ઓસ્ટ્રેલિયાના તમામ રાજ્યોમાં ગરમી વધે તેવી શક્યતા છે અને કેટલાક શહેરોમાં તો ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે.
ધ બ્યૂરો ઓફ મેટેયોરોલોજીની આગાહી પ્રમાણે, પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના મધ્યભાગથી લઇને નોધર્ન ટેરીટરીના દક્ષિણ ભાગમાં, ક્વિન્સલેન્ડના દક્ષિણ - પશ્ચિમી ભાગ, ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરિયા, તાસ્માનિયા તથા સાઉથ ઓસ્ટ્રેલિયામાં ઓછી તીવ્રતા ધરાવતા હીટવેવની અસર વર્તાઇ શકે છે.
મેટેયોરોલોજીસ્ટ ડીન નારામોરે જણાવ્યું હતું કે, "સાઉથ ઓસ્ટ્રેલિયામાં તાપમાનનો પારો લગભગ 40 ડિગ્રીને પાર થઇ જાય તેવી શક્યતા છે. સાઉથ ઓસ્ટ્રેલિયામાં સતત પાંચ દિવસ સુધી તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહે તેવું અનુમાન છે."
મેલ્બોર્નમાં આગામી સમયમાં તાપમાન 30 ડિગ્રીથી વધુ રહેશે જ્યારે સિડનીમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેશે.
સમગ્ર ઓસ્ટ્રેલિયામાં તાપમાન વધી રહ્યું છે ત્યારે સૌથી વધારે ગરમી સાઉથ ઓસ્ટ્રેલિયામાં પડી રહી છે. ધ બ્યૂરો ઓફ મેટેયોરોલોજીના અનુમાન પ્રમાણે સાઉથ ઓસ્ટ્રેલિયામાં 16મી જાન્યુઆરી સુધી ગરમી 45 ડિગ્રી જેટલી રહેશે.
વિભાગના એક અધિકારી બેન ઓવેને જણાવ્યું હતું કે, "વર્ષના આ સમયમાં તાપમાનનો પારો વધે તે સામાન્ય છે. એડિલેડની આસપાસના વિસ્તારોમાં પારો 40 ડિગ્રીથી વધુ રહેશે."
ભૂતકાળમાં કેટલીક વખત ગરમીના સમયમાં વિજળી કપાઇ ગઇ હોય તેવી ઘટના પણ બની છે. સાઉથ ઓસ્ટ્રેલિયાના પ્રીમિયર સ્ટીવન માર્શલે જણાવ્યું હતું કે, "રાજ્યનો વિજળી વિભાગ ગરમીના સમયમાં વિજળી કપાઇ ન જાય તે માટે કાર્ય કરી રહ્યો છે."
આ ઉપરાંત, ફાયરફાઇટર પર ગરમીની પરિસ્થિતિ સામે લડવા માટે કાર્યરત રહેશે.

Melbourne expected to see temperatures above 40C Source: AAP
સાઉથ ઓસ્ટ્રેલિયન કન્ટ્રી ફાયર સર્વિસના ડ્યુટી કમાન્ડર બ્રેટ લાફલિને જણાવ્યું હતું કે, "ગરમીના સમયમાં આગના બનાવો બનવાની શક્યતા વધે જાય છે જોકે, અમારો વિભાગ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે."
લાફલિને સાઉથ ઓસ્ટ્રેલિયાના લોકોને સમયાંતરે ફાયર ડેન્જર રેટીંગ તપાસવા માટે જણાવ્યું છે. આ ઉપરાંત અંગ્રેજી ન બોલતા માઇગ્રન્ટ્સ તથા પ્રવાસીઓ માટે ફાયર સેફ્ટી વેબસાઇટ પર તમામ જાણકારી ઉપલબ્ધ રહેશે.
ગરમીના સમયમાં લોકોને તડકામાં વધુ સમય સુધી ન રહેવા માટે પણ જણાવાઇ રહ્યું છે.
કેન્સર કાઉન્સિલ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્સીક્યુટીવ પ્રોફેસર સાન્ચિયા એરાન્ડાએ જણાવ્યું હતું કે, "લોકોએ ગરમીની પરિસ્થિતિમાં બને ત્યાં સુધી છાંયડામાં જ રહેવું જોઇએ. જો તેમણે બહાર નીકળવાની જરૂર જણાય તો સવારે અથવા સાંજે જ બહાર નીકળવું જોઇએ. તે સમયે U-V કિરણોની તીવ્રતા ઓછી હોય છે."
"આ ઉપરાંત તડકામાં બહાર નીકળતી વખતે ટોપી, ચશ્મા, શરીર ઢંકાય તેવા કપડા અને સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઇએ," તેમ એરાન્ડાએ ઉમેર્યું હતું.
Share

