ન્યૂ સાઉથ વેલ્સમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને રાજ્યના રહેવાસીઓને આગામી સમયમાં હજી પણ ભારે વરસાદ તથા પૂરનો સામનો કરવો પડે તેવી ચેતવણી આપવામાં આવી છે.
રાજ્યમાં આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મંગળવારે બપોરે લિસ્મોર ખાતે એક ઘરમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.
ન્યૂ સાઉથ વેલ્સનો સૌથી મોટો પાણીનો સ્ત્રોત વારાગમ્બા ડેમ ક્ષમતા કરતા પાણીની વધુ આવક થતા વહેલી સવારે 3 વાગ્યે ભરાઇ ગયો હતો.
રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સિડની તથા તેની આસપાસના વિસ્તારોમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. રીચમંડ પાસે હૉક્સબરી - નેપીયનમાં પણ પાણી ભરાઇ ગયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
ગ્રેટર સિડની, મિડ નોર્થ કોસ્ટ, સેન્ટ્રલ કોસ્ટ, ઇલાવારા, સાઉથ કોસ્ટ તથા ક્યુયનબેયાન વિસ્તારોમાં પાણીના સ્તર પર નજર રાખવામાં આવી રહી છે.
હવામાન વિશેષજ્ઞ જેક્સન બ્રાઉને જણાવ્યું હતું કે, અગાઉ મંગળવારે મોડીરાત્રે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, તે હજી પડ્યો નથી.
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બુધવારે સાંજે અથવા ગુરુવારે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે આગાહી કરી છે, કે સિડનીમાં ગુરુવારે 50થી 70 મિલીમીટર વરસાદ પડી શકે છે. અને, પ્રેશર તાસ્માન સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે.

Flooding is seen in Chinderah, Northern NSW, Tuesday, March 1, 2022. More severe weather is expected along the NSW coast. Source: AAP
જોકે, વિભાગે અગાઉ દૈનિક 150થી 200 મિલીમીટર વરસાદની આગાહી વ્યક્ત કરી હતી તેને ઘટાડીને 100થી 150 મિલીમીટર કરવામાં આવી છે. પરંતુ, દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન, તીવ્ર માત્રામાં વરસાદ પડે તેવી ચેતવણી જાહેર કરી છે.
પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નોધર્ન ન્યૂ સાઉથ વેલ્સના વિસ્તારોમાં લગભગ 170 શાળાઓ બંધ કરવામાં આવી છે. જેમાં 130 સરકારી શાળાઓ, 28 સ્વતંત્ર શાળાઓ, 21 કેથલિક સ્કૂલ્સનો સમાવેશ થાય છે, તેમ શિક્ષણ મંત્રી સારાહ મિચેલે જણાવ્યું હતું.
મદદ માટે 2200 જેટલા કોલ્સ
ન્યૂ સાઉથ વેલ્સ સ્ટેટ ઇમર્જન્સી સર્વિસ કમિશ્નલ નિકોલ હોગને જણાવ્યું હતું કે, એક જ રાત્રીને રાહત બચાવ માટે લગભગ 2200થી વધુ કોલ્સ નોંધવામાં આવ્યા હતા. ફસાયેલા 300 લોકોને બચાવવામાં આવ્યા હતા.
કિયામામાં ભૂસ્ખલન, દરિયામાં સ્વિમીંગ સામે ચેતવણી
ન્યૂ સાઉથ વેલ્સના સાઉથ કોસ્ટ વિસ્તારમાં કિયામા પાસે પ્રિન્સેસ હાઇવે પર ભૂસ્ખલન થતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે.
આ ઉપરાંત, લોકોને ક્વિન્સક્લિફ અને મેનલીના દરિયાઇ વિસ્તારો, તથા પૂર્વમાં તમારામા, બ્રોન્ટ, કૂજી તથા મલાબાર બિચમાં તરવા નહીં જવા સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગના વિશેષજ્ઞોએ અઠવાડિયાના અંત સુધીમાં સિડનીમાં વરસાદ ઓછો થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે.
પૂરમાં તાત્કાલિક મદદ માટે NSW State Emergency Service (SES) નો 132 500 પર સંપર્ક કરો.