ક્રિસમસની રજાઓ અગાઉ જ રાજ્યો અને ટેરીટરીની સરકારોએ સિડનીના નોધર્ન બિચીસ તથા ગ્રેટર સિડનીથી આવતા મુસાફરો માટે મુસાફરીના પ્રતિબંધો અમલમાં મૂકવાની ફરજ પડી છે.
ઉલ્લેખનીય છે કે આ વિસ્તારોમાં કોરોનાવાઇરસના કેસની સંખ્યા વધી છે. અને રવિવાર સુધીમાં 70 જેટલા કેસ નોંધાયા છે. જેમાં કેટલાક કેસ અજાણ્યા સ્ત્રોતમાંથી ફેલાયા હોવાની શક્યતા છે.
શનિવારે, ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયાને જણાવ્યું હતું કે સિડનીના નોધર્ન બિચીસ વિસ્તાર શનિવાર સાંજે 5 વાગ્યાથી બુધવાર મધ્યરાત્રી સુધી લોકડાઉનમાં પ્રવેશશે.
તેમણે જણાવ્યું હતું કે, માર્ચ મહિનાની જેમ હાલમાં નોધર્ન બિચીસના સ્થાનિક વિસ્તારોને ફરીથી લોકડાઉનમાં મૂકવામાં આવ્યા છે.
કેસના અચાનક વધારો થતાં, સિડની તથા ન્યૂ સાઉથ વેલ્સના રહેવાસીઓના આંતરરાજ્ય મુસાફરીના આયોજનને અસર પડી શકે છે. વિવિધ રાજ્યોએ કેવા પ્રતિબંધો અમલમાં મૂક્યા છે તેની માહિતી મેળવીએ.
વિક્ટોરીયા
સેન્ટ્રલ કોસ્ટ અને બ્લૂ માઉન્ટેન્સ સહિતના ગ્રેટર સિડનીના રહેવાસીઓને વિક્ટોરીયામાં પ્રવેશ મળશે નહીં. રાજ્યના પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે આ સમગ્ર ક્ષેત્રને રેડ ઝોનની શ્રેણીમાં મૂક્યું છે.
આ સમયગાળા બાદ જે કોઇ પણ વ્યક્તિ રાજ્યમાં પ્રવેશ કરશે તેને 14 દિવસ હોટલ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે.
વિક્ટોરીયાના રહેવાસીઓ પાસે પરત ફરવા માટે સોમવાર મધ્યરાત્રી સુધીનો સમય છે. તેમણે પરત ફરીને 14 દિવસ સુધી ઘરમાં સેલ્ફ આઇસોલેટ થવું પડશે.
આ સમયગાળા બાદ આવનારા લોકોને પણ હોટલ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે.

પ્રીમિયર એન્ડ્ર્યુસે જણાવ્યું હતું કે, આ એક મુશ્કેલ નિર્ણય છે પરંતુ તેને લાગૂ કરવો જરૂરી છે.
તેમણે ઉમેર્યું હતું કે, જરૂરિયાત હશે ત્યાં સુધી સરહદ બંધ કરવાનો નિર્ણય અમલમાં રહેશે અને બુધવાર સુધી નોધર્ન બિચીસ વિસ્તારોમાં લાગૂ કરવામાં આવેલા લોકડાઉન સુધી તે હટશે નહીં.
ટ્રાફીક લાઇટ સિસ્ટમ અંતર્ગત, ગ્રેટર સિડની સિવાયના ન્યૂ સાઉથ વેલ્સના અન્ય તમામ ક્ષેત્રોને ગ્રીન ઝોનની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. જોકે, તે વિસ્તારોના લોકોએ વિક્ટોરીયામાં દાખલ થવા માટે પરમીટ મેળવવી જરૂરી છે.
11મી ડીસેમ્બરના રોજ કે ત્યાર બાદ નોધર્ન બિચીસ વિસ્તારોની મુલાકાત લેનારા લોકો જો હાલમાં વિક્ટોરીયામાં હશે તો તેમણે આઇસોલેટ થઇને કોરોનાવાઇરસનો ટેસ્ટ કરાવવો જરૂરી છે.
