તાજેતરમાં ગુજરાતના સુરત શહેરમાં બનેલી આગની ઘટનામાં લગભગ 22 જેટલા બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા બાદ ગુજરાત સરકારે પગલાં લેવાનું શરૂ કર્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉચ્ચ અધિકારીઓની એક બેઠક બોલાવી હતી અને તેમાં ઘટનાની સમીક્ષા કરીને અનેક નિતીમાં જડમૂળથી ફેરફાર કરવાનું નક્કી કર્યું છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે સુરતમાં બનેલી આગની ઘટનામાં ક્લાસિસમાં અભ્યાસ કરતા બાળકો આગની લપેટમાં આવીને મૃત્યુ પામ્યા હતા. ઘટનાની પ્રાથમિક તપાસમાં સરકારી પ્રણાલીઓ, કાર્યપધ્ધતિઓ અને નીતિમાં કચાશ રહી ગઇ હોવાનું બહાર આવ્યું હતું. આગના કારણે લોકોએ સરકારની નીતિઓને જવાબદાર ગણી હતી.
ગુજરાત સરકારે જવાબદારી સ્વીકારીને પોતાની નીતિઓમાં જડમૂળથી ફેરફાર કરવાનું નક્કી કર્યું છે.
શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ મુકેશ પૂરીએ જણાવ્યું હતું કે, જાહેરાતો માટે વપરાતા ફ્લેક્ષ-બેનર અત્યંત જ્વલનશીલ હોવાથી તેના ઉપયોગ પર અંકુશ લાવવા માટે નવા નીતિ નિયમો ઘડાશે.
જેમાં બેનર્સનું કદ, તેની બનાવટમાં વપરાતી સામગ્રી અને મકાનથી તેના અંતર, બેનર્સને ઝળહળતા રાખવા માટે તેમાં મૂકાતા બલ્બ્સ વિશે પણ કેટલાક નિયમો ઘડવામાં આવશે.
વિજળીના વપરાશ અંગે પણ સુધારા
વિજળીની જરૂરિયાત સામે તેની ક્ષમતા અંગે પણ નીતિ જાહેર કરવામાં આવશે. સુરતની ઘટનામાં તક્ષશીલા ઇમારતમાં વિજળીના વપરાશ સામે ઓછી ક્ષમતાનું કનેક્શન હોવાનું બહાર પડ્યું છે. ક્ષમતા કરતા વધુ વિજળી ખેંચાતા સ્પાર્ક થયો અને ગણતરીની મીનિટોમાં જ આગી હતી.

Indians holds candles during a candle march to pay tribute to the victims of deadly fire in Surat, in Ahmadabad, India. Source: AAP Image/AP Photo/Ajit Solanki
NOC લેવું ફરજિયાત
અગાઉ ગ્રાઉન્ડ ફ્લોર કે ઓછી ઉંચાઇ ધરાવતી ઇમારતોએ નો-ઓબ્જેક્શન સર્ટિફીકેટ (NOC) લેવાની જરૂર નહોતી પરંતુ સુરતમાં બનેલી ઘટના બાદ સરકારે હવે કોઇ પણ મકાન, શાળા, દવાખાના, કોચિંગ ક્લાસ, થિયેટર, કમ્યુનિટી હોલના માલિકોએ નો-ઓબ્જેક્શન સર્ટિફીકેટ લેવું પડશે. હાલમાં, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના ગુજરાતના મહાનગરોમાં ફાયર સેફ્ટીનો અભાવ ઘરાવતી ઇમારતો સીલ કરવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં ગુજરાતમાં 800થી વધુ ઇમારતોને સીલ કરવાની કામગીરી હાથ ધરાઇ છે.
વિવિધ શહેરોમાં શ્રદ્ધાંજલિ સભા-કેન્ડલ માર્ચનું આયોજન
સુરતમાં બનેલી આગની ઘટનામાં ભોગ બનેલા નિર્દોષોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાતના વિવિધ શહેરોમાં શ્રદ્ધાંજલિ સભા તથા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં યોજાયેલી કેન્ડલ માર્ચમાં સેંકડો બાળકો - વડીલોએ ભાગ લીધો હતો અને મૌન પાળીને ભોગ બનેલા બાળકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Share


