ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં કુલ ક્ષમતાના 25 ટકા પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવશે.
દરરોજ લગભગ 10,000 પ્રેક્ષકો સ્ટેડિયમમાં બેસીને મેચની મજા માણી શકશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને વેન્યૂ ન્યૂ સાઉથ વેલ્સે રાજ્યમાં કોરોનાવાઇરસના કેસની સંખ્યામાં વધારા વચ્ચે સોમવારે આ અંગે નિર્ણય લીધો હતો.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્સીક્યુટીવ નિક હોકલીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાવાઇરસની પરિસ્થિતી વચ્ચે વેન્યૂ ન્યૂ સાઉથ વેલ્સ અને આરોગ્ય વિભાગે બાયોસિક્યોરિટીના તમામ પગલાં લીધા છે. સિડની ખાતે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં ભાગ લઇ રહેલા કર્મચારીઓ, ખેલાડીઓ, અધિકારીઓ, બ્રોડકાસ્ટ ટીમના સભ્યો, પ્રશંસકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.
મેચમાં પ્રેક્ષકોની સંખ્યા ઘટાડવાથી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન થશે અને જે પ્રેક્ષકોએ ટિકીટ લીધી હશે તેમને રીફંડ પણ આપવામાં આવશે.
આગામી સમયમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો પ્લાન અમલમાં મૂકી ટિકીટોનું વેચાણ ફરીથી શરૂ કરવામાં આવશે.
જે પ્રેક્ષકોએ અગાઉ 50 ટકાની ક્ષમતા પ્રમાણે ટિકીટ ખરીદી હતી તેમને રીફંડ અપાશે. અને, સોમવારે સાંજે 5 વાગ્યાથી મંગળવારે બપોરે 12 વાગ્યા સુધી 19 કલાક માટે ટિકીટ ખરીદી શકાશે.
ભારતના તમામ ખેલાડીઓનો રીપોર્ટ નેગેટીવ
આઇસોલેટ થયેલા 5 સહિત ભારતીય ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓ તથા સપોર્ટ સ્ટાફના સભ્યોનો કોરોનાવાઇરસનો ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. અને ટીમ સિડની માટે રવાના થઇ ગઇ છે.
બીસીસીઆઇએ જણાવ્યું હતું કે ભારતીય ટીમના તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો 3 જાન્યુઆરી 2021 ના રોજ RT-PCR નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે તમામ નેગેટીવ આવ્યા છે.
Share


