"જીવનનો એ એવો તબક્કો હતો જયારે મને લાગતું હતું કે હું માંદગી સામેનો આ જંગ હારી જઈશ. લખવા બેસું તો હાથ ન ઉપડે. પગ પર એટલા સોજા હોય કે એક ડગલું પણ માંડી ન શકું." આ શબ્દો છે, સાઉદી અરેબિયાના નઉફ અલમારવાઇના.
નઉફને લ્યુપસ નામની એક બીમારી થઇ હતી. એ વખતે એક પુસ્તક વાંચીને તેમણે યોગ કરવાનો નિર્ધાર લીધો હતો. યોગના કારણે જ તેઓ બાવીસ વર્ષ અગાઉ થયેલી બિમારીમાંથી બચી શક્યા હતા. થોડાં વર્ષ પહેલાં તેમને કેન્સર નિદાન થયું હતું. તેમાંથી પણ તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થયા છે.
આરબ દેશોમાં યોગનો પ્રચાર
માત્ર જેદ્દાહ કે સાઉદી અરેબિયા જ નહીં, પરંતુ સમગ્ર આરબ વિશ્વમાં યોગને પ્રચલિત બનાવવાનો અને એથીય વિશેષ તો યોગને સ્વીકૃતિ અપાવવાનું શ્રેય કોઈને મળતું હોય તો એ જશનાં અધિકારી છે જેદ્દાહ શહેરમાં વસતાં યોગ શિક્ષિકા નઉફ અલમારવાઈ.
ઈસ્લામિક વિશ્વમાં યોગને આ સ્તર સુધી લઈ જવા બદ્દલ ભારત સરકારે બે વર્ષ પહેલાં નઉફબાનુને 'પદ્મશ્રી'થી નવાજ્યાં હતાં. ભારતમાં તો ઘણા લોકો નઉફને માનાર્થે 'યોગચારીણી' તરીકે જ બોલાવે છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે SBS Gujarati સાથેની મુલાકાતમાં નઉફ મારવાઈ કહે છે: "આજે તો માત્ર જેદ્દાહ શહેરમાં એક હજારથી વધુ શિક્ષકો યોગ શીખવે છે. ઉપરાંત સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ, દમામ, ખોબર અને મક્કા જેવા શહેરમાં સુદ્ધાં યોગના નિયમિત ક્લાસ ચાલે છે. ઘણે ઠેકાણે યોગ સ્ટુડિયો છે, જ્યાં પણ યોગ પદ્ધતિસર શીખવવામાં આવે છે."
માનસિક – શારીરિક આરોગ્ય માટે લાભદાયી
યોગને ઘણા લોકો હિન્દુ ધર્મ સાથે સાંકળે છે. જો કે નઉફે યોગ કરવાનું શરૂ કર્યું ત્યારે ત્યાંના લોકોને મન એ બૌદ્ધ ધર્મની પ્રણાલી હતી. કેટલાકે લોકોએ તો એને પૂછ્યું પણ હતું કે આ કોઈ પ્રકારની ધાર્મિક પૂજા છે? એ વખતે નઉફે યોગની સાદી અને સારી સમજણ આપી હતી.
યોગ કોઈ ધાર્મિક પ્રણાલી કે પૂજાનો પ્રકાર નથી, પણ માનસિક અને શારીરિક આરોગ્ય સારા રાખવાનો એક સરળ ઉપાય છે.
લ્યુપસની બિમારીને મહાત આપી
ત્રીસ વર્ષ પહેલાં નઉફે પોતે પહેલી વખત યોગ એવો શબ્દ સાંભળ્યો. એ માત્ર દસ વર્ષની હતી ત્યારે. લ્યુપસની બીમારીએ એ દિવસોમાં નઉફના શરીરમાં પગપેસારો કરી દીધો હતો. લ્યુપસ એ તબીબી ભાષામાં એક ઑટોઈમ્યુન ડિસીઝ છે.
