સિડનીના પશ્ચિમમાં આવેલા હેરિસ પાર્કની કેટલીક સ્ટ્રીટ્સને એક નવી ઓળખ મળવા જઇ રહી છે.
સિટી ઓફ પેરામેટા કાઉન્સિલે ભારતીય ખાણી-પીણી તથા ચીજવસ્તુના વેચાણ માટે જાણિતી હેરિસ પાર્કની કેટલીક સ્ટ્રીટ્સને 'લિટલ ઇન્ડિયા' નામ આપવાનું નક્કી કર્યું છે.
આ અંગે સિટી ઓફ પેરામેટા કાઉન્સિલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હેરિસ પાર્ક વિસ્તારમાં લગભગ 20થી પણ વધુ રેસ્ટોરન્ટ્સ કાર્યરત છે. અને, આ વિસ્તાર ભારતીય ખાણીપીણી માટે સમગ્ર શહેરમાં ખૂબ જ જાણિતો છે.
અહીંના વેપાર - ઉદ્યોગોને નવી ઓળખ તથા પ્રવાસીઓ અહીં મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત થાય તે માટે વિસ્તારની કેટલીક સ્ટ્રીટ્સનું નામ લિટલ ઇન્ડિયા આપવાનું નક્કી કર્યું છે.

Harris Park suburb in western Sydney. Source: Supplied by Hitesh Patel
કઇ સ્ટ્રીટ્સને નવી ઓળખ મળશે
હેરિસ પાર્ક વિસ્તારમાં આવેલી મેરિયન સ્ટ્રીટ, વિગરમ સ્ટ્રીટ તથા સ્ટેશન સ્ટ્રીટ ઇસ્ટને છ મહિનાના કેમ્પેઇન અંતર્ગત લિટલ ઇન્ડિયા નામ આપવામાં આવ્યું છે.
નામ નક્કી કર્યા અગાઉ કાઉન્સિલે સ્થાનિક વેપાર ઉદ્યોગો અને રહેવાસીઓ તરફથી તેમના મંતવ્યો મંગાવ્યા હતા. જેમાં 80 ટકાથી વધુ લોકોએ હેરિસ પાર્કની અમુક સ્ટ્રીટ્સને લિટલ ઇન્ડિયા નામ કરવાની બાબતને સમર્થન આપ્યું હતું.
આ અંગે લિટલ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રેસિડેન્ટ ગુરમિત તુલીએ SBS Gujarati ને જણાવ્યું હતું કે, હેરિસ પાર્કના સ્થાનિક વેપાર - ઉદ્યોગો વિસ્તારને ભારતીય ઓળખ મળે તે માટે છેલ્લા 5 વર્ષથી પ્રયત્ન કરી રહ્યા હતા. જેનો આખરે સ્વીકાર થયો છે.
સિટી ઓફ પેરામેટા કાઉન્સિલે છેલ્લા કેટલાક વર્ષોમાં અહીંના વેપાર - ઉદ્યોગોએ જે પ્રમાણે કામગીરી કરી છે તેને બિરદાવી છે અને તેના ભાગરૂપે મેરિયન સ્ટ્રીટ, વિગરમ સ્ટ્રીટ તથા સ્ટેશન સ્ટ્રીટ ઇસ્ટને લિટલ ઇન્ડિયા તરીકે ઓળખ આપવાનું નક્કી કર્યું છે.
આગામી સમયમાં હેરિસ પાર્ક વિસ્તારને ભારતીય ઓળખ મળે તે માટે ઇન્ડિયા ગેટ બનાવવાનું આયોજન હોવાનું ગુરમીત તુલીએ ઉમેર્યું હતું.
હેરિસ પાર્કમાં રહેતા ભારતીય સમુદાયે પણ આ નિર્ણયને આવકાર્યો છે. છેલ્લા 12 વર્ષથી હેરિસ પાર્ક વિસ્તારમાં રહેતા હિતેશ પટેલે જણાવ્યું હતું કે, હેરિસ પાર્કનું નામ 'લિટલ ઇન્ડિયા' કરવામાં આવ્યું છે તે ભારતીય સમુદાય માટે આ ખૂબ જ ગર્વની વાત છે.

Marion, Wigram and Station Street East in Harris Park will be branded as 'Little India'. Source: Supplied by Gurmeet Tuli
ઓસ્ટ્રેલિયાના કોઇ શહેરના એક વિસ્તારને ભારતીય નામ આપવામાં આવે તે ખૂબ જ સરાહનીય છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસે આવતા પ્રવાસીઓ હેરિસ પાર્કની મુલાકાત લેશે અને તેનાથી આ વિસ્તારના વેપાર - ઉદ્યોગોને લાભ થશે તેમ હિતેશ પટેલે જણાવ્યું હતું.