પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં ભારતના 40 જેટલા જવાનોના મૃત્યુ બાદ દેશ-વિદેશમાં તેમને શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ત્યારે ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટી20 મેચમાં પણ સીઆરપીએફ જવાનોને યાદ કરવામાં આવ્યા હતા.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ ટી20 મેચ અગાઉ બંને ટીમના ખેલાડીઓ તથા સ્ટેડિયમમાં ઉપસ્થિત પ્રેક્ષકોએ આત્મઘાતી હુમલામાં મૃત્યુ પામેલા સીઆરપીએફના જવાનોની યાદમાં બે મિનિટનું મૌન પાળ્યું હતું.
આ ઉપરાંત ભારતીય ટીમના ખેલાડીઓએ જવાનોના માનમાં કાળા રંગની પટ્ટી બાંધીને મેચ રમી હતી.
મેચ અગાઉ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભારતના સુકાની વિરાટ કોહલીએ જવાનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પુલવામામાં બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા જવાનો તથા તેમના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું.
દેશ-બોર્ડ નક્કી કરે તેમ કરીશું : કોહલી
પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદે લીધી હોવાથી ભારત તથા પાકિસ્તાન સરકાર વચ્ચેના સંબંધો વણસ્યા છે અને ભારતે ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરવો જોઇએ તેવી ભૂતપૂર્વ ખેલાડીઓએ માંગ કરી છે. જેના જવાબમાં ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં રમવા અંગે સરકાર તથા બીસીસીઆઇ જે નક્કી કરશે તેમના નિર્ણયને અમે સ્વીકારીશું.
ઉલ્લેખનીય છે કે, ભારત તથા પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાય વર્ષોથી દ્વીપક્ષિય ક્રિકેટ શ્રેણીનું આયોજન થતું નથી અને બંને દેશો ફક્ત આઇસીસીની કોઇ મોટી ટૂર્નામેન્ટમાં જ એકબીજા સામે ટકરાય છે. ભારત તથા પાકિસ્તાનનો આગામી મુકાબલો જૂન મહિનામાં રમાનારા ક્રિકેટ વર્લ્ડ કપમાં થવાનો છે પરંતુ પુલવામામાં બનેલી ઘટના બાદ તે મેચ પર સંકટના વાદળો ઘેરાયા છે.

India's captain Virat Kohli signals to the crowd to maintain silence while paying tributes to the CRPF soldiers ahead of the match. Source: AP
બીસીસીઆઇને ખેલાડીઓની સુરક્ષાની ચિંતા
બીસીસીઆઇએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને પત્ર લખીને વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ભારતીય ક્રિકેટ ટીમની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બીસીસીઆઇએ પત્રમાં લખ્યું હતું કે આતંકવાદ પ્રેરનારા દેશોને રમતથી દૂર કરવામાં આવે.
આઇપીએલનો ઓપનિંગ સેરેમની નહીં યોજાય
આઇઓસીએ ભારતને યજમાનીની યાદીમાંથી સસ્પેન્ડ કર્યું
ભારતમાં યોજાઇ રહેલા શૂટિંગ વર્લ્ડ કપમાં પાકિસ્તાનના બે શૂટર્સને વિસા ન આપવાના મામલે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિએ ભારતને કોઇ પણ ટૂર્નામેન્ટના આયોજનમાંથી સસ્પેન્ડ કરી દીધું છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિના જણાવ્યા પ્રમાણે, જ્યાં સુધી ભારતીય સરકાર કોઇપણ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહેલા તમામ ખેલાડીઓને વિસા આપવાનું વચન નહીં આપે ત્યાં સુધી ભારતને ટૂર્નામેન્ટનું આયોજન નહીં સોંપાય.
ભારતમાં રમાઇ રહેલા શૂટિંગ વર્લ્ડ કપમાં પાકિસ્તાનના બે શૂટર્સ મેન્સ 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં ભાગ લઇ રહ્યા હતા પરંતુ બંને દેશ વચ્ચેના સંબંધો વણસ્યા બાદ પાકિસ્તાનના બે શૂટર્સને ભારતીય સરકારે વિસા આપ્યા નહોતા. જેના કારણે તેઓ ભાગ લઇ શક્યા નહોતા.
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટિએ જણાવ્યું હતું કે, કોઇ પણ દેશના ખેલાડીને સ્પર્ધામાં ભાગ લેવાથી રોકવો તે ઓલિમ્પિક ચાર્ટરની વિરુદ્ધ છે.

The IOC headquarter in Lausanne, Switzerland. Source: AAP Image/EPA/SALVATORE DI NOLFI / POOL
બીજી તરફ, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનના સેક્રેટરી રાજીવ મેહતાએ રોઇટર્સને જણાવ્યું હતું કે, અમે સતત સરકારના સંપર્કમાં છીએ અને તેમને ખેલાડીઓને વિસા આપવા માટે સમજાવી રહ્યા છીએ. જો ભારતમાં કોઇ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ નહીં રમાય તો એ દેશ માટે ખૂબ જ નિરાશાજનક રહેશે.
ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીના આ નિર્ણય બાદ ભારતની 2026 યુથ ઓલિમ્પિક્સ, 2030 એશિયન ગેમ્સ તથા 2032 ઓલિમ્પિક ગેમ્સ યોજવાની દાવેદારીને ઝટકો લાગ્યો છે.
Share

