ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વન-ડે અને ટી20 શ્રેણીની કુલ છ મેચમાંથી પાંચ મેચની ટિકીટો ગણતરીની મિનિટોમાં જ વેચાઇ ગઇ છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદન પ્રમાણે, 20મી નવેમ્બરે સવારે ટિકીટોનું વેચાણ શરૂ થયું હતું અને થોડા જ સમયમાં નક્કી કરેલી ટીકીટો વેચાઇ ગઇ હતી.
સિડની અને કેનબેરા ખાતે રમાનારી વન-ડે અને ટી20ની કુલ 5 મેચની ટિકીટો સમાપ્ત થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે.
27મી નવેમ્બરે સિડની ખાતે રમાનારી પ્રથમ વન-ડે મેચની 1900 ટિકીટ હજી બાકી છે. ઉલ્લેખનીય છે કે, સિડની અને કેનબેરા ખાતે રમાનારી મેચમાં સ્ટેડિયમની ક્ષમતાના 50 ટકા પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ફેન એન્ગેજમેન્ટના એક્સીક્યુટીવ જનરલ મેનેજર એન્થની એવરાર્ડે જણાવ્યું હતું કે, ગણતરીની મિનિટોમાં જ ટિકીટનું વેચાણ જવાથી પ્રશંસકોની આતુરતાનો ખ્યાલ આવે છે.
હાલમાં મેચ જોવા માટે આવતા પ્રશંસકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. તેથી, ટિકીટ ખરીદનારા પ્રેક્ષકોને કોરોનાવાઇરસ સેફ પ્લાન વિશે જાણકારી આપવામાં આવશે.
આગામી દિવસોમાં ટેસ્ટ શ્રેણીની ટિકીટોનું વેચાણ શરૂ કરવામાં આવશે, તેમ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું હતું.
ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે શ્રેણીનો કાર્યક્રમ
પ્રથમ વન-ડે 27મી નવેમ્બર, સિડની
બીજી વન-ડે 29મી નવેમ્બર, સિડની
ત્રીજી વન-ડે 2જી ડીસેમ્બર, કેનબેરા
ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટી20 શ્રેણીનો કાર્યક્રમ
પ્રથમ ટી20 4થી ડિસેમ્બર, કેનબેરા
બીજી ટી20 6ઠી ડિસેમ્બર, સિડની
ત્રીજી ટી20 8મી ડિસેમ્બર, સિડની.
Share

