મેલ્બર્નમાં મહિનાઓ પછી સોમવારે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટે ઊતરાણ કર્યું હતું.
શ્રીલંકાના કોલંબોથી ઉડાન ભરનારી શ્રીલંકન એરલાઇન્સની ફ્લાઇટ UL604 સોમવારે સવારે મેલ્બર્ન એરપોર્ટ પર ઉતરી હતી. અને, બપોરના સમયે અન્ય ત્રણ ફ્લાઇટ ઊતરાણ કરવાની છે.
ઉલ્લેખનીય છે કે જુલાઇ 2020માં હોટલ ક્વોરન્ટાઇન સ્ટાફને મુસાફરો દ્વારા કોરોનાવાઇરસનો ચેપ લાગ્યો ત્યાર બાદ વિક્ટોરીયામાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના ઊતરાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.
કોરોનાવાઇરસના બીજા તબક્કા દરમિયાન રાજ્યમાં 18000 ચેપ તથા 800 મૃત્યુ થયા હતા.
38 દિવસથી રાજ્યમાં કોરોનાવાઇરસનો એક પણ કેસ ન નોંધાતા સરકારે 7મી ડિસેમ્બર 2020ના રોજથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને મેલ્બર્નમાં ઊતરાણની મંજૂરી આપી છે.
આ તમામ ફ્લાઇટ્સમાંથી મેલ્બર્ન આવનારા મુસાફરોને સીધા જ હોટલ ક્વોરન્ટાઇનમાં લઇ જવામાં આવશે.
રક્ષાદળના 170થી વધુ જવાનો હોટલ ક્વોરન્ટાઇનની યોજનામાં ફરજ બજાવશે. જે અંતર્ગત મુસાફરોના તાપમાનની નોંધ, હોટલમાં પ્રવેશ અને બહાર જવા સંબંધિત બાબતોમાં મદદ કરશે.
વિક્ટોરીયન પોલિસના અધિકારીઓ હોટલ ક્વોરન્ટાઇનની સુરક્ષા સાથે સંકળાયેલી બાબતોની દેખરેખ રાખશે.

Passengers wearing protective masks arrive at Sydney International Airport in Sydney Source: AAP
સોમવારે મેલ્બર્નમાં 253 મુસાફરો ઊતરશે
રાજ્ય સરકારે જણાવ્યું હતું કે મેલ્બર્નમાં આઠ ફ્લાઇટ્સ હેઠળ કુલ 253 આંતરરાષ્ટ્રીય મુસાફરો ઊતરાણ કરશે.
મેલ્બર્નમાં દર અઠવાડિયે 1120 મુસાફરોના ઊતરાણની મર્યાદા નક્કી કરવામાં આવી છે. મેલ્બર્ન એરપોર્ટ ચીફ ઓફ એવિયેશન શેન ઓ'હેરે ABC ને જણાવ્યું હતું કે મર્યાદિત સંખ્યામાં ઊતરાણ શરૂ કરાયું હોવાથી તેનું સંચાલન યોગ્ય રીતે થઇ શકે છે.
આંતરરાષ્ટ્રીય ઊતરાણ કરનારા તમામ પેસેન્જર્સને એરપોર્ટથી સીધા હોટલ ક્વોરન્ટાઇન માટે લઇ જવામાં આવશે. તેથી કોઇ ભૂલ થવાની શક્યતા નથી, તેમ શેન ઓ'હેરે જણાવ્યું હતું.
Share


