મેલ્બોર્ન ખાતેનો એક ભારતીય પરિવાર પોતાના પુત્રનો ચહેરો દેશભરમાં લાગેલા પોસ્ટરમાં જોઇને આશ્ચર્યમાં મુકાઇ ગયો હતો.
SBS Hindi સાથેની વાતચીતમાં સોફ્ટવેર પ્રોફેશનલ અતુલ ખંડેલવાલે જણાવ્યું હતું કે, "જ્યારે અમે અમારા સાત વર્ષના પુત્રનો ચહેરો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા ચાલી રહેલા કેમ્પેઇનમાં જોયો ત્યારે અમને ખરેખર આશ્ચર્ય થયું હતું."
"સૌ પ્રથમ અમને તેનો ચહેરો ક્રિકેટ બ્લાસ્ટના પૅમ્ફ્લેટમાં અને સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો. ત્યાર બાદ અમે તેનો ચહેરો નોર્થ મેલ્બોર્ન સ્ટેશન પાસે મૂકવામાં આવેલા એક હોર્ડિંગ્સમાં જોયો હતો," તેમ અતુલ ખંડેલવાલે જણાવ્યું હતું.

રીશાન સેન્ટ કિલ્ડા પાર્ક પ્રાઇમરી સ્કૂલ ખાતે ધોરણ 2માં અભ્યાસ કરે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા શૂટ કરવામાં આવેલા જાહેરાતના વીડિયોમાં અન્ય વિદ્યાર્થીઓની સાથે રીશાન પણ દેખાય છે.
અતુલ ખંડેલવાલના જણાવ્યા પ્રમાણે, "જ્યારે અમે વતન ભારતમાં મિત્રો તથા પરિવારજનો સાથે તેનો ફોટો શેર કર્યો છે ત્યારથી અમારી પર અભિનંદનની વર્ષા થઇ રહી છે."

ભારતના ભૂતપૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીના ફેન રીશાને પોતાનું ક્રિકેટર બનવાનું સપનું સાકાર કરવા માટે ક્રિકેટની કેટલીક મૂળભૂત સ્કીલ તથા ટેક્નિક શીખવા માટે જૂનિયર બ્લાસ્ટર્સ પ્રોગ્રામમાં પ્રવેશ લીધો છે.
શું રીશાન પણ ધોની જેવો પ્રખ્યાત ક્રિકેટર બનશે કે કેમ, તે અંગે પૂછતા તેના પિતા અતુલ ખંડેલવાલે જણાવ્યું હતું કે, "રીશાન ક્રિકેટને ગંભીરતાથી લેશે કે અન્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવશે તે હાલમાં કહેવું ઘણું વહેલું છે. તેને ટેક્નોલોજીમાં પણ રસ છે અને તે સ્કૂલમાં કમ્પ્યુટર કોડીંગ શીખી રહ્યો છે."
ગયા વર્ષે જુલાઇ મહિનામાં શરૂ થયેલા ક્રિકેટ બ્લાસ્ટ પ્રોગ્રામમાં બાળકોને ક્રિકેટની જરૂરી કેટલીક સ્કીલ શીખવવામાં આવે છે.

