માઈગ્રન્ટ સમુદાયના લોકોને રોજગાર મેળવવામાં પડતી તકલીફ અંગે ઓસ્ટ્રેલિયન માઈગ્રન્ટ અને રેફ્યુજી સેટલમેન્ટ એજન્સી (AMES)વડે એક અધ્યયન કરવામાં આવ્યું છે. આ અધ્યયનના પ્રમુખ મોનીકા ઓ' ડવયેરનું કહેવું છે કે જે લોકોને સફળ રીતે રોજગાર મળી શક્યો છે, તેમના મોટાભાગના લોકોએ કેઝયુઅલ ધોરણે શરૂઆત કરી હોય છે.
ઓસ્ટ્રેલિયા આવ્યા બાદ રોજગાર મેળવવામાં સૌથી વધુ તકલીફ મહિલાઓને પડતી હોય છે. ઓસ્ટ્રેલિયા સ્થાનાન્તર થવાની અને સેટલ થવાની પ્રક્રિયામાં લાગતો સમય, પરિવારની જવાબદારી, ઘણા સંજોગોમાં ભાષા પર પ્રભુત્વ ન હોવું, જરૂરી નેટવર્કનો અભાવ જેવા કારણો આ માટે જવાબદાર છે.
આ સાથે મોનીકા જણાવે છે કે મોટાભગના મારીગ્રન્ટ્સને પોતાની લાયકાત અને અનુભવ કરતા ઓછી અળવતવાળા કામોથી શરૂઆત કરવી પડે છે.
એ એમ ઈ એસ સાથે માઇગ્રન્ટ્સને મદદ કરવા ખાસ કાર્યક્રમ ચલાવનાર માર્ગારેટ ડેવિસનું કહેવું છે કે
" મને લાગે છે કે ઓસ્ટ્રેલિયન જોબ માર્કેટમાં ગોઠવાવા માટેના પ્રયત્નો જ ખરેખરો સંઘર્ષ છે. ઘણા લોકો આ માટે જે રેઝ્યુમે સાથે આવે છે તે ઓસ્ટ્રલિયાના ધોરણો પ્રમાણે નથી હોતા. ઘણા લોકો નોકરીની જાહેરખબરને ધ્યાનથી વાંચતા નથી અથવા તો ફક્ત વાંચવા ખાતર વાંચે છે, તો ઘણા લોકો જયારે નોકરી માટે અરજી કરે છે ત્યારે મહત્વની વિગતો યોગ્ય રીતે નોંધવાનું ભૂલી જાય છે." - માર્ગારેટ ડેવિસ, AMES
તેણી ઉમેરે છે કે નોકરીની શોધમાં રેઝ્યુમે ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ માટે દરેક જગ્યા માટે ખાસ રીતે રજૂઆત કરવી શીખવી જોઈએ. જે માટે નોકરીની જાહેરખબરમાંથી જ કેટલાક શબ્દો કે વિગતો લઇ શકાય, આ સાથે રેઝ્યુમેમાં વિગતો ટુ ધ પોઇન્ટ અને ટૂંકાણમાં લખવી, આપણી ઉપલબ્ધીઓ જણાવવી ખુબ જરૂરી છે. આ સાથે જ્યાં અરજી કરતા હોઈએ તે વ્યક્તિના નામ સાથે પ્રાસંગિક કવર લેટર જરૂરી છે. જરૂર પડે આપ વ્યાકરણ, સ્પેલિંગ અને અન્ય બાબતો તપાસવા કોઈની મદદ લઇ શકો છો.માર્ગારેટ ડેવિસ આ સાથે એમ પણ જણાવે છે કે એક વખત રેઝ્યુમેનો સ્વીકાર થાય અને ટેલિફોન પર સફળ વાતચીત થાય ત્યારબાદ સાક્ષાત ઇન્ટરવ્યૂ માટે તૈયાર રહેવું જરૂરી છે. આ માટે કંપની કે નોકરીદાતા અંગે જરૂરી રિસર્ચ કરવું, જે -તે જગ્યા માટે અરજ કરી હોય તે કામ અંગે પૂરતી જાણકારી મેળવવી, સંભવિત પ્રશ્નોના અસરકારક જવાબ આપવા પ્રેક્ટિસ કરવી વગેરે.
"કેન્દ્ર સરકાર વડે ચલાવવામાં આવતો " જોબ એક્ટિવ" કાર્યક્રમ નોકરીદાતા અને નોકરી શોધનારને જોડવાનું કાર્ય કરે છે"
આ કાર્યક્રમ અંગે વિગતે માહિતી આપતા વિક્ટોરિયાના રાજ્ય પ્રબંધક એડ્રીયન જેનકિન્સ જણાવે છે કે આ કાર્યક્રમ હેઠળ નોકરી શોધનાર મોટાભાગે સેન્ટરલિંક મારફતે તેમનો સમ્પર્ક કરે છે. અહીં એક કન્સલ્ટન્ટ તેમને જરૂરી માર્ગદર્શન આપે છે- નોકરી મેળવવા માટે કે ખાસ યોજના તૈયાર કરે છે. આ કાર્યક્મ મારફતે જો નોકરી શોધવા માટે કોઈ ખાસ સેવા કે ટ્રેનિંગ લેવાની જરૂર હોય તો તે પણ અમુક સંજોગોમાં પુરી પાડવામાં આવે છે. આ માટે કેટલીક શરતો છે. કેટલાક ક્ષેત્રોમાં નોકરીની ઘણી તકો છે જેમકે ફૂડ પ્રોસેસિંગ, વૃધ્ધોની સારવાર, ગાર્ડનિંગ, હેલ્થ કેર વગેરે.
તેઓ ઉમેરે છે કે મોટાભાગના નોકરી શોધનાર લોકો બહોળા નેટવર્કનું મહત્વ ઓછું આંકે છે. એ જાણવું રહ્યું કે ત્રીજા ભાગની નોકરીઓ જાહેરખબર વગર ભરવામાં આવે છે, કોઈના સંદર્ભ કે ભલામણ થી.