ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચમાં ભારતીય ટીમનો 18 રને પરાજય થયો હતો અને તે સાથે જ ભારતનું ત્રીજી વખત વિશ્વ ચેમ્પિયન બનવાનું સપનું રોળાઇ ગયું હતું.
ભારતે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 10 ટીમોની ટૂર્નામેન્ટના લીગ તબક્કામાં સાત મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું પરંતુ બુધવારે પૂરી થયેલી સેમિફાઇનલ મેચમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય થતાં તે ટૂર્નામેન્ટમાંથી બહાર થયું હતું.
Image
ભારતીય ટીમ બહાર થતાં સમગ્ર ભારત દેશ સહિત વિશ્વમાં ફેલાયેલા ટીમના પ્રશંસકો નિરાશ થયા હતા પરંતુ તેમણે ટીમ ઇન્ડિયાને ખરાબ સમયમાં પણ સમર્થન આપ્યું હતું.
ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય ટીમના સમર્થક જય પરીખે જણાવ્યું હતું કે, "ભારતીય ટીમ ભલે વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગઇ હોય પરંતુ તેમણે સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સેમિફાઇનલ મેચમાં ભારતનો પરાજય થવો એ થોડું નિરાશાનજક રહ્યું હતું પરંતુ આ મુશ્કેલ સમયમાં પણ ભારતીય ટીમને સમર્થન આપવું જરૂરી છે."
બીજી તરફ, ટીમ ઇન્ડિયાના એક પ્રશંસક જીલ પટેલના મત પ્રમાણે, "સેમિફાઇનલ મેચમાં ભારતનું હારવું ઘણું દુ:ખદ છે. ભારતીય ટીમના તમામ ખેલાડીઓએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું."
"સેમિફાઇનલ મેચમાં રવીન્દ્ર જાડેજા અને ધોનીએ લડાયક ઇનિંગ્સ રમી હતી પરંતુ ટોચના બેટ્સમેનોના આઉટ થવાના કારણે ભારત પર દબાણ વધી ગયું હતું."
સિડની સ્થિત ક્રિકેટ અમ્પાયર અને ભારતીય ટીમના સમર્થક ચિન્મય મહેતાએ જણાવ્યું હતું કે, "હાર અને જીત તો રમતનો એક ભાગ છે, સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારત કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું ભારતીય ટીમના સમર્થકોએ એ સ્વીકારવું પડશે. ટીમે સમગ્ર ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ફેન્સને કેટલીય યાદગાર ક્ષણો આપી છે. ખરાબ સમયમાં પણ ટીમે પ્રોત્સાહિત કરવી જરૂરી છે."
45 મિનિટમાં જ મેચ હાર્યા : કોહલી
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સેમિફાઇનલમાં ટીમના પરાજય બાદ જણાવ્યું હતું કે, ભારતીય ટીમ પ્રથમ 45 ઓવરમાં કરેલી ખરાબ બેટિંગના કારણે જ મેચ હારી ગઇ હતી. 240 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતની શરૂઆત નબળી રહી હતી અને ટીમે ટોચના ત્રણ બેટ્સમેનો પાંચ રનમાં જ ગુમાવ્યા હતા.
"લીગ તબક્કામાં પ્રથમ સ્થાને રહ્યા બાદ સેમિફાઇનલ મેચમાં પરાજય થવો એ ખરેખર નિરાશાજનક છે," તેમ કોહલીએ જણાવ્યું હતું.
ભારતીય ટીમને ટ્વીટર પર સમર્થન
ભારતીય ટીમ સેમિફાઇનલમાં પરાજિત થઇ ત્યાર બાદ ટ્વીટર પર ટીમને પ્રોત્સાહિત કરતી હોય તેવી ટ્વીટ્સ જોવા મળી હતી. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ સહિતની જાણીતી વ્યક્તિઓએ ટ્વીટ દ્વારા ટીમને સમર્થન આપ્યું હતું.