આ પ્રકારના રોગમાં માનવશરીરના અમુક કોષ એના જ શરીરના બીજા કોષને દુશ્મન સમજી એના પર હુમલો કરે. મતલબ કે અંદરોઅંદરની લડાઈ. આવી લડાઈમાં શરીર બહુ પીડાનો સામનો કરવો પડે અને માંદા શરીરમાં અનેક રોગ આસાનીથી પ્રવેશ કરી શકે છે.

Nouf Almarwaai Source: Supplied
દસ વર્ષની નઉફને એ સમયે પોતાને સતાવતી બીમારીની ગંભીરતાનો અંદાજ નહોતો. એ કહે છે: " મને ખબર જ પડતી નહોતી કે શરીરમાં શું ચાલી રહ્યું છે. પેટમાં સતત દુખે, સાંધા જકડાઈ જાય, ક્યારેક ડૉક્ટર લોહીમાં સડો થઈ ગયો હોવાનું નિદાન કરે તો ક્યારેક કિડની પર થયેલી અસર નિવારવા દવા આપે."
પુસ્તકની મદદથી યોગ શીખ્યા
નઉફના પિતા મોહમ્મદ અલમારવાઈ એ વખતે સાઉદી લશ્કરમાં ફરજ બજાવતા હતા. સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રાલય તરફથી એમને માર્શલ આર્ટ્સની તાલીમ માટે જાપાન મોકલવામાં આવ્યા હતા અને એ પછી મોહમ્મદ મારવાઈ સાઉદી જવાનોને સેલ્ફ ડિફેન્સની તાલીમ પણ આપતા હતા.
જાપાન ઉપરાંત એમણે અન્ય દેશોનો પણ પ્રવાસ કર્યો હતો અને એવા એક પ્રવાસ દરમિયાન મોહમ્મદજી કેરળના યોગ ગુરુ આયંગરનું પુસ્તક લઈ આવ્યા હતા. નઉફે એ પુસ્તકના આધારે કેટલાક આસન કરવા માંડ્યા. જો કે એ આસન બહુ મુશ્કેલ હતા એટલે નઉફે નછૂટકે પ્રયાસ પડતો મૂક્યો.
હાથ-પગના સાંધા સુજી જાય, પેન પકડી ન શકાય, પલંગમાંથી ઊભાં થતાં અડધો-પોણો કલાક નીકળી જાય અને ક્યારેક મધરાતે જાણે શ્વાસ અટકી રહ્યા હોય એવું લાગે અને હું ભાર ઊંઘમાંથી ઊઠી જાઉં.
નઉફ વાતચીત આગળ વધારતાં કહે છે: "છેવટે એક દિવસ એવો આવ્યો કે મારે કોલેજ જવાનું બંધ કરવું પડ્યું. એક પછી એક એમ મારી ઘણી પ્રવૃત્તિ પણ બંધ થતી ગઈ."
થોડાં વર્ષ આમ જ ચાલ્યું ત્યાં અચાનક યોગને લગતું વધુ એક પુસ્તક એના હાથમાં આવ્યું. જીવનને વધુ એક અવસર આપવાના ઈરાદે નઉફે એ પુસ્તકના આધારે ફરી યોગના પ્રયોગ આદર્યા. સાથે કેટલીક બ્રીધિંગ એક્સરસાઈઝ પણ ખરી.
"અને જાણે ચમત્કાર થયો હોય એમ આ વખતે યોગ કારગત નીવડે એવા સંકેત મને મળવા લાગ્યા. મારા સાંધા જકડાઈ જવાનું પ્રમાણ ઓછું થવા લાગ્યું, પહેલાં કરતાં થાક પણ ઓછો લાગતો અને સરખી ઊંઘ આવતી થઈ. ત્યાર બાદ શરીરનો દુખાવો ગાયબ થતો ગયો અને ખરું કહું તો મારા જીવમાં જીવ આવ્યો."

Nouf Almarwaai Source: Supplied
યોગથી મારો રોગ દૂર થવા લાગ્યો એટલે મેં નક્કી કરી લીધું કે હવે તો એને રોજિંદા જીવનનો ભાગ બનાવી જ લઉં.
