હાલમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે છે. ભારત તથા પાકિસ્તાન વચ્ચે ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ બાદ ટીમને મજબૂત સિક્યોરિટી પૂરી પાડવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે 14મી ફેબ્રુઆરીએ ભારત અધિકૃત કાશ્મીર પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં 44 જેટલા સીઆરપીએફના જવાનોના મૃત્યુ થયા હતા. ત્યાર બાદ છેલ્લા બે દિવસથી ભારત તથા પાકિસ્તાનના ફાઇટર જેટ્સ એકબીજાની સીમામાં પ્રવેશ્યા બાદ બંને દેશો વચ્ચેની સ્થિતિ વણસી છે.
ડેક્કન ક્રોનીકલમાં છપાયેલા રીપોર્ટ્ પ્રમાણે, ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી હૈદરાબાદ વન-ડે મેચ માટે પોલીસની વિવિધ પાંખ, 2300 પોલીસ કર્માચારીઓ અને ઓર્ગેનાઇઝેશન ફોર કાઉન્ટર ટેરરીઝમની ટીમ તહેનાત કરવામાં આવી છે.

Source: AAP Image/ EPA/RAMINDER PAL SINGH
રાચાકોન્ડા વિસ્તારના પોલિસ કમિશ્નર મહેશ ભાગવતના જણાવ્યા પ્રમાણે સ્ટેડિયમમાં 200 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
મોહાલી- દિલ્હી મેચ ખસેડાઇ શકે છે : રીપોર્ટ્સ
ક્રિકેટ વેબસાઇટ ફર્સ્ટપોસ્ટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલા રીપોર્ટ્સ પ્રમાણે ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચે મોહાલી તથા દિલ્હીમાં રમાનારી વન-ડે મેચો ખસેડાઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચે 10મી તથા 13મી માર્ચે મોહાલી અને દિલ્હીમાં વન-ડે મેચ રમાવાની છે.
મોહાલી સ્ટેડિયમએ ભારતીય એરફોર્સ બેસથી નજીક છે અને વિમાનના ઉડવાના રસ્તા વચ્ચે જ આવેલું છે. રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે દિલ્હી ખાતે રમાનારી મેચ પણ ખસેડાઇ શકે છે.
જોકે, બીસીસીઆઇ દ્વારા હજી સુધી આ મામલે કોઇ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જોકે રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, મોહાલી અને દિલ્હીની મેચ ખસેડાઇને બેંગલોર કે કોલકાતાને સોંપાઇ શકે છે. આ બંને સ્ટેડિયમને તૈયાર રહેવા જણાવાયું છે. બીસીસીઆઇ આ મુદ્દે આગામી સમયમાં નિર્ણય લેશે.

Source: AAP Image/ EPA/RAMINDER PAL SINGH
બીજી તરફ, ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા રીપોર્ટ પ્રમાણે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશને પણ બેમાંથી એક મેચ યોજવાની તૈયારી દર્શાવી છે.
Share

