સુન્ની મુસ્લિમ સમાજમાં વધુ પ્રચલિત એવી ટ્રિપલ તલાક પ્રથાને અદાલતે ગેરબંધારણીય જાહેર કરી છે. લાંબા સમયથી ચાલતા આ કાનૂની વિવાદ પર પાંચ અલગ અલગ ધર્મના ન્યાયાધીશોની બનેલી ખંડપીઠે મંગળવારે એનો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદો જો કે સર્વાનુમતે નહોતો, પણ ત્રણ વિરુદ્ધ બેની બહુમતીએ આવ્યો હતો.
કુલ ૩૯૫ પાનાંના જજમેન્ટમાં કોર્ટે કહ્યું હતું કે ત્રણ વાર તલાક બોલીને પત્નીને છૂટાછેડા આપી દેવાની પ્રથા ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનના સિદ્ધાંતની વિરુદ્ધ છે અને એને બંધારણનું સમર્થન હોઈ ન શકે કે માનવીના મૂળભૂત અધિકાર તરીકે પણ એની માંગણી માન્ય રાખી શકાય નહીં. ન્યાયમૂર્તિઓએ નોંધ્યું હતું કે દુનિયાના મોટા ભાગના દેશમાં ટ્રિપલ તલાકની પ્રથા અસ્તિત્વમાં નથી.
સર્વોચ્ચ અદાલતના અત્યારના વડા ન્યાયાધીશ જે. એસ. ખેહર પોતે શીખ છે. દેશના ઇતિહાસમાં પહેલી વખત બન્યું કે કોઈ બંધારણીય મુદ્દા પર ચુકાદો આપવા વડા ન્યાયમૂર્તિએ પાંચ જુદા જુદા ધર્મ કે સંપ્રદાયના જજની ખંડપીઠ બનાવી હતી. એમાં જસ્ટિસ ખેહર ઉપરાંત હિંદુ , મુસ્લિમ, પારસી તથા ખ્રિસ્તી ધર્મના એક એક ન્યાયાધીશનો સમાવેશ હતો. વડા ન્યાયમૂર્તિ ઉપરાંત જસ્ટિસ અબ્દુલ નઝીરે નોંધ્યું હતું કે ટ્રિપલ તલાક એ સદીઓ પુરાણી પ્રથા છે અને મુસ્લિમ સમાજની પરંપરાનો એક હિસ્સો હોઈ એમાં કશું ગેરબંધારણીય નથી.
આ બંને ન્યાયાધીશોએ હાલ પૂરતા છ મહિના આ પ્રથા પર પ્રતિબનધ મૂકી એ ગાળામાં કેન્દ્ર સરકાર એક કાયદો ઘડી નાખે એવું સૂચન કર્યું હતું. જો કે બીજા ત્રણ ન્યાયમૂર્તિઓએ એમનું સૂચન અમાન્ય રાખ્યું હતું અને કહ્યું કે ટ્રિપલ તલાકની પ્રથા થી મુસ્લિમ પુરુષોને યોગ્ય કારણ વગર પણ પત્ની સાથેના વૈવાહિક સંબંધ તોડી નાખવાનો અબાધિત અધિકાર મળી જાય છે અને આ જોગવાઈ સ્ત્રીઓ માટે સદંતર અન્યાયકારક છે. ખંડપીઠમાં ખ્રિસ્તી ધર્મનું પ્રતિનિધિત્વ કરનારા ન્યાયમૂર્તિ જોસેફે કહ્યું હતું કે ટ્રિપલ તલાકને કુરાનની પણ માન્યતા હોવાનું જણાતું નથી અને એ કારણે આ પ્રથાને કોઈ ધર્મના મૂળભૂત અધિકાર તરીકે ખપાવી શકાય નહીં.
આમ તમામ દલીલો અને નયાયધીશોના મંતવ્ય પછી ત્રણ વિરુદ્ધ બે મતે ટ્રિપલ કે ત્રિવાર તલાકને ગેરકાયદે જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રથા સામે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરનારા મુસ્લિમ સંગઠનોએ કોર્ટના ચુકાદા બાદ મીઠાઈ વહેંચી હર્ષ વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચુકાદાને મુસ્લિમ સ્ત્રીઓ માટેની નવી સવાર સમાન લેખાવ્યો હતો. નવાઈ લાગે તેવી વાત એ છે કે હજી હમણાં સુધી આ પ્રથા સામે મુસ્લિમ સમાજમાં જાગૃતિ લાવવા પોતે પ્રયાસ કરશે એવું જાહેર કરનારા કેટલાક આગેવાનો અને મૌલવીઓએ સર્વોચ્ચ અદાલતના ચુકાદાનું પાલન કરવામાં અડચણ આવશે એમ જણાવ્યું હતું.
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આ ફેંસલા સામે પોતાનું હવે પછીનું વલણ ઠેરવવા માટે આવતા પખવાડિયે ભોપાલમાં એક બેઠક બોલાવવાની જાહેરાત કરી છે.
Share

