કોરોનાવાઇરસની મહામારીથી અસરગ્રસ્ત થયેલા ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રને ફરીથી બેઠું કરવા સરકારે વર્ષ 2020 – 21ના નાણાકિય વર્ષ માટે વિવિધ યોજનાઓમાં વધુ ફંડની જાહેરાત કરી.
કેન્દ્રીય ટ્રેઝરર જોશ ફ્રેડનબર્ગે મંગળવારે કેન્દ્રીય બજેટ પ્રસ્તુત કર્યું હતું. જે અંતર્ગત કોરોનાવાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને આગામી નાણાકિય વર્ષ માટે કેટલાક મહત્વપૂર્ણ સુધારાની જાહેરાત કરવામાં આવી હતી.
આગામી વર્ષની શરૂઆતમાં કોરોનાવાઇરસની રસી ઉપલબ્ધ થશે તેવા અનુમાન સાથે આ નાણાકિય વર્ષનું બજેટ રજૂ કરાયું હતું.
બજેટમાં કરવામાં આવેલી કેટલીક જાહેરાતો અને આંકડા
ટ્રેઝરર જોશ ફ્રેડનબર્ગે બજેટની જાહેરાતમાં જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાનું કુલ દેવું 1 ટ્રિલીયન ડોલર જેટલું થઇ ગયું છે જ્યારે દેશની નાણાકિય ખાદ 213 બિલિયન ડોલરથી પણ વધુ રહેશે તેવું અનુમાન લગાવ્યું હતું.

Source: AAP Image/Mick Tsikas
માઇગ્રેશન
અગાઉ નક્કી કર્યા મુજબ, વર્ષ 2020-21 માટે ઓસ્ટ્રેલિયામાં માઇગ્રેશનની કુલ સંખ્યા 160,000 યથાવત રહેશે.
- પરિવાર અંતર્ગત 77,300 વિસા આપવામાં આવશે.
- જેમાં પાર્ટનર શ્રેણીમાં 72,300 વિસા
- બાળકો માટેના વિસાની સંખ્યા 5000 જેટલી રાખવામાં આવી છે.
સરકારે શરણાર્થીઓ સાથે સંકળાયેલી યોજનાઓ ઘટાડવાનો નિર્ણય લીધો છે. જેનાથી બિલિયન ડોલરની બચતનું અનુમાન છે.
વ્યક્તિગત ટેક્સમાં ઘટાડો
વ્યક્તિગત ઇન્કમ ટેક્સમાં ઘટાડો વર્ષ 2022 માં લાગૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હવે તેને બે વર્ષ આગળ લાવીને 1 જુલાઇ 2020થી અમલમાં ગણવામાં આવશે.
- લો ઇન્કમ ઓફ્સેટને 445 ડોલરથી વધારીને 700 ડોલર કરવામાં આવ્યો છે.
- 19 ટકા ટેક્સ લાગૂ કરવાની રકમને 37,000 ડોલરથી વધારીને 45,000 ડોલર કરવામાં આવી છે.
- 32.5 ટકા ટેક્સ લાગૂ કરવાની રકમ 90,000થી વધારીને 120,000 કરવામાં આવી છે.
યુવા ઓસ્ટ્રેલિયન્સને નોકરી આપનારા વેપાર – ઉદ્યોગોને સહાયતા
કેન્દ્રીય ટ્રેઝરર જોશ ફ્રેડનબર્ગે 16થી 35 વર્ષની ઉંમર ધરાવતા બેરોજગાર યુવા ઓસ્ટ્રેલિયન્સને નોકરી આપનારા વેપાર – ઉદ્યોગોને 4 બિલિયન ડોલરની સબ્સિડી આપવાની જાહેરાત કરી છે.
- 30 વર્ષથી ઓછી ઉંમર ધરાવતી વ્યક્તિને અઠવાડિયે 200 ડોલર
- 30થી 35 વર્ષની ઉંમર ધરાવતી વ્યક્તિને 100 ડોલરની સહાયતા મળશે.
- જોકે, તેમણે અઠવાડિયામાં ઓછામાં ઓછા 20 કલાક નોકરી કરવી જરૂરી છે.
- જોબકિપર યોજના આગામી વર્ષના માર્ચ મહિના સુધી યથાવત રાખવાની જાહેરાત કરી છે.
નાના વેપાર – ઉદ્યોગો
કોરોનાવાઇરસ મહામારીમાં સૌથી વધુ અસર પામેલા નાના વેપાર – ઉદ્યોગો માટે સરકારે 26 મિલિયન ડોલરની ચૂકવણીની જાહેરાત કરી છે. જેમાંથી 19 મિલિયન ડોલર જેટલી રકમ દ્વારા વેપાર - ઉદ્યોગોને ડિઝીટલ પ્રણાલી અપનાવવા પ્રોત્સાહિત કરાશે.
