ઓસ્ટ્રેલિયામાં કેન્દ્રીય ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં આગામી 21મી મેના રોજ ચૂંટણી યોજાશે.
ચૂંટણી અગાઉ તમામ પક્ષ પાસે પ્રચાર કરવા માટે 6 અઠવાડિયાનો સમય રહેશે.
હાઇલાઇટ્સ
- ઓસ્ટ્રેલિયામાં 21મી મેના રોજ કેન્દ્રીય ચૂંટણી યોજાશે.
- વડાપ્રધાન સ્કોટ મોરિસને ગવર્નર જનરલ ડેવિડ હર્લી સાથે મુલાકાત કરી, વર્તમાન સંસદ બરખાસ્ત કરવાની પરવાનગી માંગી.
- કેન્દ્રીય ચૂંટણીમાં ઓસ્ટ્રેલિયાનું અર્થતંત્ર, આરોગ્ય, કુદરતી આપદા મુખ્ય મુદ્દા બની રહેશે.
વડાપ્રધાન સ્કોટ મોરિસને રવિવારે સવારે ગવર્નર જનરલ ડેવિડ હર્લીની મુલાકાત લીધી હતી અને વર્તમાન સંસદને બરખાસ્ત કરવાની અને ચૂંટણી જાહેર કરવાની પરવાનગી માંગી હતી.
સત્તાવાર જાહેરાત થયા બાદ ઓસ્ટ્રેલિયાના નાગરિકો આગામી 21મી મેના રોજ નવી સરકાર રચવા માટે મતદાન કરશે.
કેનબેરા ખાતે પત્રકારોને સંબોધન કરતી વખતે વડાપ્રધાન મોરિસને જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાએ છેલ્લા કેટલાક વર્ષોમાં પડકારજનક સમયનો સામનો કર્યો છે પરંતુ, આપણે વિશ્વના શ્રેષ્ઠ દેશમાં વસવાટ કરીએ છીએ. હું દેશ અને રહેવાસીઓના ભવિષ્ય અંગે સરાકાત્મક છું.

The federal election will take place on 21 May. Source: SBS
વર્તમાન સંસદની સ્થિતિ
ઓસ્ટ્રેલિયામાં વર્તમાન સંસદમાં નીચલા ગૃહની કુલ 151 બેઠકો તથા સેનેટની 40 બેઠકો માટે મતદાન કરવામાં આવશે.
હાલમાં લિબરલ ગઠબંધન પાસે 76 સીટ, લેબર પક્ષ પાસે 68 બેઠકો, ગ્રીન્સ - 1, સ્વતંત્ર સાંસદોની સંખ્યા 3 છે.
વર્ષ 2013થી ઓસ્ટ્રેલિયામાં ગઠબંધન સરકાર સત્તામાં છે. જે અંતર્ગત, ટોની એબટ્ટ, માલ્કમ ટર્નબુલ તથા સ્કોટ મોરિસને દેશના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
વડાપ્રધાન સ્કોટ મોરિસન, જ્હોન હોવર્ડ બાદ સતત બે ચૂંટણી જીતનારા દેશના બીજા વડાપ્રધાન બનવાનું લક્ષ્ય ધરાવે છે.

How the 151 seats of the lower house are divided ahead of the 2022 federal election. Source: SBS
જોકે, તેમને લેબર પક્ષના વડા એન્થની એલ્બાનિસી તરફથી પડકારનો સામનો કરવો પડશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં યોજાયેલી કેન્દ્રીય ચૂંટણીમાં લેબર પક્ષનો પરાજય થયા બાદ બિલ શોર્ટને રાજીનામું આપ્યા બાદ એન્થની એલ્બાનિસી લેબર પક્ષના વડા બન્યા હતા.
એન્થની એલ્બાનિસીની આગેવાની હેઠળનો લેબર પક્ષ જો ચૂંટણી જીતશે તો એલ્બાનિસી ઓસ્ટ્રેલિયાની 47ની સંસદના 31મા વડાપ્રધાન બનશે.
જૂન 2021થી ઓપિનિયન પોલમાં ચૂંટણી જીતવા માટે લેબર પક્ષ આગળ રહ્યો છે. બે પક્ષોની પસંદગીમાં લેબર પક્ષ પાસે 55 ટકા વોટ છે.
ALSO LISTEN
ચૂંટણીના મુખ્ય મુદ્દા
વર્ષ 2022માં યોજાનારી ચૂંટણીમાં દેશનું અર્થતંત્ર, કોરોનાવાઇરસની મહામારીના કારણે આરોગ્ય સુવિધા તથા વૈશ્વિક સુરક્ષા જેવા મુદ્દાઓ મુખ્ય બની રહે તેવી સંભાવના છે.
આ ઉપરાંત, વડાપ્રધાન મોરિસન પર છેલ્લા કેટલાક સમયમાં હેરાનગતિ, પૂરના અસરગ્રસ્તો માટે ફંડમાં રાજકારણ તથા પેન્શનર્સને યોગ્ય સહાય નહીં આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
વડાપ્રધાને શનિવારે એક વીડિયો સંદેશમાં દેશના રહેવાસીઓએ અનુભવેલી કુદરતી આપદા તથા કોવિડ-19 મહામારીના કારણે અર્થતંત્રને પડેલી અસર વિશે વાત કરી હતી.
જોકે, તેમણે સરકાર દ્વારા કોવિડ-19ને કાબુમાં રાખીને 40,000 લોકોના જીવ તથા 700,000 નોકરીઓ બચાવ્યા હોવાનો દાવો કર્યો હતો. અને, તેથી જ વર્તમાન સરકાર ચૂંટણી જીતવા માટે મજબૂત સ્થિતિમાં હોવાનું જણાવ્યું હતું.
બીજી તરફ, કેન્દ્રીય લેબર પક્ષના નેતા એન્થની એલ્બાનિસીએ પણ વીડિયો સંદેશ જારી કરીને દેશના ઉજળા ભવિષ્યની યોજના જાહેર કરી હતી.
તેમણે લેબર પક્ષ જો સત્તામાં આવશે તો મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે વધુ રોકાણ, સસ્તા ચાઇલ્ડકેર, સસ્તા વિજળીના દરથી પરિવારોને સહાય કરવાનું, મફતમાં TAFE તથા મેડિકેરની સેવાઓ વધુ સરળ કરવાની જાહેરાત કરી છે.