ગયા સપ્તાહથી દેશ આખાને માથે લેનારા બેન્ક કૌભાંડમાં લગભગ રોજ નવા તાણાવાણા ખુલી રહયા છે. મૂળ મુંબઈના, પણ પછી બેલ્જિયમના એન્ટવર્પ શહેરમાં વસી ગયેલા હીરાના વેપારી નીરવ મોદી અને એમના મામા મેહુલ ચોકસીની આર્થિક ગેરરીતિનો આંક ત્રીસ હજાર કરોડ રૂપિયાની આસપાસ પહોંચે એવું બોલાઈ રહ્યું છે ત્યાં કાનપુરના એક મોટા ઉધોગપતિ વિક્રમ કોઠારીનું પણ બેન્કને નવડાવી નાખવાનું પરાક્રમ બહાર આવ્યું છે.
કુલ સાત સરકારી બેન્કો પાસેથી કોઠારીએ લીધેલી ત્રણ હજાર કરોડ રૂપિયા જેટલી લૉન એમણે ભરપાઈ કરી નથી અને એના પરનું વ્યાજ ગણો તો લેણી રકમનો આંક બીજા ૭૦૦ કરોડ વધી જાય છે.
અતિ જાણીતી પાન મસાલા બ્રાન્ડ "પાન પરાગ"ના માલિક એવા મનસુખ કોઠારીના પુત્ર વિક્રમે "રોટોમેક"ના નામે પેન અને "યસ" બ્રાન્ડ સાથે નાસ્તા બનાવવાનું શરૂ કર્યું હતું, જેમાં પાછળથી એમને બહુ નુકસાન થયું.
વિવિધ બેન્કોની એમના પાસેથી લેણી નીકળતી રકમ વિશે પૂછતાછ કરવા સોમવારે વિક્રમ કોઠારીની અટક કરવામાં આવી હતી. આ કેસની તપાસ હવે સીબીઆઈ કરી રહી છે તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે પણ કોઠારી સામે બેન્કોના નાણાંની ઉચાપતનો કેસ નોંધ્યો છે.
દરમિયાન, નીરવ મોદી અને મેહુલ ચોકસી જેવા બેન્ક કૌભાંડની વધતી સંખ્યા વિશે તપાસ કરવા સરકારે એક સમિતિની રચના કરી છે. બીજી બાજુ, સીબીઆઈએ નીરવ મોદી ગ્રુપના ચીફ ફાઇનાન્સ ઓફિસર વિપુલ અંબાણી તથા અન્ય ત્રણ અધિકારીની ધરપકડ કરી છે. આ સાથે આ પ્રકરણમાં કુલ જેમને હીરાસતમાં લેવામાં આવ્યા છે એમનો આંક સાત પર પહોંચ્યો છે. વિપુલ અંબાણી એ અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નજીકના સગા છે.
આ આખું પ્રકરણ બહાર આવ્યું એ પહેલાં દેશ છોડી ગયેલા નીરવ મોદી ખુદ અત્યારે અમેરિકા હોવાનું મનાઈ રહ્યું છે. સોમવારે એમણે પંજાબ નેશનલ બેન્કને એક પત્ર લખી દોષનો ટોપલો બેન્ક પર જ ઢોળી દઈ કહ્યું હતું કે બેન્કે પોતાના વ્યવહારની વાત જાહેર કરીને એની બાકી નીકળતી રકમ પાછી મેળવવાના બધા રસ્તા બંધ કરી દીધા છે.
પોતે બેન્કને અગાઉ બહાર આવેલી ૧૧૦૦૦ કરોડની નહીં, પણ પાંચ હજાર કરોડની રકમ જ દેવાની નીકળે છે એમ પણ નીરવ મોદીએ આ પત્રમાં બેન્કને કહ્યું છે.
સીબીઆઈ અને અન્ય સરકારી સંસ્થાઓ દ્વારા મોદી અને મેહુલ ચોકસીની અનેક ઓફિસ તથા ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે.
Share

