ગુજરાતના જાણિતા ક્રિકેટ કોચ અપૂર્વ દેસાઇની નેપાળની ક્રિકેટ ટીમના બેટિંગ કોચ બનાવવામાં આવ્યા છે. નેપાળની ટીમે હાલમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)નો વન-ડે ક્રિકેટ રમવાનો દરજ્જો મેળવ્યો છે અને હાલમાં અપૂર્વ ટીમને બેટિંગની ટીપ્સ આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આઇસીસીનો વન-ડે ક્રિકેટ રમવાનો દરજ્જો હાલમાં વિશ્વની 16 ટીમો પાસે છે. 12 દેશ તો અગાઉથી જ વન-ડે રમી રહ્યા હતા પરંતુ તેમાં હવે આઇસીસીએ વધુ ચાર દેશોનો સમાવેશ કર્યો છે જેમાં યુનાઇટેડ આરબ અમીરાત, નેપાળ, સ્કોટલેન્ડ તથા નેધરલેન્ડ્સનો સામેલ છે.

નેપાળની ટીમ સાથે બેટિંગ કોચ તરીકે જોડાયા બાદ અપૂર્વ દેસાઇએ SBS Gujarati સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "નેપાળને હાલમાં જ વન-ડે રમવાની માન્યતા પ્રાપ્ત થઇ છે અને તેઓ બેટિંગ સહિતના વિવિધ ક્ષેત્રમાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા તેથી મારી બેટિંગ કોચ તરીકે નીમણૂક કરવામાં આવી છે."
અપૂર્વ દેસાઇ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ની બેંગલોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમી ખાતે ઉભરતા અને પ્રતિભાશાળી ખેલાડીઓનો કોચિંગ આપે છે પરંતુ એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા તેમને નેપાળની ટીમને બેટિંગ ટિપ્સ આપવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ભારતીય બોર્ડે તેમને વિશેષ પરવાનગી આપતા તેઓ નેપાળની ક્રિકેટ ટીમ સાથે જોડાયા છે.
હાલમાં તેઓ નેપાળની ટીમ સાથે ત્રણ અઠવાડિયા સુધી કાર્ય કરશે અને તેમાં તેમણે એક અઠવાડિયું નેપાળના કાઠમાંડુમાં કેમ્પ કર્યો ત્યાર બાદ નેપાળની ટીમ સાથે શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો જેમાં નેપાળ ત્રણ પ્રેક્ટિસ મેચ રમ્યું હતું અને હાલમાં નેપાળની ટીમ મલેશિયા ખાતે એશિયા કપ ક્વોલિફાયરમાં ભાગ લઇ રહી છે.
નેપાળને એશિયા કપમાં રમવાની તક
નેપાળની ટીમ સાથે પોતાના કાર્ય અંગે અપૂર્વએ વધુમાં જણાવ્યું હતું કે, "મારું સૌ પ્રથમ લક્ષ્યાંક ટીમને એશિયા કપ ક્વોલિફાયરમાં ચેમ્પિયન બનાવવાનું છે. હાલમાં ટીમ સારું પ્રદર્શન કરી રહી છે અને જો નેપાળ ટીમ ચેમ્પિયન બનશે તો તે આગામી 15મી સપ્ટેમ્બરથી દુબઇ ખાતે શરૂ થઇ રહેલા એશિયા કપમાં ભાગ લેશે. જેમાં તેને ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ તથા અફઘાનિસ્તાન સામે રમવાની તક મળશે."
Image
નેપાળની ટીમનું ઉજળું ભવિષ્ય
નેપાળની ટીમના ભવિષ્ય અંગે અપૂર્વ દેસાઇએ જણાવ્યું હતું કે, "ટીમના મોટાભાગના ખેલાડીઓ પ્રતિભાશાળી છે અને આ એક યુવા ટીમ છે.
નેપાળ હાલમાં વિવિધ દેશોમાં રમી રહી છે અને ટીમના ખેલાડીઓને વિદેશની ધરતી પર રમવાનો અનુભવ મળી રહ્યો છે જે એક બિનઅનુભવી ટીમ માટે ખૂબ જ જરૂરી હોય છે. મને આશા છે કે ટીમ આગામી સમયમાં ઘણી સફળતા મેળવશે."
નેપાળના લોકો ક્રિકેટ ક્રેઝી
નેપાળની ટીમ સાથે કાઠમાંડુમાં એક અઠવાડિયાના કેમ્પ દરમિયાન દેશના લોકોના ક્રિકેટ માટેના ઝનૂન અંગે અપૂર્વએ જણાવ્યું હતું કે, "નેપાળના લોકો ક્રિકેટ ક્રેઝી છે ત્યાંના લોકોના રમત પ્રત્યેના ઝનૂનને જોતા લાગી રહ્યું છે કે ભવિષ્યમાં નેપાળ ક્રિકેટની રમતમાં એક મજબૂત ટીમ બનીને બહાર આવશે."
ટીમને વધુ તકની જરૂર
નેપાળની ટીમમાં ઘણા યુવા ખેલાડીઓ છે ટીમનો કેપ્ટન પારસ ખડકા તથા જ્ઞાનેન્દ્ર મલ્લા છેલ્લા કેટલાક સમયમાં શાનદાર ફોર્મમાં છે. આ ઉપરાંત લેગ સ્પિનર સંદીપ લામીછાને ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ દિલ્હી ડેરડેવિલ્સમાં રમી ચૂક્યો છે તેમની હાજરી ટીમને મજબૂત બનાવે છે પરંતુ ટીમમાં મોટાભાગના ખેલાડીઓ અંડર-19 છે. તેમને વધારે અનુભવની જરૂર છે તેથી નેપાળે વધુમાં વધુ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમવા તરફ ધ્યાન આપવું પડશે.

અપૂર્વ વિવિધ ટીમો સાથે બેટિંગ કોચ તરીકે કામ કરી રહ્યા છે. તેઓ બેંગલોરમાં આવેલી નેશનલ ક્રિકેટ એકેડેમી સાથે નવ વર્ષથી સંકળાયેલા છે જ્યાં તેઓ ભારતીય અંડર-19 ટીમના ખેલાડીઓ તથા ઇન્ડિયા - એ ટીમના ખેલાડીઓને બેટિંગની ટિપ્સ આપી રહ્યા છે. અપૂર્વ દેસાઇ ઇન્ડિયન પ્રિમીયર લીગની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે પણ જોડાયેલા છે તેઓ આઇપીએલ અગાઉ નાઇટ રાઇડર્સના કેમ્પમાં બેટિંગ વિશેષજ્ઞ તરીકે નિયુક્ત છે.
દેશના મોટાભાગના ખેલાડીઓ અપૂર્વ દેસાઇ પાસે બેટિંગની ટિપ્સ લેવા માટે આવે છે તાજેતરમાં જ ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક ત્રણ મહિના સુધી તેમની પાસે રહીને બેટિંગમાં સુધારો કરવા માટેના જરૂરી સલાહ સૂચનો મેળવ્યા હતા.

