દરેક ઉર્જા વિક્રેતા વડે મોકલવામાં આવતા વીજળીના બિલની ફોર્મેટમાં સહેજ તફાવત હોઈ શકે, પણ આ અંગેની મૂળભૂત વિગતો તો સમાન જ રહે છે.
સૌથી મહત્વનું છે કે વ્યક્તિએ કેટલી રકમની ચુકવણી કરવાની છે અને આ ચુકવણી ક્યારે કરવાની છે.
દરેક બિલમાં જે - તે સમયગાળાના શરુ થવાની અને પૂર્ણ થવાની તારીખ લખેલી હોય છે. આ સાથે આ રકમ ક્યાં સુધી ચૂકવવી તેની તારીખ પણ સૂચવેલ હોય છે.
સામાન્ય રીતે વીજળીનું બિલ દર મહિને કે દર ત્રણ મહિને આવે છે. આ બિલની ચુકવણી માટે 13 દિવસ જેટલો સમય આપવામાં આવે છે. કેટલાક વિક્રેતા અમુક સમયમર્યાદામાં બિલ ચુકવણી કરવા બદલ રાહત પણ આપે છે.

Source: AAP Image/Brendan Esposito
બિલની ચુકવણી કેવી રીતે કરવી ?
બિલની ચુકવણી કરવાની વિવિધ રીતો છે:
-વ્યક્તિ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ વડે ફોન કે ઓનલાઇન ચુકવણી કરી શકે.
-ઓસ્ટ્રેલિયન પોસ્ટ ઓફિસમાં વીજળી બિલ ભરી શકાય છે. અહીં નિયમિત રીતે ઓછી રકમની ચુકવણી કરવા ઉર્જા વિક્રેતાનું પેમેન્ટ કાર્ડ પણ વાપરી શકાય છે.
-વ્યક્તિ પોતાના એકાઉન્ટમાંથી નિયમિત રીતે બિલની રકમ ડેબિટ થાય તેવી વ્યવસ્થા પણ કરી શકે છે.
-જો વ્યક્તિ સેન્ટરલિંક બેનિફિટ મેળવતી હોય, તો સેન્ટરલિંક તરફથી મળતી રકમમાંથી સીધી ચુકવણી કરવા સેન્ટરપેનો ઉપયોગ કરી શકે છે.
જો બિલની ચુકવણી સમયસર ન કરવામાં આવે તો?
જો વ્યક્તિ સમયસર બિલ ન ભરી શકે તો, કેટલાક વિકલ્પ ઉપલબ્ધ છે. આ વિકલ્પ જાણવા ઉર્જા વિક્રેતાનો તરત સમ્પર્ક કરવો.
ઓસ્ટ્રેલિયન ઉર્જા નિયમનના પ્રમુખ પૌલા કોનબોય જણાવે છે કે, " ઉર્જા વિક્રેતાએ બિલ ચુકવવામાં મુશ્કેલી અનુભવતા ગ્રાહકોને મદદ કરવી જરૂરી છે. આથી વ્યક્તિએ ઉર્જા વિક્રેતાને ફોન કરી ઉપલબ્ધ વિકલ્પો અંગે માહિતી મેળવવી જોઈએ."
તેઓ ઉમેરે છે કે, " ઉર્જા વિક્રેતા બિલ ચુકવવાની સમયસીમા વધારી શકે છે, વ્યક્તિને અનુકૂળ હોય તેવી રીતે પેમેન્ટ પ્લાન બનાવી શકે છે. જો વ્યક્તિ બિલ ચુકવણી કરવામાં ખૂબ મુશ્કેલી અનુભવતી હોય તો ઉર્જા વિક્રેતા તેમને હાર્ડશીપ કાર્યક્રમ અંતર્ગત મદદ કરી શકે છે. "

Source: Getty Images/MultifacetedGirl
જો બિલમાં ભૂલ હોય તો શું કરવું?
જો વ્યક્તિનું વીજળી બિલ સામાન્ય કરતા વધુ આવે અને ખાસ કારણ ન મળે તો વ્યક્તિએ પોતાના ઉર્જા વિક્રેતાનો સંપર્ક સાધવો અને આ અંગે રજૂઆત કરવી. વ્યક્તિ ઉર્જા વિક્રેતા કંપનીમાં જે અધિકારી સાથે વાતચીત કરે તેનું નામ અને તેમને જણાવેલ વિગતો નોંધી રાખવી.
આટલું કરવા છતાંય જો પ્રશ્ન હલ ન થાય તો વ્યક્તિ રાજ્ય ઉર્જા લોકપાલનો સમ્પર્ક કરી શકે છે. આ સેવાઓ નિઃશુલ્ક અને સ્વતંત્ર છે.
ઉર્જા વિક્રેતા અને રાજ્ય ઉર્જા લોકપાલનો સંપર્ક કરવા દરમ્યાન ઇન્ટરપ્રીટર અને ભાષાંતર સેવાનો ઉપયોગ કરી શકે છે. આ માટે નમ્બર છે 13 14 50.
જુદા જુદા રાજ્યોના લોકપાલની ઓફિસની સંપર્ક વિગતો : Victoria, New South Wales, Western Australia, Queensland, South Australia, Northen Territory, Australian Capital Territory અને Tasmania.

Anonymous hands using digital tablet to surf the net for better deals Source: Getty Images
વીજળીના ઉપયોગ પર નજર રાખવી
વીજળીના બિલ અંગે જાગૃત રહેવા વ્યક્તિએ નિયમિત રીતે વપરાશને મોનિટર કરવો જોઈએ. આ માટે વ્યક્તિ ઘરમાં એક મશીન લગાડી શકે છે અથવા દરરોજ વીજળી મીટરના આંકડા ચેક કરી અંદાજ લગાડી શકે છે.
આ ઉપરાંત ઘણા ઉર્જા વિક્રેતા દ્વારા આ માટે મોબાઈલ એપ અને ઓનલાઇન ટૂલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
સરકારની ઓસ્ટ્રેલિયન એનર્જી રેગ્યુલેટર'સની Energy Made Easy website પર વીજળીના બિલ અંગે ઉપયોગી માહિતી ઉપલબ્ધ છે.