મહિલાઓ માટે વિવિધ યોજનાઓ
નોકરી અને કાર્યસ્થળે મહિલાઓની સંખ્યા વધારવા માટે 240 મિલિયન ડોલરની ફાળવણી કરવામાં આવશે. જેમાં 50 મિલિયન ડોલર જેટલી રકમ વિમેન-એટ-વર્ક કાર્યક્રમમાં રોકવામાં આવશે.
એકેડેમી ફોર એન્ટરપ્રાઇઝીંગ ગર્લ્સ પ્રોગ્રામ લંબાવીને વેપાર – ઉદ્યોગ શરૂ કરવા ઇચ્છતી છોકરીઓ અને મહિલાઓને જરૂરી તાલિમ પૂરી પાડવામાં આવશે.
વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જીનીયરીંગ અને મેથ્સ જેવા ક્ષેત્રોમાં કાર્યરત મહિલાઓને વધુ સહાયતા મળી રહે તે માટે 14.5 મિલિયન ડોલરની ફાળવણી કરાશે.
Image
આરોગ્ય
કોરોનાવાઇરસ સાથે સંકળાયેલી સુવિધા માટે 16 બિલિયનની ફાળવણી, નેશનલ ડિસેબિલિટી ઇન્સ્યોરન્સ સ્કીમમાં વધારાના 3.9 બિલિયન ડોલરનો ઉમેરો કરવાની જાહેરાત કરાઇ છે.
કોરોનાવાઇરસની મહામારીને રોકવાના ભાગરૂપે નેશનલ પાર્ટનરશિપ એગ્રીમેન્ટ અંતર્ગત હોસ્પિટલને વધુ 1.1 બિલિયન ડોલરની ચૂકવણી કરાશે.
પેન્શનર્સને વધુ ચૂકવણી
પેન્શન મેળવતા લોકોને ડિસેમ્બર અને માર્ચ મહિનામાં 250 ડોલરની બે ચૂકવણી કરવામાં આવશે. જેમાં એજ અને ડિસેબિલિટી પેન્શનર્સ, વેટરન્સ, કેરર ચૂકવણી પર નિર્ભર રહેતા લોકોનો સમાવેશ થાય છે.
જે લોકો કોમનવેલ્થ સિનિયર કાર્ડ અને પેન્શનર કન્સેશન કાર્ડ પર નિર્ભર છે તેમને પણ આ ચૂકવણીનો લાભ મળી શકે છે.
રાષ્ટ્રીય સુરક્ષા
રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા કાર્યક્રમોમાં 173.5 મિલિયન ડોલરની ફાળવણી કરાશે જ્યારે ઓસ્ટ્રેલિયન ફેડરર પોલિસને 300.2 મિલિયન ડોલરની સહાયતા કરાશે.
નાણાકિય સુરક્ષા સાથે સંકળાયેલી બાબતોની દેખરેખ રાખતી સંસ્થા AUSTRAC ને 104.9 મિલિયન ડોલર ચૂકવવામાં આવશે.
પરિવારને લાગૂ પડતી બાબતો
સરકારે ફસ્ટ હોમ બાયર ડીપોઝીટ સ્કીમમાં પ્રથમ વખત ઘર ખરીદતા વધારાના 10,000 લોકોને સમાવવાનો નિર્ણય લીધો છે.
આગામી વર્ષોમાં ચાઇલ્ડ કેર સબસિડી સાથે સંકળાયેલી ચૂકવણીમાં સરકાર 9 બિલિયન ડોલર જેટલો ખર્ચ કરશે.
સરકારે બજેટમાં વિજળીની ઓછી કિંમત અને ઉત્સર્જન સાથે સંકળાયેલી બાબતો માટે 2.5 બિલિયન ડોલરની ફાળવણીની જાહેરાત કરી છે.
પ્રવાસન
ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓને ફરીથી પ્રવાસ માટે પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે વિવિધ યોજના હાથ ધરાશે. જે અંતર્ગત ટુરિઝમ ઓસ્ટ્રેલિયાને વર્ષ 2020-21 માં 231.6 મિલિયન ડોલરની ચૂકવણી થશે.
આ વર્ષના અંત સુધીમાં રાજ્યોની આંતરિક સરહદો ખુલી જશે તેવું બજેટમાં અનુમાન લગાવાયું હતું. વેસ્ટર્ન ઓસ્ટ્રલિયાની સરહદ રાજ્યમાં યોજાનારી ચૂંટણી બાદ આગામી એપ્રિલ મહિનામાં ખુલશે તેવી ધારણા છે.
Share