22 વર્ષથી યોગ જીવનનો એક ભાગ બન્યો
આ વાત વર્ષ 1998ની છે. ત્યારથી આજદિન સુધી નઉફે યોગનો સાથ છોડ્યો નથી. કોલેજનું ભણતર ફરી આરંભી એ સાઈકોલોજીસ્ટ બની. પછી તો નઉફનાં માતા એલ્હામ અને ભાઈ પણ યોગ કરવા લાગ્યા. વાતને ફેલાતાં થોડી વાર લાગે? ઘણા લોકો આ નવી 'કસરત' વિશે નઉફને પૂછપરછ કરવા માંડ્યા.
જેદ્દાહના એક રેડિયો પર નઉફની મુલાકાત પણ ગોઠવાઈ, જેમાં એણે યોગ વિશે સાઉદી સમાજમાં ફેલાયેલી ઘણી ગેરસમજ દૂર કરી. ત્યાર બાદ નઉફ યોગના વધુ અભ્યાસ માટે ભારત આવી. કેરળ તથા ઉતરાખંડના વિવિધ આશ્રમોમાં એ યોગ શીખી અને વતન પાછા ફરી એણે પોતે ત્યાં યોગ શીખવવાનું શરૂ કર્યું.
કેરળના લાંબા વસવાટ દરમિયાન તો નઉફે આયુર્વેદનું પણ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું.
એક વાર ગેરસમજ દૂર થઈ પછી લોકોને યોગ તરફ વાળવામાં બહુ વાંધો ન આવ્યો. ઘણાને એમાં રસ પડવા લાગ્યો. એ પછી તો મેં રિયાધમાં કેટલાક સ્કૂલ ટીચર્સને પણ યોગ શીખવવાની શરૂઆત કરી.
નઉફે 'હોલિસ્ટિક હેલ્થકેર' અને 'સાઉદી અરેબિયા યોગ સ્કૂલ'ની સ્થાપના કરી યોગનો વધુ ને વધુ પ્રસાર કરવા માંડ્યો.
વર્ષ 2014માં કેન્સરને પણ હરાવ્યું
Image
વર્ષ 2014માં નઉફને કેન્સરની બીમારી થઇ. જોકે, યોગની મદદથી હવે નોર્મલ જીવન જીવી રહેલી નઉફને એની ઉપચારક્ષમતા પર વિશ્વાસ હતો અને ખરેખર વિશ્વાસના સહારે એ ટકી ગઈ.
"કેન્સરની ગાંઠ કઢાવતાં પહેલાં અને એ પછી પણ મેં યોગ કરવાનું ચાલુ રાખ્યું હતું. એને લીધે મને સ્ટ્રેસ દૂર કરવામાં મદદ મળી."
નઉફના આ 'કેન્સર વિજય' બાદ હવે યોગ સામે શંકા કરવા કોઈ પાસે કારણ નહોતું. સાઉદી સરકારે યોગને વિધિવત માન્યતા આપી. બસ, જાણે જુવાળ ફાટી નીકળ્યો હોય એમ લોકો યોગ શીખવા લાગ્યા. જિમ્નેશિયમ અને રીહેબિલિટેશન સેન્ટર્સમાં પણ યોગને સ્થાન મળ્યું.
સમગ્ર ગલ્ફ વિસ્તારના પહેલાં સરકારી માન્યતાપ્રાપ્ત યોગ સંસ્થાન એવા નઉફના 'સાઉદી યોગ ફાઉન્ડેશન' હેઠળ છેલ્લા દાયકા દરમિયાન સેંકડો યોગ શિક્ષકો તૈયાર થયા છે.
એ શિક્ષકો સાઉદી અરેબિયાના જુદા જુદા શહેરોમાં યોગનો પ્રસાર કરે છે. એ બદ્દલ સંતોષ વ્યક્ત કરતાં નઉફ ઉમેરે છે કે, "યોગને કારણે મારી જિંદગી બદલાઈ ગઈ, મને નવું જીવન મળ્યું. જાતઅનુભવના આધારે હું તો બધાને એ જ કહું છું કે તમારી જાતને કોઈ ભેટ આપવી હોય તો યોગ શીખો."
Share

