SKIP TO MAIN CONTENT

આ વર્ષના મેલ્બર્ન કપમાં અનેક ઐતિહાસિક ક્ષણો નોંધાઈ

દર વર્ષે થોડી મિનિટો માટે આખું ઓસ્ટ્રેલિયા જેને અધ્ધર શ્વાસે માણે છે તે મેલ્બર્ન કપ ઘોડેસવારીની રેસ આ દેશના સ્પોર્ટ્સ કેલેન્ડરમાં એક આગવું અને મહત્વનું સ્થાન ધરાવે છે.

Melbourne Cup
Source: AP

2 min read

Published

Updated



Skip to article content

આ વર્ષે યોજાયેલા મેલબોર્ન કપમાં રેકિન્ડલીંગના જોકી કોરી બ્રાઉને રેસમાં શાનદાર વિજય મેળવ્યો. દર વર્ષે નવેમ્બરના પ્રથમ મંગળવારે યોજાતી આ રેસ ઓસ્ટ્રેલિયા ઉપરાંત સમગ્ર વિશ્વના લાખો લોકોમાં ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે.

સૌથી યુવા એવા ચાર વર્ષના યુરોપના ઘોડાએ $6.2 મિલિયન ડોલર જીત્યા. રેસ જીતનાર ટ્રેનર પણ મેલ્બર્ન કપ ઇતિહાસ ના સૌથી યુવા વિજેતા છે

રેસમાં સૌથી યુવા એવા ચાર વર્ષના યુરોપના ઘોડાએ $6.2 મિલિયન ડોલર જીત્યા જ્યારે જોહાનેસ વીરમેર અને મેક્સ ડાયનામાઇટ આ પ્રતિષ્ઠિત રેસમાં અનુક્રમે બીજા તથા ત્રીજા ક્રમે રહ્યા હતા.

3200 મીટરની રેસમાં રેકિન્ડલીંગે અંતિમ પળોમાં શાનદાર ઝડપ મેળવી રેસ જીતવા તરફ આગળ વધી રહેલા જોહાનેસ વીરમેરને નજીવા અંતરથી પાછળ રાખ્યો હતો.

ફ્લેમિંગટન રેસકોર્સ ખાતે 95,000 જેટલા પ્રેક્ષકોએ પ્રત્યક્ષદર્શી બનીને તથા ઓસ્ટ્રેલિયા સહિતના દુનિયાભરના છ મિલિયનથી પણ વધારે દર્શકોએ ટીવી તથા ઓનલાઇન માધ્યમ વડે આ રેસનો આનંદ માણ્યો હતો.

આયરીશ ટ્રેનર જોસેફ ઓ'બ્રાયને તેના પ્રખ્યાત પિતા એઇડેન ઓ'બ્રાયનને હરાવીને રેસ જીતી લીધી હતી.

તેના પિતાએ તાલીમ આપેલો ઘોડો, જોહાનેસ વીરમેર રેસ ન જીતી શક્યો પરંતુ તે બીજા ક્રમે રહ્યો હતો.

અત્યાર સુધીના ઇતિહાસના સૌથી યુવા ટ્રેનર, 24 વર્ષના જોસેફ ઓ'બ્રાયને જોકી કોરી બ્રાઉનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે "કોરીએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને હું અહીં ઉપસ્થિત તથા વતનમાં રહેલા તમામ યુવાઓને કહેતો રહું છું કે તમામ યુવાઓએ અકલ્પનીય પ્રદર્શન કર્યું છે. પ્રામાણિકતાથી કહું તો હું હજી પણ માની શકતો નથી કે અમે રેસ જીતી ગયા છીએ."

આ સાથે જ કોરી બ્રાઉને મેલબોર્ન કપમાં પોતાનો બીજો વિજય નોંધાવ્યો છે.

તેણે ચેનલ 7 સાથે વાત કરતાં જણાવ્યું હતું કે વિજય ખૂબ જ શાનદાર રહ્યો હતો.

" મને હજી પણ વિશ્વાસ થઇ નથી રહ્યો. હું ફક્ત નવ મહિના પહેલા જ વિદેશથી આવ્યો છું. આ એક ખાસ ક્ષણ છે. મારી સાથે અહીં મારો પરિવાર છે. મારી દીકરીઓ અહીં આવીને રેસનો આનંદ માણી શકે છે. હું શબ્દમાં વ્યક્ત નથી કરી શકતો, હજી પણ મારા માનવામાં નથી આવી રહ્યું કે હું રેસ જીતી ગયો છું. તે કાલ્પનિક હોય તેવો અહેસાસ થાય છે.

પરંતુ બીજા તરફ મેલબોર્ન કપ પણ વિવાદમાં સપડાયા વગર ન રહ્યો.

આરએસસીપીએ દ્વારા ચાબૂક વિનાની ઘોડાની રેસ માટે સતત કેમ્પેઇન કરવામાં આવ્યું હતું . તેમના જણાવ્યા પ્રમાણે જો આ પ્રકારે જ ચાબૂકનો ઉપયોગ કરવામાં આવશે તો તે પ્રાણી પ્રત્યેની ક્રૂરતાના ગુનામાં કાર્યવાહીને પાત્ર બનશે.

150થી પણ વધુ વર્ષ પહેલા શરૂ થયેલી આ લોકપ્રિય રેસ 1861માં પ્રખ્યાત ફ્લેમિંગટન રેસકોર્સ ખાતેથી શરૂ થઇ હતી.


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now