સિડનીના નોધર્ન બિચીસ વિસ્તારમાં કોરોનાવાઇરસના સામુદાયિક સંક્રમણની સંખ્યા 28 સુધી પહોંચી જતા કેટલાક રાજ્યોએ ક્રિસમસ અગાઉ ન્યૂ સાઉથ વેલ્સ સાથે મુસાફરીના નિયંત્રણો મૂકવાની ફરજ પડી છે.
બીજી તરફ, રાજ્યના પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયાને શુક્રવારે જણાવ્યું હતું કે વાઇરસનું નિદાન થયું હોય તેવા કેટલાક દર્દીઓ નોધર્ન બિચીસ વિસ્તારના રહેવાસી ન હોવાથી તે સમગ્ર ગ્રેટર સિડનીમાં ફેલાવાવી શક્યા છે.
તેથી જ તેમણે સમગ્ર ગ્રેટર સિડનીને હાઇ એલર્ટ પર રહેવા અપીલ કરી હતી.
ઓસ્ટ્રેલિયન રાજ્યો અને ટેરીટરીએ ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસના કેસની સંખ્યામાં વધારો થતા સાવચેતીના ભાગરૂપે કેટલાક નિયંત્રણો લાદવાનો નિર્ણય લીધો છે.
વિક્ટોરીયા
વિક્ટોરીયા ન્યૂ સાઉથ વેલ્સથી આવનારા તમામ મુસાફરો માટે શુક્રવાર મધ્યરાત્રીથી પરમીટ મેળવવી ફરજિયાત કરી રહ્યું છે.
આ ઉપરાંત, નોધર્ન બિચીસ વિસ્તારમાંથી આવનારા કોઇપણ મુસાફરને વિક્ટોરીયામાં પ્રવેશની મંજૂરી મળશે નહીં.
ક્વિન્સલેન્ડ
ક્વિન્સલેન્ડ સરકારે નોધર્ન બિચીસ લોકલ ગવર્મેન્ટ વિસ્તારને કોરોનાવાઇરસના હોટસ્પોટની શ્રેણીમાં મૂક્યું છે.
અને 11 ડીસેમ્બરથી આ વિસ્તારોની મુલાકાત લેનારા ક્વિન્સલેન્ડના રહેવાસીઓને 14 દિવસ સુધી ક્વોરન્ટાઇન તથા ટેસ્ટ કરવાનું જણાવાયું છે.
19મી ડીસેમ્બરે રાત્રીના 1 વાગ્યાથી નોધર્ન બિચીસની મુલાકાત લેનારા લોકોએ સ્વખર્ચે હોટલ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે.

People line up for Covid-19 testing at Mona Vale Hospital's walk-in clinic in Sydney, Thursday, December 17, 2020. Source: AAP
સાઉથ ઓસ્ટ્રેલિયા
દેશના કોઇ પણ રાજ્યમાંથી સાઉથ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશવા માટે ક્રોસ બોર્ડર ટ્રાવેલ એપ્લિકેશનની પ્રક્રિયા અમલમાં મૂકી રહી છે. સાઉથ ઓસ્ટ્રેલિયાના પોલીસ કમિશ્નર ગ્રાન્ટ સ્ટીવન્સે જણાવ્યું હતું કે સિડનીના નોધર્ન બિચીસ વિસ્તારને હાઇ કમ્યુનિટી ટ્રાન્સમિશન ઝોનની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે.
અને, જો કોઇપણ વ્યક્તિ આ વિસ્તારમાંથી 11મી ડીસેમ્બર બાદ સાઉથ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશી હોય તો તેને તાત્કાલિક ક્વોરન્ટાઇનમાં જવાની સલાહ અપાઇ છે.
11મી ડીસેમ્બરથી Avalon RSL અથવા Avalon Bowlo વિસ્તારની મુલાકાતે ગયેલા લોકોને સાઉથ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીએ એ તેમના રહેવાસીઓને સિડની મુસાફરી ન કરવાની સલાહ આફી છે.
તેમણે 11મી ડીસેમ્બર બાદ નોધર્ન બિચીસની મુલાકાત લેનારા રાજ્યના લોકોને પખવાડિયા માટે ક્વોરન્ટાઇન થવાની તથા કોરોનાવાઇરસના કોઇ પણ લક્ષણો ન હોય તેમછતાં પણ ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે.
નોધર્ન ટેરીટરી
નોધર્ન ટેરીટરીએ પણ સિડનીના નોધર્ન બિચીસ વિસ્તારને કોરોનાવાઇરસનું હોટસ્પોટ જાહેર કર્યું છે.
અને, શુક્રવાર સવારના 12.01 વાગ્યા બાદ રાજ્યમાં પ્રવેશતા તમામ લોકોને 2500 ડોલરના ખર્ચે 14 દિવસ સુધી હોટલ ક્વોરન્ટાઇનમાં રહેવાનો આદેશ કર્યો છે.
આ ઉપરાંત, છેલ્લા અઠવાડિયામાં આ વિસ્તારોની મુલાકાત લેનારા લોકોને કોરોનાવાઇરસનો ટેસ્ટ કરાવાની સલાહ આપી છે.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની સરકારે ન્યૂ સાઉથ વેલ્સમાંથી તાજેતરમાં રાજ્યમાં પ્રવેશનારા લોકોને 14 દિવસ સુધી સેલ્ફ ક્વોરન્ટાઇન થવાની તથા 11માં દિવસે કોરોનાવાઇરસનો ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે.
તાસ્મેનિયા
તાસ્મેનિયાએ નોધર્ન બિચીસ વિસ્તારને કોરોનાવાઇરસના હોટસ્પોટની શ્રેણીમાં મૂક્યું છે. અને 11મી ડીસેમ્બર બાદ આ વિસ્તારોની મુલાકાત લેનારા લોકોને રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
ફક્ત જરૂરિયાત ધરાવતા લોકો જ રાજ્યમાં પ્રવેશ મેળવી શકશે. અગાઉથી તાસ્મેનિયામાં પ્રવેશનારા લોકોને સેલ્ફ આઇસોલેટ થવાની તથા કોરોનાવાઇરસનો ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી છે.
Share

