આ વર્ષના માર્ચમાં, આબોહવાના પરિવર્તનથી ઉભા થઇ રહેલા સંકટ અંગે વૈશ્વિક જાગૃતિ લાવવા માટે સ્કૂલ હડતાલ યોજવામાં આવી હતી જેમાં ૧.૪ મિલિયન લોકોએ ભાગ લીધો હતો.
સોમવારે ૨૩મી સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની ક્લાઇમેટ એક્શન સમિટ શરૂ થવાની છે તે અગાઉ ફરી એકવાર વિશ્વભરના લાખો લોકો રેલીઓમાં જોડાશે.
વિદ્યાર્થીઓના નેતૃત્વમાં યોજાનારી આ રેલીઓને સમાજના વિવિધ ક્ષેત્રમાંથી ટેકો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કંપનીઓ, યુનિવર્સિટી જૂથો અને ટ્રેડ યુનિયનનો સમાવેશ છે.
ફ્યુચર સુપરના ચીફ એક્ઝિક્યુટિવ સાઈમન શેખ ઓફીસના કામમાંથી સમય કાઢી રેલીમાં જોડાવાના છે.
“વિદ્યાર્થીઓ, શિક્ષકો , કર્મચારીઓ - આપણે બધાએ જવાબદારી લેવાની છે માત્ર રાજકારણીઓ પર આ મુદ્દો છોડી શકીએ નહીં. આબોહવા પરિવર્તનએ ખૂબ જ મૂળભૂત મુદ્દો છે, આવો કટોકટીભર્યો વિષય બીજા પર છોડી દેવો યોગ્ય નથી.”
શેખે કરેલ ઝુંબેશ 'નોટ બિઝનેસ એઝ્યુઅલ' વ્યવસાયોને થોડો સમય કામ બંધ રાખી ક્લાઇમેટ એક્શન રેલીમાં જોડાવાનું પ્રોત્સાહન આપે છે.
તેમની વેબસાઇટ પર મુકેલો સંદેશ કહે છે કેવી રીતે નોકરીદાતાઓ તેમના કર્મચારીઓને આ રેલીમાં ભાગ લેવામાં મદદ કરી શકે.
શક્ય હોય તો કામ થોડો સમય માટે બંધ રાખવું , અથવા દિવસ દરમિયાન અન્ય કોઈ મીટીંગો યોજવી નહિ જેથી રેલી માટે સમય કાઢી શકાય કે પછી લંચ બ્રેક માટે લાંબા સમયની મંજૂરી આપવી.
અને જો, કર્મચારીઓ થોડા કલાકો રેલીમાં ભાગ લેવા જાય તો તેમને કોઈ દંડ કરવામાં ના આવે.
લગભગ ૧૬૦૦ વ્યવસાયોમાંથી બે કંપનીઓ તેના કર્મચારીઓને આ કૂચમાં ભાગ લેવાનું સમર્થન આપે છે, ટેક કંપની એટલાસિયન અને રીઅલ એસ્ટેટ કંપની ડોમેન.
વ્યવસાયો પર તોળાતા ભય વિષે સાઈમન શેખ કહે છે, “આપણામાંના ઘણા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજ આપણી મિલકત છે જે સમુદ્ર-સ્તરના વધારાથી પ્રભાવિત થવાની સંભાવના ધરાવે છે. અમુક વ્યવસાયો માટે ઉર્જાની કટોકટી છે પણ દરેક વ્યવસાયને કોઈ ને કોઈ રૂપે અસર જરૂર થાય છે. તેથી આપણી સરકારે જાગવું પડશે અને સમજવું પડશે કે સૌને માથે જોખમ છે.”
આવતીકાલે ફક્ત સ્કૂલના વિદ્યાર્થીઓ અને વ્યવસાયો હડતાલ પર ઉતરવાના નથી.
યુનિવર્સિટીના ઘણા વિદ્યાર્થીઓ પણ તેમના શિક્ષકોને, ટ્યુટર્સને જોડવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.
ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ રિપ્રેઝન્ટેટિવ કાઉન્સિલ દ્વારા વિદ્યાર્થીઓને રેલીમાં લઈ જવા માટે બસનું આયોજન કરવામાં આવ્યું છે.
ન્યૂયોર્કમાં સોમવારથી શરૂ થનાર યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ ચેન્જ સમિટમાં કોલસાના વપરાશની તરફેણ કરનારા દેશોને બોલવાની મંજૂરી નથી મળી જેમાં ઓસ્ટ્રેલિયાનો સમાવેશ છે.
વડાપ્રધાન સ્કોટ મોરિસન એ જ સમયે અમેરિકામાં હોવા છતાં, આબોહવા શિખર સંમેલનમાં ભાગ નથી લેવાના તે બદલ તેમની ટીકા કરવામાં આવી છે.
વિદેશ પ્રધાન મરીસ પેયન અને પર્યાવરણ માટેના ઓસ્ટ્રેલિયન રાજદૂત, પેટ્રિક સકલિંગ, તેમની જગ્યાએ હાજરી આપે તેવી અપેક્ષા છે.
બેઠક દરમિયાન કોલસાનો વપરાશ ચર્ચાનો મુખ્ય મુદ્દો રહેશે તેથી ઓસ્ટ્રેલિયા ઉપરાંત જાપાન, દક્ષિણ આફ્રિકા અને કોલસાનું સમર્થન કરનારા અન્ય દેશોને પણ મુસદ્દાની સૂચિમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રાઝિલ અને સાઉદી અરેબિયા જેવા પેરિસ આબોહવા સમજૂતીની ટીકા કરતા દેશોને પણ સભા સંબોધવાનો મોકો નહિ મળે.
યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસના આ નિર્ણય ને ઓસ્ટ્રેલિયન હવામાન પરિવર્તન હિમાયત જૂથો દ્વારા બિરદાવવામાં આવ્યો છે.
પર્યાવરણ પ્રધાન સુસન કહે છે કે લોકો વાતાવરણની કટોકટી અંગે ચિંતિત હોય તે સમજી શકાય છે, પરંતુ ભારપૂર્વક કહે છે કે ઓસ્ટ્રેલિયાની સરકાર આ મુદ્દા પર વૈશ્વિક અને સ્થાનિક પ્રયાસોનો ભાગ બનવા માંગે છે.