સિડનીમાં 50 વર્ષીય મહિલા પર હુમલો થતા તેમને માથામાં ગંભીર ઇજા પહોંચી છે અને તેઓ હાલમાં જીવન માટે લડી રહ્યાં છે.
7 NEWS ના જણાવ્યા પ્રમાણે, મહિલાના 20 વર્ષીય દત્તક પુત્ર, આકાશ નારાયણ પર હુમલો કરવાનો આરોપ લાગ્યો છે. જ્યારે તેના પિતા, વિકાસ નારાયણ આ ઘટનાના પ્રત્યક્ષદર્શી હોય તેમ લાગી રહ્યું છે.
પાડોશી સ્લાવિજા સ્બાસ્વેકના જણાવ્યા પ્રમાણે તેમણે મોટો અવાજ સાંભળ્યો હતો.
"મેં ઘણો મોટો અવાજ સાંભળ્યો હતો, ત્યાર બાદ ચીસો સાંભળી હતી. ઘટના બાદ રાગિણી જમીન પર પડી ગયા હતા અને હલી શકતા નહોતા."
કાર્યવાહક પોલીસ લુઝાકે જણાવ્યું હતું કે તહેવારના સમયમાં આ ઘટના બનવી ખૂબ જ આઘાતજનક છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, બોનીરીગ હાઇટ્સ ખાતેના ઘરની બહાર રાત્રે 10.30 વાગ્યે પરિવાર વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. 20 વર્ષીય આરોપી કારમાં જઇને હથિયાર લઇ આવ્યો હતો.
મહિલા પર નજીકથી હુમલો કરીને તે ફરાર થઇ ગયો હતો.
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે જણાવ્યું હતું કે ઘટના બાદ મહિલાને ન્યૂ સાઉથ વેલ્સ એમ્બ્યુલન્સ પેરામેડિક્સ દ્વારા ઘટના સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યાર બાદ તેમને લીવરપૂલ હોસ્પિટલ ખાતે ઓપરેશન માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત સ્થિર છે.
ફેરફીલ્ડ સિટી પોલીસે ઘટના બાદ તપાસ શરૂ કરી દીધી છે. 20 વર્ષીય આરોપીને પકડીને ફેરફીલ્ડ પોલીસ સ્ટેશનમાં લઇ જવાયો હતો અને તેની પર હત્યાના ઇરાદાથી હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
Share



