ટેક્નોલોજી આજના સમયમાં વ્યક્તિના જીવનનો અભિન્ન અંગ બની ગઈ છે, અને બાળકો પણ આ બાબતમાં અપવાદ નથી. બાળકો માટે વિવિધ ગેજેટ્સ મારફતે ટેક્નોલોજીનો ઉપયોગ વિવિધ કારણોસર કરવામાં આવે છે. બાળકો દ્વારા આ ગેજેટ્સ- જે સ્ક્રીન તરીકે પણ ઓળખાય છે તેના ઉપયોગને લઈને ચર્ચાનો વિષય છે. કેટલાક વાલીઓ તેને ભવિષ્ય માટે જરૂરી કૌશલ માને છે- તો કેટલાક તેમના બાળકોને ખુબ જ માર્યાદિત પ્રમાણમાં આ સ્ક્રીનનો ઉપયોગ કરવા આપે છે. તેના લાભ અને જોખમ અંગેની ચર્ચાનો કોઈ સરળ હલ નથી.
જો સ્ક્રીન કે સ્ક્રીન ટાઈમની વ્યાખ્યા કરવાનો પ્રયાસ કરવામાં આવે તો, સ્ક્રીન કે સ્ક્રીન ટાઈમ એટલે ટીવી જોવું, કમ્પ્યુટરનો ઉપયોગ કરવો, મોબાઈલ ફોન કે ટેબલેટનો ઉપયોગ કરવો કે અન્ય કોઈપણ ઇલેક્ટ્રોનિક મીડિયાનો ઉપયોગ કરવો.
આ મુદ્દે વિશ્વમાં ઘણા સર્વેક્ષણ કરવામાં આવ્યા છે, જેમાં જાણવા મળ્યું છે કે વધુ પડતા સ્ક્રીનના ઉપયોગના કારણે સામાજિક કૌશલ ઘટે છે, બાળક નિષ્ક્રિય બનવા તરફ પ્રગતિ કરે છે, ઊંઘ સંબંધી તકલીફ થાય છે, શાળામાં અભ્યાસ પર અસર થાય છે. આ ઉપરાંત સાયબર બુલિંગ જેવી સમસ્યાની સંભાવના વધે છે. યુરોપમાં ગત વર્ષે થયેલ એક સર્વેક્ષણમાં મેદસ્વીતા અને સ્ક્રીન ટાઈમ વચ્ચે સીધો સંબંધ જાણવા મળ્યો હતો.
ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો -ઓપેરશન એન્ડ ડેવલપમેન્ટ (OECD) ના PISA 2015 Results: Students’ Well-Being, અહેવાલ મુજબ વિશ્વભરના બાળકો દ્વારા ઇન્ટરનેટ અને સ્ક્રીનનો ઉપયોગ વધ્યો છે. સરેરાશ રીતે બાળકો 21 થી 29 કલાક પ્રતિ સપ્તાહ સ્ક્રીન્સનો ઉપયોગ કરે છે. જેમાં શાળામાં અભ્યાસ અર્થે અને શાળા બહાર અન્ય પ્રવૃત્તિ માટેનો વપરાશ શામેલ છે.
ઓસ્ટ્રેલિયામાં ઘણી શાળાઓ Bring Your Own Device (BYOD) મોડેલ અપનાવી ચુકી છે - જે મુજબ બાળક પોતાનું લેપટોપ કે ટેબ્લેટ શાળાએ શિક્ષણાર્થે લઇ જાય છે, જેના કારણે આજના સમયનો શૈક્ષણિક લેન્ડસ્કેપ બદલાયો છે. એક જ ક્લિક પર બાળકો માટે ખુબ બધી માહિતી ઉપલબ્ધ થાય છે જેના કારણે બાળકો વધુ જાણકારી સાથે નિર્ણય કરી શકે છે, તેમની સર્જનશીલતા પર સકારાત્મક અસર થઇ શકે છે, તેઓ વધુ ધ્યાન આપી શકે છે, મિત્રો સાથે અભ્યાસ કરી શકે છે. પણ, સેન્ટ્રલ કવીન્સલેન્ડ યુનિવર્સીટીના પ્રાધ્યાપક ડો. રિતેશ ચુઘ જણાવે છે કે બદલતા સમય સાથે બદલાવ જરૂરી છે, પણ ક્લાસમાં કમ્પ્યુટરના ઉપયોગથી શીખવામાં કે બાળકના વિકાસમાં લાભ થાય છે તેવા કોઈ ઠોસ પુરાવા હજુ સુધી મળ્યા નથી.
