ઓસ્ટ્રેલિયામાં જી પી એટલેકે જનરલ પ્રેક્ટિશનરને શોધવા અઘરું કામ નથી, પણ વ્યક્તિની જરૂરત અને આદતોને સમજી શકે, અનુકૂળ સમયે તેમની મુલાકાત લઇ શકાય તેવા જી પીની સેવા લેવી હિતાવહ છે.
પોતાના મિત્ર - સંબંધીઓને પૂછવું
સારા જી પી માટે પોતાના મિત્ર, પરિવારજનો, સંબંધીઓ પાસે સૂચનો લઇ શકાય. તેઓ મદદરૂપ વિગતો પોતાના અનુભવોના આધારે જણાવશે.

Source: Flickr AMISOM Public Information (CC 1.0)
જો વ્યક્તિ અંગ્રેજી ન બોલી શકતી હોય તો?
ઓસ્ટ્રેલિયામાં ઘણા જી પી અંગ્રેજી સિવાયની ભાષા જાણે છે. આ માટે વ્યક્તિ ઈન્ટરનેટ પર સર્ચ કરી જાણકારી મેળવી શકે છે. જો વ્યક્તિના વિસ્તારમાં અંગ્રેજી સિવાયની ભાષા જાણનાર જી પી ન હોય તો, પોતાના સમુદાયના લોકો જે જી પી પાસે સેવા લેતા હોય ત્યાં તબીબી જરૂરત માટે જવું સલાહભર્યું છે, જેથી વ્યક્તિના સમુદાય અને આદતો અંગેની જાણકારી જી પી પાસે હોય.
જો વ્યક્તિ દુભાષિયા સેવા લેવા ઈચ્છે તો 131450 પર ફોન કરી શકે છે. આ સેવા નિઃશુલ્ક છે.
અન્ય જાણવા જેવી બાબત
વ્યક્તિની જરુરત પ્રમાણેના તબીબ એટલેકે જી પી મેળવવા ખુબ જરૂરી છે. જી પી ની સેવા લેતા પહેલા વ્યક્તિએ જાણવું જોઈએ કે સેવા બલ્ક બિલ છે કે નહિ, શું વ્યક્તિએ ગેપના પૈસા ભરવાના રહેશે કે નહિ, કેટલા પૈસા ભરવાના રહેશે. જો વ્યક્તિ પાસે નાણાં ભીડ હોય તો, બલ્ક બિલનો વિકલ્પ શ્રેષ્ઠ છે.
જી પી પસન્દ કરતા સમયે કેટલાક જરૂરી પ્રશ્નો:
- શું આપ બાળકોની તપાસ કરો છો ?
- શું આપ ઘરે તપાસ કરવા જાવ છો?
- જી પીની એપોઇન્ટમેન્ટ લેવી કેટલી સરળ છે?
- તાત્કાલિક - ઇમરજન્સી સંજોગોમાં શું કરવું ?
- વ્યક્તિના સ્વાસ્થ્ય અંગેના પરિણામ ની જાણકારી અંગે શું કરવું ?
- બલ્ક બિલિંગ પોલિસી ?
- શું કોઈ વિષયના તજજ્ઞ ડોકટરો છે?
આ સાથે વ્યક્તિ એ ડોક્ટરની ડિગ્રી માન્ય છે કે નહિ તે અંગે જાણકારી લેવી પણ જરૂરી છે. આ ડિગ્રી ઓસ્ટ્રેલિયન જનરલ પ્રેક્ટિસ એક્રેડિટેશન અથવા જનરલ પ્રેક્ટિસ ઓસ્ટ્રેલિયા દ્વારા માન્ય હોવી જરૂરી છે.

Source: AAP
એપોઇન્ટમેન્ટ લેવી
સામાન્ય રીતે વ્યક્તિએ જી પીની પસંદગી કર્યા બાદ નિયમિત રીતે એપોઇન્ટમેન્ટ લઇ ચકાસણી કરાવવી સલાહભર્યું છે. જો વ્યક્તિને જી પી સાથે સંવાદ કરવામાં કે અન્ય કોઈ બાબતે અનુકૂળ ન હોય તો આ અંગે વાત કરી શકાય છે અથવા નવા જી પી ની સેવા લઇ શકાય છે. સામાન્ય રીતે એકજ જી પી ની સેવા લેવી હિતકારી છે.