ક્વિન્સલેન્ડ
ક્વિન્સલેન્ડના આરોગ્ય વિભાગે પણ ગ્રેટર સિડનીના રહેવાસીઓ માટે રાજ્યની સરહદ બંધ કરવાની જાહેરાત કરી છે.
છેલ્લા પખવાડિયામાં સિડની, બ્લૂ માઉન્ટેન્સ, સેન્ટ્રલ કોસ્ટ અને ઇલાવારા - શોઅલહેવન વિસ્તારોની મુલાકાત લેનારા લોકોને પરવાનગી વિના રાજ્યમાં પ્રવેશ મળશે નહીં. પરવાનગી મળ્યા બાદ પણ તેમણે 14 દિવસ સુધી હોટલ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે.

ક્વિન્સલેન્ડના રહેવાસીઓ પાસે પરત ફરવા માટે મંગળવાર વહેલી સવારના 1 વાગ્યા સુધીનો સમય છે. જોકે, તેમણે પરત ફર્યા બાદ કોરોનાવાઇરસનો ટેસ્ટ કરાવી 14 દિવસ સુધી સેલ્ફ - આઇસોલેટ થવું પડશે.
ક્વિન્સલેન્ડના પ્રીમિયર અનાસ્તાસિયા પલાશયે જણાવ્યું હતું કે જો તમે ગ્રેટર સિડનીના રહેવાસી છો તો ક્વિન્સલેન્ડ આવવા માટે આ યોગ્ય સમય નથી.
ક્વિન્સલેન્ડ ન્યૂ સાઉથ વેલ્સ સાથેની સરહદ પર ચેકપોઇન્ટ્સ પણ ગોઠવી રહ્યું છે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી
સિડની, ધ સેન્ટ્રલ કોસ્ટ, ઇલાવારા - શોએલહેવન તથા નેપીયન બ્લૂ માઉન્ટેન્સ વિસ્તારમાંથી ટેરીટરીમાં પ્રવેશનારા લોકોએ 14 દિવસ સુધી ક્વોરન્ટાઇન થવું પડશે.
જો તમે ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીના રહેવાસી નથી તો તમારા માટે એક સામાન્ય સંદેશ છે... ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીની મુલાકાત ન લેશો, તેમ ટેરીટરીના મુખ્ય આરોગ્ય અધિકારી કેરીન કોલમેને જણાવ્યું હતું.
મુસાફરની સાથે રહેતા અન્ય વ્યક્તિએ પણ ક્વોરન્ટાઇન થવું પડશે, તેમ તેમણે જણાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીનો આરોગ્ય વિભાગ આ વિસ્તારોમાંથી આવતા રાજ્યના રહેવાસી ન હોય તેવા લોકોને પરવાનગી આપશે નહીં. ફક્ત જરૂરિયાત ધરાવતી વ્યક્તિને જ ટેરીટરીમાં પ્રવેશ અપાશે, તેમ ડો કોલમેને જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે ઘણા લોકો માટે આ મુશ્કેલ સમય છે પરંતુ અમારે આ નિર્ણય લેવો જરૂરી હતો.
આ નિયંત્રણો ક્રિસમસ તથા ન્યૂ યર સુધી અમલમાં રહી શકે છે તેવી તેમણે શક્યતા વ્યક્ત કરી હતી.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા
રાજ્યના પ્રીમિયર માર્ક મેકગોવને નોધર્ન બિચીસ વિસ્તારોમાં કોરોનાવાઇરસના કેસની સંખ્યા વધતા ન્યૂ સાઉથ વેલ્સ સાથે કડક નિયંત્રણો અમલમાં મૂક્યા છે.
શનિવારે રાજ્યને ઓછા જોખમીની શ્રેણીમાંથી મધ્યમ જોખમીની શ્રેણીમાં મૂકવામાં આવ્યું હતું. મતલબ, વર્ષની શરૂઆતમાં જે નિયંત્રણો અમલમાં હતા તેને ફરીથી લાગૂ કરવામાં આવ્યા છે.
ખાસ પરવાનગી મેળવનારા ન્યૂ સાઉથ વેલ્સના લોકોને જ 20મી ડીસેમ્બર બાદ રાજ્યમાં પ્રવેશ મળશે.
