ઓસ્ટ્રેલિયામાં શનિવારે યોજાયેલી કેન્દ્રીય ચૂંટણી બાદ મત ગણતરીનો પ્રારંભ થયો હતો.
શનિવારે રાત્રે જ્યારે મતગણતરીની પ્રક્રિયા સમાપ્ત થઇ ત્યારે, લેબર પાર્ટી 72 સીટ સાથે સૌથી આગળ હતી. અને, વર્તમાન લિબરલ - નેશનલ્સ ગઠબંધન સરકારનો ચૂંટણીમાં પરાજય થયો હતો. તેમને 53 સીટ મળી હતી.
ગ્રીન્સ પક્ષના નેતા એડમ બેન્ટ્સે તેમની બેઠક પર વિજય મેળવ્યો હતો.
ચૂંટણીમાં પરાજયની તમામ પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન સ્કોટ મોરિસને ઓસ્ટ્રેલિયાના મતદારોના નિર્ણયને સ્વીકાર્યો હતો. અને તેમણે લેબર પક્ષના નેતા એન્થની એલ્બાનિસીને અભિનંદન આપ્યા હતા.
શનિવારે રાત્રે મતગણતરી શરૂ થયા બાદ પરિણામ લગભગ સ્પષ્ટ થયા બાદ સ્કોટ મોરિસને લિબરલ પાર્ટીના કાર્યકરોને સંબોધન કર્યું હતું.

Anthony Albanese and Scott Morrison cast their votes Source: AAP, SBS
અને તેમણે એન્થની એલ્બાનીસી સાથે વાત કરીને લેબર પક્ષ તથા એલ્બાનિસીને અભિનંદન આપ્યા હતા, તેમ જણાવ્યું હતું.
તેમના નિવેદનમાં મોરિસને જણાવ્યું હતું કે, હું દેશના રહેવાસીઓના નિર્ણયનો સ્વીકાર કરવા હંમેશા તૈયાર હતો અને આજે તેમણે જે નિર્ણય આપ્યો તેને હું સ્વીકારું છું.
તેમણે ઉમેર્યું હતું કે, એન્થની એલ્બાનિસી અને તેમની સરકાર શ્રેષ્ઠ કાર્ય કરે તે માટે શુભેચ્છા પાઠવું છું.
સ્કોટ મોરિસને લિબરલ પક્ષની આગેવાની છોડવાનો નિર્ણય લીધો હતો.
તેમણે જણાવ્યું હતું કે, આગામી અઠવાડિયે યોજાનારી પાર્ટીની બેઠકમાં તેઓ લિબરલ પક્ષની આગેવાની છોડશે. તેમણે પાર્ટીની આગેવાની તથા દેશનું નેતૃત્વ કર્યા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો.
બીજી તરફ, લેબર પક્ષના નેતા એન્થની એલ્બાનિસીએ ઓસ્ટ્રેલિયાના મતદારોનો આભાર માન્યો હતો.
તેમણે વડાપ્રધાન સ્કોટ મોરિસનને દેશનું નેતૃત્વ સંભાળવા બદલ અભિનંદન આપ્યા હતા.
વિજયી નિવેદન દરમિયાન એલ્બાનિસીએ તેમની માતાએ કરેલા સંઘર્ષ અને ત્યાગને યાદ કરીને દેશના 31મા વડાપ્રધાન બનવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.