બિગબેશ ટી20 ક્રિકેટ લીગની મેલ્બોર્ન સ્ટાર્સ ટીમ મેલ્બોર્નમાં વસતા વિવિધ સમાજના લોકો માટે મેલ્બોર્ન સ્ટાર્સ લીગનું આયોજન કરી રહી છે જેમાં વિવિધ સમાજના લોકોને પોતાના દેશની ટીમનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે.
મેલ્બોર્ન સ્ટાર્સ દ્વારા યોજાનારી આ ટૂર્નામેન્ટમાં મેન્સ અને વિમેન્સની કુલ સાત ટીમો ભાગ લેશે. મેન્સ માટે ટી20 ટૂર્નામેન્ટ રમાશે જ્યારે વિમેન્સ માટે ટી20 મેચ રમાશે. સ્પર્ધામાં ગ્રીસ, અફઘાનિસ્તાન, નેપાળ, શ્રીલંકા તથા ભારત એકબીજા સામે ટકરાશે.
ટૂર્નામેન્ટ અંગે વાત કરતા મેલ્બોર્ન સ્ટાર્સના સીઇઓ ક્લિન્ટ કૂપરે SBS Gujarati ને જણાવ્યું હતું કે, "આ લીગ દ્વારા ઓસ્ટ્રેલિયાના મેલ્બોર્ન શહેરમાં વસતા વિવિધ સમાજના લોકોને પોતાના મૂળ દેશની ટીમનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે."

Cricket Victoria's Multicultural Participation officer Hussain Hanif addressing players of various communities . Source: Melbourne Stars
"આ વખતે સૌ પ્રથમ વખત વિમેન્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે."
"મેલ્બોર્ન સ્ટાર્સ હાલમાં પાંચ કમ્યુનિટીના લોકોને જોડીને ટૂર્નામેન્ટનું આયોજન કરી રહી છે અને ભવિષ્યમાં તેમાં વધારે ટીમોનો સમાવેશ કરવામાં આવે તેવું આયોજન છે."
ભારત, શ્રીલંકા, અફઘાનિસ્તાનમાં ક્રિકેટ ઘણું લોકપ્રિય છે અને અહીં વસતા તે દેશોના લોકોમાં પણ તેની લોકપ્રિયતા છે. પરંતુ ટૂર્નામેન્ટમાં ગ્રીસના સમાવેશ અંગે ઓસ્ટ્રેલિયા હેલેનીક ક્રિકેટ ફેડરેશનના પ્રમુખ નિક હેટ્ઝોગ્લુએ જણાવ્યું હતું કે, "ગ્રીક સમાજ પાસે વિક્ટોરીયામાં ક્રિકેટ ક્લબ છે અને તે વિવિધ સ્થાનિક ક્રિકેટ ક્લબમાં ભાગ લે છે."
"ગ્રીક સમાજ ઓસ્ટ્રેલિયામાં લગભગ 50 વર્ષથી રહે છે અને તેમની ત્રીજી તથા ચોથી પેઢીના બાળકોને ક્રિકેટ પ્રત્યે લગાવ છે. તેઓ યોગ્ય માર્ગદર્શન દ્વારા ક્રિકેટમાં ઘણી સફળતા મેળવી રહ્યા છે અને જુદી જુદી ટૂર્નામેન્ટ્સમાં રમે છે."
"આ તમામ ક્રિકેટર્સનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે, ઘણા ક્રિકેટર્સ રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવે તેવી પ્રતિભા ધરાવે છે. મેલ્બોર્ન સ્ટાર્સ તથા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં રમી રહેલો માર્કસ સ્ટોઇનીસ તેમાનો એક ખેલાડી છે," તેમ નીકે ઉમેર્યું હતું.
ટૂર્નામેન્ટના ફોર્મેટ વિશે ક્રિકેટ વિક્ટોરીયાના મલ્ટીકલ્ચરલ પાર્ટીશિપેશન ઓફિસર હુસૈન હનીફે જણાવ્યું હતું કે, "સ્પર્ધામાં પાંચ દેશોની સાત ટીમો ભાગ લેશે. અત્યારે વિમેન્સ ક્રિકેટની લોકપ્રિયતા વધી રહી છે તેથી આ વર્ષે મેલ્બોર્ન સ્ટાર્સ ટીમ દ્વારા વિમેન્સ માટેની સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે. જેમાં ભારત, નેપાળ તથા શ્રીલંકાના ખેલાડીઓ ભાગ લઇ શકશે."

Players from various communities taking part in the selection trials. Source: Melbourne Stars
"જો કોઇ પણ મહિલાએ અગાઉ ક્યારેય પણ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ ન લીધો હોય તો આ તેમના માટે એક ઉત્તમ તક છે," તેમ હુસૈને ઉમેર્યું હતું.

Female players from various communities taking part in the selection trials. Source: Melbourne Stars
સ્પર્ધાનો કાર્યક્રમ
મેન્સ કાર્યક્રમ
4થી નવેમ્બર 2018
11મી નવેમ્બર 2018
વિમેન્સ કાર્યક્રમ
18મી નવેમ્બર 2018
મેલ્બોર્ન સ્ટાર્સ ક્રિકેટ લીગની વિમેન્સ ફાઇનલ 15મી ડિસેમ્બર તથા મેન્સ ફાઇનલ 16મી ડિસેમ્બર 2018ના રોજ રમાશે.