કેન્સર સામેના મારા સંઘર્ષમાં મને સમજાયું કે મૃત્યુ તે એકદમ સરળ અને આરામદાયક હોય છે પરંતુ જીવન માટે લડવું એ ખૂબ જ કઠિન અને એક દુ:સ્વપ્ન સમાન હોય છે. મેં એ દુ:સ્વપ્નનો અનુભવ કર્યો છે. તેમ તાજેતરમાં જ જીવલેણ કેન્સરને હરાવીને એક નવી જિંદગીની શરૂઆત કરનારી અમદાવાદની સ્ટેફી મેકે જણાવ્યું હતું. સ્ટેફીએ ત્યાર બાદ પી.એચ.ડીની ડીગ્રી પ્રાપ્ત કરી, પોતાની YouTube ચેનલ “Can We Not” લોન્ચ કરી છે.
સ્ટેફી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં લેક્ચરર તરીકે કાર્ય કરે છે. તેણે SBS Gujarati સાથે કેન્સર અંગેની પોતાની લડત અને તેની સામેના વિજય અને ત્યાર બાદ જીવનમાં આવેલા પરિવર્તનો અંગે વાત કરી હતી.

વર્ષ 2013માં કેન્સર હોવાની જાણ થઇ
29 વર્ષની સ્ટેફીના જણાવ્યા પ્રમાણે, "ઓક્ટોબર 2013માં મને મોંમાથી લોહી નીકળતું હોવાની જાણ થઇ હતી. મેં તરત જ ડેન્ટિસ્ટ પાસે ચેક અપ કરાવ્યું. જોકે તેમાં કંઇ નહીં હોવાનું ડેન્ટિસ્ટે જણાવ્યું. જોકે મને લાગતું હતું કે આ કોઇ સામાન્ય બાબત નથી. મને તાવ તથા કફની પણ તકલીફ થઇ ગઇ હતી. મેં તરત જ ગૂગલ પર ચેક કર્યું અને તે કેમ થાય છે અને તેના લક્ષણો વિશે વિસ્તારથી અભ્યાસ કર્યો.
"મેં મારા માતા પિતાને તરત જ પરિસ્થિતી સમજાવી અને ઘણા રીપોર્ટ્સ કરાવ્યા ત્યાર બાદ મને જોખમી બ્લડ કેન્સર - લ્યૂકેમિયા હોવાની જાણ થઇ હતી."

નિદાન વખતે સ્ટેફીએ ઘણી માનસિક તથા શારીરિક રીતે ઘણી હિંમત દર્શાવી
સામાન્ય રીતે જો કોઇને કેન્સર હોવાનું માલૂમ પડે તો તેનો અડધો જુસ્સો તો ત્યાં જ પૂરો થઇ જાય છે. તે વ્યક્તિ માનસિક રીતે પડી ભાંગે છે પરંતુ સ્ટેફીએ હિંમત દર્શાવી અને તેનો બહાદુરી પૂર્વક સામનો કર્યો.
મને કેન્સર હોવાની જાણ થતા મને કોઇ આઘાત લાગ્યો નહોતો. હું માનસિક રીતે તૈયાર હતી. મને ખબર હતી કે આવનારા સમયમાં મારે ઘણી માનસિક તથા શારીરિક યાતનાઓનો સામનો કરવાનો છે. મારી જ્યારે સારવાર ચાલી રહી હતી ત્યારે પણ હું એક પણ વખત રડી નથી, જો હું રડી હોત તો પણ પરીસ્થિતિ બદલાવાની નહોતી. એટલે જ મેં મને થઇ રહેલી તકલીફો ક્યારેક વ્યક્ત કરી નહોતી.
સ્ટેફીએ ઘણી વખત પોતાને તથા માતાપિતાને સપોર્ટ આપ્યો
"ચેન્નાઇ નજીક આવેલા વેલ્લોર ખાતે મારી સારવાર ચાલી હતી. મેં માનસિક, મનોવૈજ્ઞાનિક તથા લાગણીઓને કાબુમાં રાખતા શીખી લીધું હતું. મારી સારવારના એક મહિનાની અંદર મારું વજન 60 કિલોગ્રામથી સીધું 38 કિલોગ્રામ થઇ ગયું હતું. હું 100 મીટર પણ ચાલી શકતી નહોતી પણ હું મજબૂત હતી. મને મારા માતા પિતામાંથી કોઇ એકને દિવસના માત્ર બે કલાક સુધી જ મળવાની પરવાનગી હતી. હું એક દિવસ માતા તો બીજા દિવસે પિતાને મળતી હતી. મેં મારા પિતાને ભેટવા માટે લગભગ બે મહિના જેટલો લાંબો ઇંતેજાર કર્યો છે." તેમ સ્ટેફીએ જણાવ્યું હતું.
"ઘણી વખત મેં એવા ફોર્મ પર સાઇન કરી છે કે જેની છેલ્લી લાઇનમાં એમ લખ્યું હોય કે, તમારું કદાચ મૃત્યું થઇ શકે છે."
કસરત દ્વારા પોતાને ફિટ રાખે છે
સ્ટેફી હવે પોતાને કસરત દ્વારા ફિટ રાખે છે. તે દરરોજ 30 મિનિટ જેટલી કસરત કરે છે. તે યોગા - પ્રાણાયમ પણ કરે છે અને હવે તેને પોતાના શરીરના અવયવો વધુ સારી રીતે કાર્ય કરતા હોય તેવો અનુભવ થાય છે.

પી.એચ.ડી પૂરું કર્યું, હવે બુક પણ લખી
જીવલેણ કેન્સરને બહાદુરી પૂર્વક હરાવ્યા બાદ સ્ટેફીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી શેક્સપીયર દ્વારા સંકટના સમયે થતી ભાષાના પ્રયોગ વિશે પી.એચ.ડી કર્યું હવે તે સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ ખાતે લેક્ચરર તરીકે કાર્યરત છે.
સ્ટેફીએ પોતાની કેન્સર સામેની લડત અંગેના અનુભવો દર્શાવતું એક પુસ્તક પણ લખ્યું છે અને તેણે તે બુકનું નામ " That Girl in the Black Hat" રાખ્યું છે કારણ કે કેન્સર સમયની તેની લડાઇમાં તે પોતાનું માથું ઢંકાયેલું રહે તે માટે હંમેંશાં કાળી ટોપી પહેરી રાખતી હતી.
YouTube ચેનલ શરૂ કરી
સ્ટેફીએ તાજેતરમાં જ "Can We Not" નામની YouTube ચેનલ લોન્ચ કરી છે. જેમાં તે લોકોને કેન્સર સામે કેવી રીતે લડવું તે નથી જણાવતી પરંતુ તે તેમના પરિવારજનો તથા તેમના માતાપિતાને એમ જણાવે છે કે કેવા કાર્યો કરીને તેઓ કેવી રીતે કેન્સરના દર્દીને મદદ કરી શકે છે.