પ્રીમિયર મેકગોવને જણાવ્યું હતું કે આ એક મુશ્કેલ નિર્ણય છે. ક્રિસમસની રજાઓમાં ન્યૂ સાઉથ વેલ્સમાં રહેતા પરિવારજનોને મળવા ઇચ્છતા લોકો માટે નિરાશાજનક સમય છે.
નોધર્ન ટેરીટરી
નોધર્ન ટેરીટરીએ ગ્રેટર સિડનીથી આવતા મુસાફરો માટે તેમની સરહદો બંધ કરી દીધી છે તેમ એક્ટીંગ ચીફ મિનિસ્ટર નીકોલ મેનિસને જણાવ્યું હતું.
સિડની, બ્લૂ માઉન્ટેન્સ, સેન્ટ્રલ કોસ્ટ અને ઇલાવારાથી આવનારા લોકોને 14 દિવસ હોટલ ક્વોરન્ટાઇનમાં વિતાવવા પડશે.
ટેરીટરીના લોકોની સુરક્ષા માટે અમારે જે નિર્ણય લેવો પડશે તે નિર્ણય લેવા માટે સરકાર તૈયાર છે. તેમણે મેનિસને ઉમેર્યું હતું.
તાસ્મેનિયા
રાજ્યના આરોગ્ય વિભાગે નોધર્ન બિચીસ વિસ્તારોને અતિ જોખમી વિસ્તારોની શ્રેણીમાં મૂક્યા છે. 11મી ડીસેમ્બર બાદ આ વિસ્તારોની મુલાકાત લેનારા લોકોને તાસ્મેનિયામાં પ્રવેશ મળશે નહીં. જો તેઓ જરૂરિયાત ધરાવતી સેવામાં કાર્યરત હશે તો જ તેમને પ્રવેશમી મંજૂરી મળશે.
આ સિવાયના સમગ્ર ગ્રેટર સિડનીને મધ્યમ જોખમીની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. એટલ કે, આ વિસ્તારોમાંથી તાસ્મેનિયામાં પ્રવેશ મેળવનારા લોકોએ 14 દિવસ સુધી ક્વોરન્ટાઇન થવું પડશે.
ઇતહાસમાં પ્રથમ વખત સિડનીથી હોબાર્ટ વચ્ચેની યાચ રેસ રદ કરવામાં આવી છે.
સાઉથ ઓસ્ટ્રેલિયા
સાઉથ ઓસ્ટ્રેલિયાના પ્રીમિયર સ્ટીવન માર્શલે રવિવારે જાહેરાત કરી હતી કે, તેમના રાજ્યની સરહદો ગ્રેટર સિડની માટે રવિવાર રાત્રીથી બંધ થઇ જશે અને ન્યૂ સાઉથ વેલ્સ સાથે સંકળાયેલી સરહદો અને એડિલેડ એરપોર્ટ પર કોરોનાવાઇરસના સેટ્ માટે ચેકપોઇન્ટ્સ ઉભા કરવામાં આવશે.
સાઉથ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશતા ગ્રેટર સિડનીના લોકોએ ફરજિયાત પણે 14 દિવસ સુધી ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે. તાજેતરમાં જ નોધર્ન બિચીસ વિસ્તારોની મુલાકાત લેનારા લોકોને પ્રવેશ મળશે નહીં. ફક્ત પરત ફરી રહેલા રાજ્યના રહેવાસીઓને જ પ્રવેશ આપવામાં આવશે.
- ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ સમૂહમાં ભેગા થવા વિશે તમારા રાજ્યોની સરકારે નક્કી કરેલા પ્રતિબંધો તપાસો.
- જો તમને એમ લાગે કે તમને શરદી અને તાવના લક્ષણો છે તો, ઘરે રહો, ડોક્ટરને ફોન કરો, અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો.
- સમાચાર અને માહિતી www.sbs.com.au/coronavirus પર 63 ભાષામાં ઉપલબ્ધ છે.
- તમારા રાજ્યો અથવા ટેરીટરી - ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરીયા, ક્વિન્સલેન્ડ, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, સાઉથ ઓસ્ટ્રેલિયા, નોર્ધન ટેરીટરી, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી અને તાસ્મેનિયા દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાંથી વધુ માહિતી મેળવો.

