ઓસ્ટ્રેલિયામાં સામાન્ય રીતે નવેમ્બર - ડીસેમ્બર મહિનામાં પાક લણવાની સિઝન હોવાથી વિદેશથી હજારોની સંખ્યામાં કર્મચારીઓ કાર્ય કરવા માટે આવે છે. પરંતુ આ વખતે કોરોનાવાઇરસની પરિસ્થિતીના કારણે લાદવામાં આવેલા મુસાફરીના પ્રતિબંધથી વિક્ટોરીયા રાજ્યના કૃષિઉદ્યોગમાં કર્મચારીઓની અછત સર્જાઇ છે.
રાજ્યમાં વૃક્ષ અને છોડ પરથી ચેરી, એપ્રિકોટ, નેક્ટરીન્સ અને પ્લમ જેવા ફળ ઉતારવાના સમયનો પ્રારંભ થઇ ગયો છે અને તે પ્રક્રિયા એપ્રિલ - મે 2021 સુધી ચાલશે પરંતુ કર્મચારીઓની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
અને, તેમને આ પ્રક્રિયામાં મદદરૂપ થઇ શકે તે માટે કર્મચારીઓની આવશક્યતા છે.
વિક્ટોરીયાનો ગ્રેટર શેપર્ટન વિસ્તાર ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ફળો ઉત્પાદિત કરતો વિસ્તાર છે. દેશમાં ઉત્પાદિત થતી કુલ નાશપતીમાં 86 ટકા ફક્ત શેપર્ટન વિસ્તારમાં જ થાય છે. જ્યારે રાસબરી 70 ટકા, પ્લમ 49 ટકા, કિવી ફ્રૂટ 80 ટકા અને 38 ટકા જેટલા સફરજનની ખેતી થાય છે.
આ વિસ્તારના કૃષિઉદ્યોગને વૃક્ષ અને છોડ પરથી ફળો ઉતારવા માટે કારીગરોની જરૂર છે. અને, તે માટે તેમને પગાર ઉપરાંત સહાય પેકેજ આપવા અંગે પણ ગ્રેટર શેપર્ટને તેમની વેબસાઇટ પર જણાવ્યું છે.
6000 ડોલર સુધીનું સહાય પેકેજ
ગ્રેટર શેપર્ટનના જણાવ્યા પ્રમાણે, કર્મચારીઓને વિસ્તારના ખેતરોમાં કાર્ય કરતી વખતે નવી કુશળતા અને કૃષિક્ષેત્રનું જ્ઞાન મેળવવાની સાથે જો તેઓ અન્ય વિસ્તારમાંથી ગ્રેટર શેપર્ટનમાં કાર્ય કરવા માટે આવી રહ્યા છે તો તેમને 6000 ડોલર સુધીનું સહાય પેકેજ પણ ઉપલબ્ધ થઇ શકે છે.
લાયક ઓસ્ટ્રેલિયન્સને 6000 ડોલર તથા ઓસ્ટ્રેલિયામાં કાર્ય કરવાનો અધિકાર ધરાવતા અન્ય વિસાધારકોને 2000 ડોલર સુધીની સહાય મળવા પાત્ર છે.
જોકે તે માટે તેમણે ઓછામાં ઓછા 6 અઠવાડિયા અને ઓછામાં ઓછા 120 કલાક લણણીમાં કાર્ય કરવું જરૂરી છે.
સ્થળાંતર અંગેનું પેકેજ મેળવવા માટે હાર્વેસ્ટ ટ્રેલ વેબસાઇટની મુલાકાત લઇ શકાય.

કેવા પ્રકારની નોકરી ઉપલબ્ધ છે
- વૃક્ષ - છોડ પરથી ફળો ઊતારવા
- નકામી વનસ્પતિ - ઝાડ કાપવા
- ટ્રેક્ટર ચલાવવું
- ફળોને પેક કરવા
નોકરીનો સમયગાળો (મહિનામાં)
સામાન્ય રીતે વિક્ટોરીયાના કૃષિક્ષેત્રમાં ફળો ઊતારવાનો સમય નવેમ્બરથી એપ્રિલ - મે મહિના સુધી હોય છે. પરંતુ વિવિધ ફળોના પ્રકાર પ્રમાણે તે બદલાતો રહે છે.
કયા ફળને લણવા માટે કયો સમય યોગ્ય છે તે અંગે ગ્રેટર શેપર્ટનની વેબસાઇટ પર માહિતી આપવામાં આવી છે.
અનુભવ જરૂરી નથી
ગ્રેટર શેપર્ટનની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે આ કાર્ય માટે કોઇ પણ પ્રકારના અનુભવની જરૂર નથી પરંતુ કર્મચારી શારીરિક રીતે સ્વસ્થ્ય હોય તે જરૂરી છે. જોકે, આ આઉટડોર સ્થળે કાર્ય હોવાથી કાર્યનો સમય વિક્ટોરીયા અને જે-તે રાજ્યના વાતાવરણ પર આધાર રાખે છે.
વિક્ટોરીયાના ગ્રેટર શેપર્ટન વિસ્તારમાં કૃષિક્ષેત્રમાં નોકરી માટેની અન્ય જરૂરી માહિતી માટે વેબસાઇટની મુલાકાત લઇ શકાય.

