ત્રણ દિવસના સસ્પેન્સ અને આત્મહત્યાથી માંડી ખૂન સુધીની વહેતી થિયરી વચ્ચે છેવટે, દુબઈમાં નિધન પામેલી જાણીતી ફિલ્મ અભિનેત્રી શ્રીદેવીનો મૃતદેહ મંગળવારે રાત્રે મુંબઈ લાવવામાં આવ્યો હતો. એના અવસાન પાછળની અનેક શક્યતા ચકાસ્યા પછી દુબઈ પોલીસ અને અન્ય તપાસ એજન્સીએ એના દેહનો કબ્જો શ્રીદેવીના પરિવારજનોને સોંપ્યો હતો અને દેહને બહાર લઈ જવા માટે મંજૂરી આપી હતી.
ત્યાર બાદ, મંગળવારે સાંજે એક ખાનગી પ્લેન દ્વારા શ્રીદેવીનો મૃતદેહ મુંબઈ મોકલવામાં આવ્યો હતો. એ પહેલાં દુબઈના સત્તાવાળા તરફથી જાહેર કરવામાં આવ્યું હતું કે શ્રીદેવીનું મોત બેહોશીને લીધે બાથટબમાં પડીને ડૂબી જવાથી થયું હતું. આ સત્તાવાર જાહેરાતની સાથે દુબઈ પબ્લિક પ્રોસીક્યુટરની કચેરી દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભારતીય અભિનેત્રી શ્રીદેવીના અપમૃત્યુનો કેસ બંધ કરવામાં આવ્યો છે.
ગયા સપ્તાહે શ્રીદેવી, એના પતિ-ફિલ્મ નિર્માતા બોની કપૂર, દિયર અનિલ કપૂર, ભત્રીજી એક્ટ્રેસ સોનમ સહિત પરિવારજનો સાથે દુબઈ ગઈ હતી, જ્યાં બોની અને અનિલ કપૂરના ભાણેજનો લગ્ન સમારંભ હતો.
એ કાર્યક્રમ પછી શ્રીદેવી સિવાયના લોકો મુંબઈ પાછા આવી ગયા હતા, પણ શ્રીદેવી એની બહેનના ઘરે દુબઈમાં જ રોકાઈ હતી. બે દિવસ પછી બોની કપૂર ફરી દુબઈ પહોંચ્યા ત્યારે એ અને શ્રીદેવી દુબઈની જાણીતી હોટેલમાં રહેવા ગયાં હતાં જ્યાં એ જ સાંજે એટલે કે ગયા શનિવારે શ્રીદેવી રૂમના બાથટબમાં બેહોશ અવસ્થામાં મળી આવી હતી. હોટેલના સ્ટાફે એને હોસ્પિટલમાં ખસેડી, પણ એ પહેલાં શ્રીદેવી મૃત્યુ પામી હતી.
ધડમાથાં વગરનાં નિવેદનો પર છેવટે મંગળવારે સાંજે પડદો પડ્યો
શરૂઆતમાં એનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોવાનું કહેવામાં આવું હતું, જો કે એ પછી શ્રીદેવી ભારે ડિપ્રેશનમાં હતી, એણે ચિક્કાર દારૂ પીધો હતો, અનેક પ્લાસ્ટિક સર્જરીને કારણે એનું શરીર ખોખલું થઈ ગયું હતું વગેરે અફવા ઉડવા લાગી હતી. બાકી હતું તે, દુબઈ પોલીસે આ કેસ ત્યાંની પબ્લિક પ્રોસિક્યુટર ઓફિસને સોંપતા, અફવા બજાર ઔર ગરમાયું હતું.
આ સેલિબ્રિટી કેસમાં કોઈ શંકાને સ્થાન ન રહે એ માટે દુબઈ પોલીસે એના પતિ ફિલ્મ નિર્માતા બોની કપૂરની બે વાર પૂછપરછ કરી હતી એમાં તો જાત જાતની વાત ઉડવા માંડી. અધૂરામાં પૂરું, વિવાદાસ્પદ ફિલ્મ નિર્માતા રામગોપાલ વર્માએ સોમવારે એક પત્ર જાહેર કરી કહ્યું હતું કે બોની કપૂરની બહેન અને માતાએ ભૂતકાળમાં શ્રીદેવી પર બહુ અત્યાચાર કર્યા હતા. એમનો ઈશારો સીધો બોની કપૂર તરફ હતો. ભાજપના વાચાળ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ વિવાદમાં ડબકું મૂકતાં કહ્યું હતું કે શ્રીદેવીની હત્યા કરવામાં આવી છે અને એ પાછળ ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમનો હાથ છે.
આવાં ધડમાથાં વગરનાં નિવેદનો પર છેવટે મંગળવારે સાંજે પડદો પડ્યો અને આ કેસને સત્તાવાર રીતે બંધ ઘોષિત કરી દુબઈ પોલીસે શ્રીદેવીનો મૃતદેહ એના કુટુંબને સોંપ્યો હતો.
હવે, આજે સવારે એનો મૃતદેહ એના અંધેરી સ્થિત ઘરેથી નજીકના એક મેદાનમાં લઈ જઈ થોડા કલાક માટે રાખવામાં આવશે અને એ પછી મૃતદેહના અંતિમસંસ્કાર થશે.
શ્રીદેવીની ફિલ્મી કારકિર્દી
માત્ર ચાર વર્ષની ઉંમરે એક તમિળ ફિલ્મમાં બાલ કલાકાર તરીકે ચમક્યા બાદ શ્રીદેવીએ આ કારકિર્દી અપનાવી લીધી હતી અને દક્ષિણની અનેક ફિલ્મમાં એણે કામ કર્યું હતું. સત્તર વર્ષની ઉંમરથી એ લીડ હિરોઈન તરીકે આવી હતી અને એ જ અરસામાં એને હિન્દી ફિલ્મમાં મોકો મળ્યો હતો. એની પહેલી હિન્દી ફિલ્મ નિષ્ફળ નીવડી હોવા છતાં, પાછળથી એ "હિમ્મતવાલા", "સદમા", "ચાંદની", "ચાલબાઝ", "મિસ્ટર ઈન્ડિયા", "નગીના", "લાડલા", "જુદાઈ", "ખુદા ગવાહ" જેવી ફિલ્મ દ્વારા છવાઈ ગઈ હતી. હિન્દી ઉપરાંત તમિળ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાની મળીને કુલ ૩૦૦ ફિલ્મ્સ એના નામે બોલે છે.
વચ્ચે અમુક ટીવી સિરિયલમાં કામ કર્યા પછી એણે ફરી બે હિન્દી ફિલ્મ નામે "ઈંગ્લિશ વિંગ્લિશ" તથા "મોમ"માં અભિનય આપ્યો જે ખૂબ પ્રશંસાને વરી. શાહ રૂખ ખાનની આગામી ફિલ્મ "ઝીરો"માં પણ શ્રીદેવીનો નાનો રોલ છે.
એક ઉત્કૃષ્ટ નૃત્યાંગના અને અભિનેત્રી એવી શ્રીદેવીની ઉમર હતી ૫૪ વર્ષની. એના સાથી કલાકાર રિશી કપૂરે કહ્યું એમ, આ ઉંમર મરવા માટેની નથી, એમાં પણ હજી હમણાં જ કારકિર્દીની બીજી ઈંનિંગ્સ શરૂ કરનારી શ્રીદેવી માટે તો નહીં જ.
Share

