ઉન્નાવ અને કઠુઆમાં રેપનો કિસ્સો હજી તાજો જ છે, આ બે કિસ્સાને કારણે દેશભરમાં લોકોમાં મહિલા સલામતીને મામલે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે સુરતમાં એક માસૂમ બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યા બાદ તેણીનું મોઢું અને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. પ્રિયંકાગ્રીન પાર્ક રોડ ઉપર સાઇમોહન આવાસ પાસેથી 6 એપ્રિલના રોજ વહેલી સવારે બાળાનો મૃતદેહ મળી આવ્યો હતો. આજદિન સુધી આ બાળકીની ઓળખ થઈ શકી નથી. ત્યારે જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશની ઘટનાઓને પગલે હવે સુરતના રહીસો આ બાળકીને ન્યાય અપાવવા રસ્તા પર આવ્યા છે, તેના માટે કેમ્પેઈન શરૂ કરાયું છે.
સુરતમાં પાંડેસરામાં થોડા દિવસો અગાઉ રેપ કરેલી બાળકીની લાશ મળી આવી હતી. લગભગ સાડા છ વાગ્યાના અરસામાં કોઇ રાહદારીની નજર આ બાળકી ઉપર પડી હતી. શરીરે ઇજા હોવાથી તેના ઉપર કોઇએ હુમલો કર્યાની આશંકા સાથે લોકોએ પહેલા ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી. સ્થાનિક અખબારોના સમાચાર મુજબ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું હતું. આ ઉપરાંત બળાત્કાર દરમિયાન કે અગાઉ માસૂમ સાથે મારપીટ કરવામાં આવી હતી. બાળકીના શરીર પરથી 86 જેટલા ઈજાના નિશાન મળી આવ્યા છે. જેમાં પ્રાઈવેટ પાર્ટ પર પણ ઈજા નિશાન મળી આવ્યા છે.
પાંડેસરા પોલીસે હત્યા, બળાત્કાર અને પોસ્કો મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. નવ દિવસ વિતી ગયા છતાં આરોપીઓ કે બાળકીની હજુ ઓળખ નથી થઈ શકી. આ બાળકીની ઓળખ કરવા માટે પોલીસે ત્રણ રાજ્યોમાંથી ગુમ થયેલી 8,000 બાળકીની તસવીર જોઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે શહેર પોલીસે 1,200 જેટલાં પોસ્ટર્સ અલગઅલગ જગ્યાએ - ટ્રેનમાં, રેલવે સ્ટેશન વગેરે પર લગાવ્યાં છે.
પોલીસ માટે પડકારરૂપ આ ગુનાની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપી હોવાનું કહી પોલીસ કમિશનર સતીશ શર્માએ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, આ બાળકી સંભવત: ઓરિસ્સા અથવા બંગાળની હોવાની શક્યતાને ધ્યાને લઈ આ બન્ને રાજ્યોમાંથી ગુમ થયેલી બાળકી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. બાળકીની માહિતી માટે 9081991100 નંબર પણજાહેર કરાયો છે. પોલીસ દ્વારા આ અંગે કોઈ માહિતી પોલીસને આપનારને રૂપિયા 20,000ના ઈનામની જાહેરાત કરવામાં આવી છે.
રવિવારે સુરતના એક બિલ્ડર તુષાર ઘેલાણીએ આ અંગે કોઈ માહિતી પોલીસને પહોંચાડે તો પાંચ લાખનું ઇનામ પોતે આપશે તેવી જાહેરાત પણ કરી હતી.
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની માસૂમ બાળકી પર ગેંગરેપ કરી મોતને ઘાટ ઉતારવાની, ઉન્નાવમાં ભાજપના નેતા દ્વારા યુવતી પર બળાત્કાર ગુજારવાની અને સુરતમાં પણ બાળકી પર ગેંગરેપ બાદ તેની હત્યાને લઈ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સમાજ માટે શરમજનક ઘટનાના વિરોધમાં અમદાવાદ અને સુરત શહેરમાં ક્યાંક કેન્ડલમાર્ચનો કાર્યક્રમ રખાયો હતો તો ક્યાંક રેલી કાઢવામાં આવી હતી.
Share