ક્લાસમાં સ્ક્રીનના ઉપયોગને કારણે થતા લાભ અંગે કોઈ નક્કર પુરાવા હજુ સુધી મળ્યા નથી, પણ કેટલાક જોખમો વિષે જરૂર સમયાંતરે જાણ થતી રહે છે. દા. ત. આંખોની દ્રષ્ટિ પર અસર થવી, તેમના અભ્યાસમાં ડિસ્ટ્રેક્શન આવવું વગેરે. - પ્રાધ્યાપક ડો. રિતેશ ચુઘ
મોટાભાગના તજજ્ઞો દ્વારા બાળકો સ્ક્રીનનો મર્યાદિત ઉપયોગ કરે તેવું સૂચન કરવામાં આવે છે.
જરૂરી સ્કિલ્સ શીખવાડવા માટે
વેસ્ટર્ન સિડની યુનિવર્સીટીમાં ઓનલાઇન અભ્યાસ વિભાગ સાથે જોડાયેલ અનન્યા જણાવે છે કે આજના સમયમાં જરૂરી સ્કિલ્સ શીખવાડવા માટે બાળકો સ્ક્રીન્સનો ઉપયોગ કરે તે ખુબ જ જરૂરી છે.
અનન્યા જણાવે છે કે બાળકોને સ્ક્રીનના ઉપયોગ અને અન્ય પ્રવૃત્તિઓ વચ્ચે બેલેન્સ કરવાનું શીખવાડવાની જરૂર છે. તેમની દીકરી ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે અને દિવસના કુલ ચાર થી પાંચ કલાક મોબાઈલ, ટેબ્લેટ કે લેપટોપનો ઉપયોગ કરે છે. જેમાં શાળામાં શીખવાડવામાં આવતા વિષય પર શોધ, ગૃહકાર્ય માટેનો ઉપયોગ અને સૌથી મહત્વનું કોલેબોરેટીવ લર્નિંગ છે જેમાં માતા -પિતા પણ જોડાઈ શકે છે.
"મારી દીકરી મારી પાસે રજા માંગતા પૂછશે કે આ કામ માટે સહેજ યુટ્યુબ જોવું છે, Tedex જોવું છે, કોઈ લેક્ચર કે ડોક્યુમેન્ટરી જોવી છે ... અને આવા કારણો માટે હું હા તો પાડું જ છું અને ઘણી વખત સાથે જોડાઈ પણ જાઉં છું."
બાળકો ઇન્ટરનેટ અને ગેજેટ્સનો યોગ્ય રીતે ઉપયોગ કરે તે માટે અનન્યાએ ખાસ પરમિશન સિસ્ટમ દાખલ કરી છે. જેમાં તેમની દીકરી તેમની પરવાનગી વગર કોઈ ડિવાઈઝનો કે કોઈ વેબસાઇટનો ઉપયોગ કરી શકતી નથી.
અનન્યા તેમની દીકરીના વિકાસ અને આવડતને લઈને ગર્વ અનુભવે છે.
સરકારી માર્ગદર્શિકા
- જન્મ થી 2 વર્ષ સુધીના બાળકને કોઈપણ પ્રકારના સ્ક્રિન્સથી દૂર રાખવાની સલાહ આપવામાં આવી છે
- 2 થી 5 વર્ષ સુધીના બાળકો માટે પ્રતિ દિવસ મનોરંજન માટે એક કલાક
- 5 થી 17 વર્ષ સુધીના બાળકો માટે પ્રતિ દિવસ મનોરંજન માટે બે કલાક થી વધુ નહિ
આ માર્ગદર્શિકા મદદરૂપ જરૂર છે, પણ સંપૂર્ણ નથી.
શાળાએ BYOD મોડેલ હેઠળ લેપટોપ કે ટેબ્લેટ લઇ જનાર બાળક દિવસમાં એક -બે કલાક થી વધુ સ્ક્રીનનો ઉપયોગ કરે છે, જે માર્ગદર્શિકા સાથે બંધ બેસતું નથી.
આ મુદ્દે ચાલતી ચર્ચા એક રીતે અનંત છે, પણ ટેક્નોલોજીના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે તેને બાળકોના ભાવિ ઘડતર માટે ઉપયોગમાં લેવી આજના સમયની માંગ છે.
Share

