અગાઉ ઉપવાસ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
કેટલાક લોકો વ્યક્તિગત કારણોસર ઉપવાસ કરતા નથી. તેથી જ જો તમે તમારા મુસ્લિમ સહકર્મચારીને ભોજન લેતા જુઓ તો તેમને જાહેરમાં ઉપવાસ અંગે પૂછવું ન જોઇએ.
શું તમારું વજન ઓછું થાય છે?
જરૂરી નથી ઉપવાસ કરવાથી તમારું વજન ઓછું થાય. તમામનું શરીર અલગ રીતે પ્રતિસાદ આપે છે. કેટલાક લોકો રાત્રે ભોજન લેવાના કારણે વજન વધારે પણ છે.
રમઝાનની શુભકામના કેવી રીતે આપી શકાય?
સામાન્ય રીતે 'રમઝાન મુબારક' અથવા 'રમઝાન કરીમ' કહેવામાં આવે છે.
પરંતુ, મૂંઝવણમાં મૂકાવાની જરૂર નથી. વિવિધ સંસ્કૃતિમાં અલગ અલગ રીતે શુભકામના પાઠવવામાં આવે છે.
Ramazanınız mübarek olsun (Turkish)
Ramzaan Mubarak (Urdu)
Roza Mobarik-Shah (Pashto)
Ramjan Mubarak (Bangla)
મુસ્લિમ લોકો રમઝાનની ઉજવણી 3 દિવસ સુધી ચાલનારા તહેવાર ઇદ-અલ-ફિત્ર દરમિયાન કરે છે.

નોંધ: ઉપવાસ કરતા લોકો પર ડે-લાઇટ સેવિંગ્સની અસરને સ્પષ્ટ કરવા માટે આ લેખ અપડેટ કરવામાં આવ્યો છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

