ફિફા વિમેન્સ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન વિમેન્સ ફૂટબોલ ટીમે પ્રથમ મેચમાં પરાજય મેળવ્યા બાદ પોતાની બીજી મેચમાં શાનદાર કમબેક કર્યું હતું અને મોન્ટપેલિયેર ખાતે રમાયેલી મેચમાં બ્રાઝિલને પરાજય આપ્યો હતો.
મટિલ્ડાના નામથી જાણીતી ઓસ્ટ્રેલિયન વિમેન્સ ફૂટબોલ ટીમને વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ઇટાલી સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને બ્રાઝિલ સામેની બીજી મેચમાં પણ તે પ્રથમ હાફના અંત સુધીમાં 0-2થી પાછળ હતી.
પરંતુ, કૈટલિન ફોર્ડ અને ક્લોઇ લોગાર્ઝોએ ઓસ્ટ્રેલિયા માટે ગોલ કરીને ટીમને બરાબરી અપાવી હતી. ત્યાર બાદ, બ્રાઝિલની ડિફેન્ડર મોનિકાએ પોતાની જ ગોલ પોસ્ટમાં ગોલ કરતાં ઓસ્ટ્રેલિયન ટીમ 3-2થી આગળ થઇ ગઇ હતી.
અને, ફાઇનલ સ્કોર 3-2 રહ્યો હતો.
એવું બીજી વખત બન્યું છે કે કોઇ પણ ટીમે મેચમાં 0-2થી પાછળ પડ્યા બાદ શાનદાર કમબેક કર્યું હોય અને મેચમાં વિજય મેળવ્યો હોય.

Sam Kerr of Australia celebrates following the Matildas’ win over Brazil. Source: FIFA
મટીલ્ડાના કોચ એન્ટે મિલિચિચે જણાવ્યું હતું કે ટીમના તમામ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને વિજય મેળવ્યો છે.
આ એક શાનદાર વિજય છે. મને મારી ટીમ પર ગર્વ છે. એક સમયે ઓસ્ટ્રેલિયન ટીમ 0-2થી પાછળ પડી ગઇ હતી. પરંતુ, ત્યાર બાદ કમબેક કરીને મેચ જીતવી એ મોટી ઉપલબ્ધિ છે.
મેચમાં નોંધાયેલા કેટલાક રેકોર્ડ્સ
- ઓસ્ટ્રેલિયન ટીમ બ્રાઝિલ સામે 0-2થી પાછળ પડ્યા બાદ શાનદાર પુનરાગમન કરીને મેચ જીતનારી પ્રથમ ટીમ બની છે.
- વિમેન્સ વર્લ્ડ કપની મેચમાં પાછળ રહ્યા બાદ કમબેક કરીને મેચમાં વિજય મેળવનારી ઓસ્ટ્રેલિયન ટીમ બીજી ટીમ બની છે, અગાઉ 1995ના વર્લ્ડ કપમાં સ્વીડને જર્મનીને 3-2થી પરાજય આપ્યો હતો.
- બ્રાઝિલની માર્ટા વિયેરા ડા સિલ્વાએ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ્સમાં પોતાનો 16મો ગોલ નોંધાવ્યો હતો. જે વિમેન્સ વર્લ્ડ કપમાં કોઇ એક ખેલાડીએ કરેલા ગોલની યાદીમાં પ્રથમ સ્થાને છે. તેણે જર્મનીના મિરોસ્લાવ ક્લોસાના ગોલની બરાબરી કરી છે.
- માર્ટાએ પાંચ અલગ અલગ વિમેન્સ વર્લ્ડ કપમાં ગોલ નોંધાવનારી પ્રથમ ખેલાડી બનવાની ઉપલબ્ધિ મેળવી છે.
- કૈટલિન ફોર્ડે વર્લ્ડ કપમાં 16 વર્ષના ઇતિહાસમાં બ્રાઝિલ સામે ગોલ કરનારી પ્રથમ મહિલા ખેલાડી બનવાની સિદ્ધી હાંસલ કરી છે.
- 1999 બાદ વર્લ્ડ કપની ગ્રૂપ મેચમાં બ્રાઝિલે પ્રથમ વખત ત્રણ ગોલ સહન કર્યા છે.
- ક્લોઇ લોગાર્ઝોએ વર્લ્ડ કપમાં પોતાનો પ્રથમ ગોલ નોંધાવ્યો હતો.
ઓસ્ટ્રેલિયા હવે ટૂર્નામેન્ટના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશથી એક મેચ દૂર છે. તેમનો આગામી મુકાબલો બુધવારે જમૈકા સામે થશે.